|
કચ્છખબરડૉટકોમ, નખત્રાણાઃ નખત્રાણાની ભાગોળે આવેલા નાગલપર ગામે બંધ રહેણાકમાંથી ૧૪.૩૫ લાખના સોના ચાંદીના ઘરેણાંની ચોરી કરનાર ચોર અને દાગીના ખરીદનાર સોનીને પોલીસે ઝડપી પાડ્યાં છે. ચોરીના દાગીના ખરીદવા બદલ ઝડપાયેલો નખત્રાણાનો નિહાલ દિનેશભાઈ સોની ભાજપના પૂર્વ જિલ્લા મહામંત્રી ભરત સોનીનો ભત્રીજો હોવાનું બહાર આવ્યું છે. ચોરીનો બનાવ આજથી ૧૧ દિવસ અગાઉ પાંચમી ઓક્ટોબરની સવારે બન્યો હતો. ૪૫ વર્ષિય મોંઘીબેન ઊર્ફે મધુબેન ચાવડા તેમના માંદા પુત્ર તેજસને લઈને દવા લેવા માટે ભુજ આવ્યાં હતા. પતિ અનિલ ચાવડા કામધંધાર્થે મસ્કત છે.
મધુબેનની નણંદે ઘરે જઈને ચોરી થયાની જાણ કરતાં મધુબેન હાંફળા ફાંફળા થઈ દીકરાની દવા લેવાના બદલે વળતી બસે પરત ઘરે આવેલાં.
ઘટના અંગે નખત્રાણા પોલીસે અજાણ્યા શખ્સો સામે ઘરફોડનો ગુનો નોંધી તપાસ હાથ ધરેલી.
નખત્રાણાના પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આ ગામમાં ભાગ્યે જ કોઈ ગુનાખોરીની ઘટના ઘટે છે. ગામમાં ક્યાંય સીસીટીવી નહોતા એટલે અમે સાવ બ્લેન્ક હતા.
પરંતુ, બાતમીદારોને કામે લગાડીને ચોરીનો ભેદ ઉકેલવા સતત એક્ટિવ હતા. આખરે બાતમીના આધારે અમે ગામમાં રહેતા અને ગેસ, ફ્રીજનું રિપેરીંગ કરતાં રમેશ ચમનલાલ રાઠોડ (વાળંદ)ને ઉપાડ્યો. તેની પૂછપરછ કરતાં પોપટની જેમ તેણે ગુનો કબૂલતાં કહી દીધું કે દેવું વધી જતાં તેણે ચોરી કરેલી.
ચોરીનો માલ ખરીદનારો સોની આગેવાનનો ભત્રીજો
રમેશે ચોરીનો માલ નખત્રાણાના જ્વેલર્સ નિહાલ દિનેશભાઈ સોનીને વેચ્યો હતો. પોલીસે નિહાલની પણ ધરપકડ કરી છે. ૩૧ વર્ષિય નિહાલ નખત્રાણાના રાજકીય આગેવાન ભરત સોનીનો ભત્રીજો છે અને ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ૨૦૨૨ના વર્ષમાં ભુજ એ, ભુજ બી ડિવિઝન અને માધાપર પોલીસ મથકે તેની સામે છેડતી, ધાક-ધમકીની ફરિયાદો નોંધાયેલી. ૨૦૨૩માં તેની વિરુધ્ધ ભુજ એ ડિવિઝનમાં વાહનચોરીનો ગુનો નોંધાયેલો. ૨૦૧૬માં કર્ણાટકના બેંગ્લોર પાસે આવેલા નેલમંગા પોલીસ સ્ટેશનમાં તેની સામે બળાત્કારની ધારાઓ તળે ગુનો નોંધાયો હતો.
પોલીસે ૧૪.૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
જે-તે સમયે પોલીસે ચોપડાં પર ૪.૯૧ લાખના મૂલ્યના સોના ચાંદીના ઘરેણાંની ચોરી થઈ હોવાનું જાહેર કરેલું. આરોપીઓ પાસેથી પોલીસે ૧૦.૨૫ લાખની સોનાની ઢાળ, ૬૭ હજારની કિંમતના ૩૫૮ ગ્રામ ચાંદીના ઘરેણાં, નિહાલ સોનીની ૩ લાખની આઈ ટેન કાર અને રમેશ રાઠોડની ૩૦ હજારની સ્કુટી પ્લેઝર, ૨૬૬૦ રોકડાં રૂપિયા, બે મોબાઈલ ફોન વગેરે મળી ૧૪.૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પીઆઈના નેતૃત્વમાં આ ટીમે ખંતપૂર્વક તપાસ કરી
નખત્રાણાના પોલીસ ઈન્સ્પેક્ટર એ.એમ. પટેલની આગેવાનીમાં પીએસઆઈ એમ.વી. શામળા, એએસઆઈ જયંતીભાઈ માજીરાણા, શબ્બિરઅલી બાયડ સહિતના કર્મચારીઓની ટીમે ખંતપૂર્વક તપાસ કરીને ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
Share it on
|