કચ્છખબરડૉટકોમ, ભુજઃ જખૌ ખાતે આયોજીત ધાર્મિક મહોત્સવમાં બંદોબસ્તની ડ્યુટી પૂરી કરીને ડ્રાઈવર સાથે પરત જતી વખતે કારમાં જ દારૂની મહેફિલ માણીને છાકટાં બનેલા એક પોલીસ હેડ કોન્સ્ટેબલને તેના ડ્રાઈવર સાથે નલિયા પોલીસે ઝડપી પાડ્યો છે. ગત રાત્રે 11ના અરસામાં જખૌથી નલિયા રોડ પર ભારે ટ્રાફિક વચ્ચે એક સફેદ મારૂતિ અર્ટિગા કાર બેફામ રીતે ભયજનક રીતે પૂરઝડપે જઈ રહી હોવાની નલિયા પીએસઆઈને બાતમી મળી હતી. જેના પગલે તેમણે નલિયાના ઘોડા સર્કલ ખાતે એક ટીમને મોકલી આપી આ કાર અટકાવવા સૂચના આપી હતી. જખૌ મરીનના પીએસઆઈ બી.પી. ખરાડી અને તેમનો સ્ટાફ પણ સ્થળ પર દોડી આવ્યો હતો. દરમિયાન, બાતમી મુજબની સફેદ રંગની GJ-23 AF-5900 નંબરની અર્ટિગા કાર પસાર થતાં પોલીસે તેને અટકાવી હતી.
રણજીત રવજી મહેશ્વરી (રહે. મતિયા કોલોની, માધાપર) નામનો ડ્રાઈવર કાર હંકારતો હતો અને બાજુની સીટ પર વિન્દલરાજ રમેશચંદ્ર ચૌહાણ નામનો પશ્ચિમ કચ્છ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ બેઠો હતો. બેઉ જણ દારૂના નશામાં ધુત હતાં.
પોલીસ કારને ચેક કરતાં વ્હિસ્કી ભરેલી અડધી બોટલ મળી આવી હતી. રણજીત પાસે ડ્રાઈવીંગ લાયસન્સ પણ નહોતું. બેઉ સામે નલિયા પોલીસે નશાબંધી અને મોટર વેહિકલ એક્ટની ધારાઓ તળે ગુનો દાખલ કર્યો હતો. જો કે, દારૂની બાટલી તેમણે કોની પાસેથી ક્યારે મેળવી હતી તે અંગે ફરિયાદમાં કશો ફોડ પડાયો નથી.
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ દારૂની બાટલી ભુજના એક મોટા ગજાના બૂટલેગરના માણસ પાસેથી મેળવવામાં આવી હતી. જો કે, પોલીસ સ્ટેશનદીઠ નક્કી થયેલાં ‘માસિક આંકડા’ની મજબૂરીના કારણે શરાબના સપ્લાયર વિશે કોઈ ફોડ પડાયો નથી.
મતલબ કે, કોન્સ્ટેબલ સામે ભલે પીવાનો કેસ ઠોકાય પણ બૂટલેગરનો વાળ વાંકો ના થવો જોઈએ! પોતાને કચ્છ અને ગુજરાતનો મોટા ભા માની બેઠેલાં એક જન પ્રતિનિધિની ગુડ બૂકમાં રહેવા તેની જોડે કલાકો સુધી બેઠકો કરતાં કે ગુનાહિત ભૂતકાળ ધરાવતાં અને માધાપરમાં પ્રકાશ ફેલાવતાં એક હોટેલના ધંધાર્થી તથા માધાપરથી લેર રોડ પર આવેલા એક નામીચા રીસોર્ટનો ઑનર કે જે બેઉ જણ શરાબ, કબાબ અને શબાબ માટે આખા કચ્છમાં કુખ્યાત છે તેમની સાથે દોસ્તી કેળવીને તેમને ત્યાં અવારનવાર પાર્ટી કરવા જતાં કેટલાંક ભ્રષ્ટ અધિકારીઓ હવે પોતાની રહી સહી આબરૂના પણ ધજાગરા ઉડાડી રહ્યાં છે.
માંડવીમાં હોમગાર્ડનો અધિકારી ‘પીધેલો’ ઝડપાયો
માંડવી પોલીસે ગત રાત્રે પોણા 11ના અરસામાં શ્યામજી કૃષ્ણવર્માના મૂળ નિવાસસ્થાન નજીક આવેલી ગાયત્રી ફૂડ ઝોન નામની દુકાનમાં દરોડો પાડીને આશિષ જેન્તીલાલ શાહ નામના શખ્સને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે દુકાન માલિક આશિષ શાહ (ઉ.વ. 48, રહે. લોહાર ચોક, માંડવી) દુકાનમાં દારૂનું વેચાણ કરે છે. જો કે, દરોડા દરમિયાન આશિષે પોતે પીધેલી અને ખાલી થવા આવેલી વ્હિસ્કીની એક બાટલી સિવાય પોલીસને બીજું કંઈ વાંધાજનક મળ્યું નહોતું. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આશિષ શાહ હોમગાર્ડ દળમાં ઑફિસર ઈન કમાન્ડિંગ તરીકે નોકરી કરે છે.
કચ્છમાં હોમગાર્ડ દળમાં પોલિટીકલ નિમણૂકો થવાથી ગમે તેવા ફાલતું લોકો અત્યારે મોટાં હોદ્દા ધારણ કરીને ગામમાં ફાંકા ફોજદારી કરતાં ફરે છે. આવા લોકોના ખાસ માણસો પણ બેફામ બન્યાં છે.
Share it on
|