click here to go to advertiser's link
Visitors :  
18-Oct-2026, Sunday
Home -> Vishesh -> RTI Applicant Receives Verbal Denial After 117 Days Instead of 30 by Clerk
Sunday, 18-Oct-2026 - Bhuj 679 views
RTI અરજીનો ૩૦ દિવસના બદલે ૧૧૭મા દિવસે ક્લાર્કે મૌખિક જવાબ આપ્યોઃ માહિતી નહીં મળે
કચ્છખબરડૉટકોમ, ભુજઃ જાહેર સરકારી કચેરીઓ દ્વારા અમલમાં મૂકાતી સરકારી યોજનાઓ અને કામગીરીમાં પારદર્શક્તા આવે, સરકારી અધિકારીઓની જવાબદેહિતા નક્કી તે આશયથી ૨૦૦૫માં કોંગ્રેસની કેન્દ્ર સરકારે ભારતની જનતાને એક મોટો અધિકાર આપ્યો હતો. આ અધિકાર છે માહિતીનો અધિકાર – રાઈટ ટૂ ઈન્ફોર્મેશન એક્ટ. 

૨૦૧૪માં કેન્દ્રમાં ભાજપ સરકારના આગમન બાદ અને ફિલ્મી નટી કંગના રનૌતના મતે ૨૦૧૪માં મળેલી અસલી આઝાદી બાદ દેશમાં જવાબદાર સરકારી તંત્રો, સ્વતંત્ર બંધારણીય સંસ્થાઓ જે રીતે અત્યંત દબાણ હેઠળ કામ કરી રહ્યાં છે,  તેમાં માહિતીનો અધિકાર ક્ષીણ થઈ રહ્યો છે.

૨૨-૦૬-૨૦૨૬ના અરજી કરેલી, મળ્યાં કેવળ ધક્કા

માહિતી અધિકાર હેઠળ દેશનો કોઈપણ નાગરિક કાયદાકીય જોગવાઈઓને અને પધ્ધતિને અનુસરી માહિતી માગે તો ૩૦ દિવસમાં માહિતી આપવી ફરજિયાત છે. પરંતુ, કાયદાને ઘોળીને પી ગયેલાં સરકારી તંત્રોને તેની કોઈ પરવા નથી. કચ્છમાં જિલ્લા પંચાયત હસ્તક નાની સિંચાઈ યોજના વિભાગ દ્વારા કેટલાં તળાવોની સુધારણાનું કામ સોંપાયું તેની જાણકારી મેળવવા અરજદારે ૨૨-૦૬-૨૦૨૬ના રોજ માહિતી અધિકાર તળે અરજી કરી માહિતી માગી હતી.

નિયમ મુજબ એક માસમાં માહિતી મળી જવી જોઈતી હતી. પરંતુ, ના મળી.

અરજદારે દોઢ-બે મહિના બાદ પંચાયતના સંબંધિત વિભાગમાં બે-ત્રણ વખત ધક્કા ખાધાં પરંતુ RTIનું ટેબલ સંભાળનાર વ્યક્તિ જ હાજર ના મળ્યો. ૩ મહિના અને ૨૫મા દિવસે અરજદારનું ભાગ્ય જાણે કે ખૂલી ગયું હોય તેમ RTIનું ટેબલ સંભાળનારો માણસ હાજર મળ્યો!

૧૧૭માં દિવસે ક્લાર્કે માહિતી નહીં મળે તેમ મૌખિક કહી દીધું

અરજદારે પોતાની અરજી અંગે જવાબ માગ્યો તો સરકારી માણસે ઈન્વર્ડ ફાઈલ ખોલીને ફાઈલમાં રહેલી અરજી બહાર કાઢી. અરજી પર ઉપલક નજર નાખીને દસ સેકન્ડમાં જ મૌખિક જવાબ આપ્યો કે આ રીતે માહિતી ના આપી શકાય. તમારે પ્રશ્નો લખીને પૂછવા પડે!

હકીકતે અરજીમાં મુદ્દાસર પ્રશ્નો જ પૂછેલાં છે! કચેરીના જવાબદાર જાહેર માહિતી અધિકારીના બદલે ટેબલ પર અરજીઓની ફાઈલ મેઈન્ટેન કરતાં ક્લાર્ક કક્ષાના આ કર્મચારીને જ્યારે તેનું નામ અને હોદ્દો પૂછ્યો તો જણાવવાનો ઈન્કાર કરી દીધો.

અરજદારે કઈ જોગવાઈ હેઠળ અરજી અમાન્ય ઠરે છે તેનો લેખીત ઉત્તર આપવા આગ્રહ રાખ્યો તો સોમવારે વધુ એકવાર ધક્કો ખાવાનો જવાબ આપ્યો!

RTIની જોગવાઈઓનું કશું ભાન ના હોય તેવા બેજવાબદાર લોકો આ રીતે જનતાને મળેલાં અધિકારનો ઊલાળિયો કરી રહ્યાં છે.

લેખીતમાં જવાબ આપવા આગ્રહ રાખ્યો તો કહ્યું કે જાવ, તમને અપીલ કરવાની છૂટ છે!

સેમિનારમાં કેવળ ભ્રામક દાવા જ કરાય છે

દર વર્ષે ૫થી ૧૨ ઓક્ટોબર દરમિયાન આરટીઆઈ સેલિબ્રેશન વીકની ઉજવણી થાય છે. આ વખતે ૯મી ઓક્ટોબરે ગુજરાતના માહિતી કમિશનર સુબ્રમણ્યમ ઐયરની અધ્યક્ષતામાં ભુજ કલેક્ટર કચેરી ખાતે ખાસ સેમિનાર યોજાયો હતો, જેમાં કચ્છના કલેક્ટર, નાયબ કલેક્ટરો સાથે વાવ થરાદ અને બનાસકાંઠાના કલેક્ટરો પણ જોડાયેલાં. સેમિનારમાં કમિશનર સહિતના અધિકારીઓએ અરજદારો જોડે પ્રો-એક્ટિવ રહીને તેમને નિયત સમય મર્યાદામાં જવાબ આપવા પર ભાર મૂક્યો હોવાની સરકારી માહિતી વિભાગની પ્રેસનોટમાં જણાવાયું હતું.

કાયદાના અમલીકરણની વાસ્તવિક્તા જોતાં આવા બધા સેમિનારો, તેમાં કરાતાં દાવા કેવળ જનતાને ભ્રમણામાં રાખવા થતાં હોય તે પ્રતીત થાય છે.
Share it on
   

Recent News  
અંધારામાં ૭ કિ.મી. ચાલીને પધ્ધર પોલીસ નિર્જન રણમાં ચાલતી જુગાર ક્લબ પર ત્રાટકી
 
કિશોરીના દુષ્કર્મ કેસમાં યુવકને ૨૫ વર્ષ અને માતા-પિતા, બનેવીને ૨૦ વર્ષનો કારાવાસ
 
નખત્રાણાઃ નાગલપરની ઘરફોડના ગુનામાં ચોર સાથે ભાજપ આગેવાનનો કુખ્યાત ભત્રીજો ઝડપાયો