|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ પોલીસની ‘નજર’થી બચવા માટે ભુજ નજીક એકલના રણમાં ચાલુ થયેલી ધાણી પાસાની હરતી ફરતી જુગાર ક્લબ પર દરોડો પાડીને પધ્ધર પોલીસે ૧.૧૦ લાખ રોકડાં રૂપિયા સાથે ૧૧ ખેલીને ઝડપી પાડ્યાં છે, ૮ નાસી ગયાં છે. પધ્ધર પોલીસ સ્ટેશનના ASI રામસંગજી સોઢા અને હેડ કોન્સ્ટેબલ સામતા પટેલને ગત રાત્રે સંયુક્ત બાતમી મળેલી. જેના પગલે પધ્ધર પોલીસની ટીમે પોલીસ સ્ટેશનથી ૫૦ કિલોમીટર દૂર બેરડોથી લોડાઈના એકલના રણ તરીકે ઓળખાતાં નિર્જન રણમાં દોડી ગઈ હતી. ભુજ તાલુકાના નાના વરનોરાના સુલેમાન ઈબ્રાહિમ મમણ અને ભુજના બોલાડી ગામના ઈબ્રાહિમ કરીમ મંધરિયાએ પાર્ટનરશીપમાં જુગાર ક્લબ શરૂ કરી હોવાની પોલીસને બાતમી હતી. બેઉ જણ બહારથી જુગારીઓને રમવા માટે બોલાવી, જુગાર રમવાની સગવડો પૂરી પાડી નાલ ઉઘરાવતાં હતા.
રાતના અંધારામાં પોલીસ ૭ કિ.મી. સુધી ચાલી
નિર્જન રણ વિસ્તાર હોઈ પોલીસના વાહનોની હેડલાઈટ્સ જોઈ ખેલીઓ નાસી છૂટવાની પૂરી સંભાવના હતી. જેથી પધ્ધર પોલીસની રેઈડીંગ પાર્ટીએ વાહનો મૂકીને પગપાળા જવાનું નક્કી કર્યું હતું. અંદાજે ૭ કિલોમીટર સુધી અંધારામાં પગપાળા ચાલ્યાં બાદ મધરાતે બે વાગ્યે પોલીસની નજર રણમાં ઊભેલી એક બોલેરો પિકઅપ પર પડેલી.
ડાલામાં ગોળ કુંડાળે બેસીને ખેલીઓ એલઈડી લાઈટના અજવાળે પાસા ફેંકી જુગટું રમતાં હતા. પોલીસ નજીક પહોંચતાં બધા ખેલીઓએ નાસી છૂટવા દોટ મૂકેલી.
પહેલાંથી સતર્ક પોલીસે ૧૧ ખેલીને ઝડપી પાડ્યાં હતા છતાં ૮ જણાં અંધારાનો લાભ લઈ નાસી છૂટવામાં સફળ રહ્યાં હતા. સ્થળ પર પટમાંથી પોલીસે ૨૦ હજાર ૯૦૦ રોકડાં રૂપિયા, ધાણી પાસા રમવા માટેનું લાકડાનું પાટિયું, એક એલઈડી લાઈટ, ચાર દ્વિચક્રી વાહનો અને બોલેરો પિકઅપ જપ્ત કરી હતી. ઝડપાયેલાં ખેલીઓની અંગઝડતીમાંથી પોલીસે અન્ય રોકડ રકમ અને મોબાઈલ ફોન જપ્ત કર્યાં હતા.
►ઝડપાયેલાં ખેલીઓમાં ક્લબ સંચાલક સુલેમાન ઈબ્રાહિમ મમણ (૩૪, નાના વરનોરા), ભુરા નારાણ કોવાડિયા (૩૧, ધ્રંગ), અશોક રણછોડભાઈ ડાંગર (૨૫, ઉમેદપર), ભચુ જુસબ મોખા (૪૫, નાના વરનોરા), અનિલ રણછોડભાઈ ગાગલ (૧૯, જવાહરનગર), શંકર વાલજી આહીર (૪૦, માધાપર), હનીફ જુસબ લાડક (૪૦, ધ્રંગ), ધીરજ ભુરાભાઈ ગાગલ (૨૭, જવાહરનગર), સચિન શામજી ગાગલ (૨૫, જવાહરનગર), વિરમ પાંચા ચાડ (૩૨, જવાહરનગર), રણછોડ ગોપાલ ડાંગર (૬૦, ઉમેદપર)નો સમાવેશ થાય છે.
►નાસી છૂટેલાં ૮ ખેલીમાં ક્લબ સંચાલક ઈબ્રાહિમ કરીમ મંધરીયા, જાવેદ જુસબ મમણ (નાના વરનોરા), હબીબ લતીફ મમણ (નાના વરનોરા), રાજેશ મ્યાંજર ઢીલા (ડગાળા), રઝાક હાજી ગગડા (લોડાઈ), દાઉદ સુલેમાન મણકા (લોડાઈ), હાજી હુસૈન ગગડા (લોડાઈ) અને ડાયા દેવાભાઈ ગાગલ (જવાહરનગર)નો સમાવેશ થાય છે. પોલીસે ૧.૧૦ લાખ રોકડાં રૂપિયા, ઈબ્રાહિમ મંધરીયાની બોલેરો પિકઅપ સહિત ૫.૯૫ લાખના પાંચ વાહનો, ૫૦ હજાર ૫૦૦ના મૂલ્યના ૧૧ મોબાઈલ ફોન સહિત કુલ ૭ લાખ ૫૫ હજાર ૭૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી તમામ ખેલીઓ સામે જુગાર અટકાયતી અધિનિયમની કલમ ૧૨ તળે ગુનો દાખલ કર્યો છે.
►પીઆઈ એ.ડી. ખાંટના માર્ગદર્શન હેઠળ એએસઆઈ રામસંગજી સોઢા, વીરેન્દ્રસિંહ પરમાર, કૃષ્ણરાજસિંહ સરવૈયા, કૃષ્ણદેવસિંહ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ પરમવીરસિંહ ઝાલા, સામતાભાઈ પટેલ, પ્રતાપજી ઠાકોર, બળદેવભાઈ રબારી, પ્રિયાંક જેસડીયા વગેરે જોડાયાં હતા.
Share it on
|