કચ્છખબરડૉટકોમ, ભુજઃ વર્ષ 2019માં પાંચ હજારની લાંચ લેતા એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાયેલાં ભુજની ફૂડ એન્ડ ડ્રગ્ઝ કંટ્રોલર કચેરીના સિનિયર ક્લાર્ક વિજય દયારામ ભીલને ભુજની વિશેષ એસીબી કૉર્ટે દોષી ઠેરવી ત્રણ વર્ષના સખ્ત કારાવાસની સજા ફટકારી છે. 7-11-2019ના રોજ એસીબીએ સરકારી પંચો સાથે ભુજના બહુમાળી ભવનમાં આવેલી ફૂડ વિભાગની કચેરીમાં છટકું ગોઠવીને વિજય ભીલને લાંચ લેતાં ઝડપી પાડ્યો હતો. ભુજના રાજેશ ગુલાબશંકર જોશીએ નવી કેટરીંગ પેઢી શરૂ કરવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરીમાંથી લાયસન્સ મેળવવા મિત્ર મારફતે અરજી કરી હતી. વિજય ભીલે તેમને લાયસન્સ તૈયાર હોવાનું જણાવી હાથના ઈશારા વડે પાંચ હજાર રૂપિયાનો વહેવાર કરવો પડશે તેમ જણાવ્યું હતું.
આ કેસમાં સરકાર તરફે રજૂ થયેલાં 28 દસ્તાવેજી પૂરાવા અને 6 સાક્ષીને તપાસીને વિશેષ એસીબી કૉર્ટે વિજય ભીલને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 હેઠળ ત્રણ વર્ષની સખ્ત કેદ સાથે પાંચ હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે.
સ્પેશિયલ કૉર્ટના જજ શિલ્પાબેન કાનાબારે ચુકાદો આપતાં જણાવ્યું કે આ ગુનો કોઈ એક વ્યક્તિ કે સમૂહ નહીં બલ્કે આખી વ્યવસ્થા અને સમાજને અસર કરે છે. આ કેસમાં એસીબી તરફે સ્પે. પબ્લિક પ્રોસિક્યુટર એચ.બી. જાડેજાએ દલીલો કરી હતી.
Share it on
|