કચ્છખબરડૉટકોમ, ભુજ (ઉમેશ પરમાર) અબડાસા અને લખપતમાં જત માલધારી સમાજમાં ફેલાયેલી ઘાતક બીમારીનું મૂળ શોધવા મહારાષ્ટ્રના પૂણેસ્થિત આવેલી ખાસ લેબોરેટરીમાં સેમ્પલ મોકલાયાં હતાં. છ-સાત દિવસથી સેમ્પલ મોકલાયાં છતાં પૂણેના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ વાયરલોજીનો રીપોર્ટ ના આવતા તર્કવિતર્ક થવા માંડ્યાં હતાં. ટપોટપ થઈ રહેલાં મૃત્યુ વચ્ચે સૌ કોઈ આ રીપોર્ટમાં શું આવે છે તેની રાહ જોઈને બેઠાં હતાં. આ લેબનો રીપોર્ટ હવે આવ્યો છે. રીપોર્ટમાં રાયનો વાયરસ હોવાનું સ્પષ્ટ થયું
જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રવીન્દ્ર ફૂલમાલીએ કચ્છખબરને જણાવ્યું કે પૂણેની લેબના રીપોર્ટમાં અસરગ્રસ્તોમાં રાયનો વાયરસ (Rhinovirus) હોવાનું સ્પષ્ટ થયું છે. આ વાયરસ બહુ સામાન્ય છે. લોકોને શરદી ખાંસી (કોમન કોલ્ડ) થવા પાછળ આ વાયરસ જવાબદાર હોય છે.
વાયરસનો ચેપ લાગે તેનું નાક વહેવા માંડે છે કે બંધ થઈ જાય છે, ખૂબ ઉધરસ આવે છે, ગળાની અંદર ચાંદા પડી જાય છે, માથું દુઃખે છે અને ઘણીવાર તાવ આવતો હોય છે. દર્દીનો સ્પર્શ કરવાથી, ઉધરસ ખાવાથી કે તેના નિકટના સંપર્કમાં રહેવાથી આ વાયરસનો ચેપ લાગે છે.
વાયરસના લીધે દર્દીને અસ્થમા, બ્રોન્કાઈટીસ કે ન્યૂમોનિયા જેવી બીમારી થઈ શકે છે. ડૉ. ફૂલમાલીએ જણાવ્યું કે આ વાયરસ હવાથી ફેલાઈ શકે છે. વાયરસ ઈન્ફ્લુએન્ઝા એ અને બીનો વાહક છે. એટલે કે સ્વાઈન ફ્લુ અને કોવિડ જેવા લક્ષણો અને દર્દીની પરિસ્થિતિ મુજબ તેની અસરકારકતા કે ઘાતકતા હોય છે.
કોમન વાયરસ કોમન જ છે, જાણો કેમ
રાયનો વાયરસ સામાન્યપણે સર્વત્ર જોવા મળતો વાયરસ (કોમન) છે. હાલની પરિસ્થિતિમાં તંત્ર દ્વારા સઘન સર્વેલન્સ હાથ ધરાયું તો ન્યૂમોનિયા, કોવિડ અને સ્વાઈન ફ્લુના કેસ પણ જોવા મળી રહ્યાં છે. ભૂતકાળમાં એક તબક્કે સ્વાઈન ફ્લુએ ભારે હાહાકાર મચાવેલો અને પછી તેને કોમન ફ્લુ જાહેર કરી દેવાયો હતો. રસીકરણ અને હર્ડ ઈમ્યુનિટીના લીધે કોવિડ મહામારી પણ હવે સામાન્ય બની ગઈ છે. આ તો રોગચાળાના લીધે ઝીણવટભર્યું ચેકિંગ થાય છે એટલે સ્વાઈન ફ્લુ અને કોવિડ ડિટેક્ટ થાય છે, બાકી સામાન્ય દિવસોમાં તેની કોઈ ગણના જ થતી નથી. કેરા પાસે એક ખેતમજૂરનું સંભવતઃ સ્વાઈન ફ્લુથી આજે મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે.
હજુ સાચું કારણ સ્પષ્ટ તો થયું જ નહીં
આરોગ્ય તંત્રને આશા હતી કે રીપોર્ટના આધારે કોઈ ખાસ વિગત જાણવા મળશે. પરંતુ તેમાં નિષ્ફળતા મળી છે. સવાલ એ છે કે આ વાયરસથી માત્ર એક ચોક્કસ સમાજના લોકોના જ મૃત્યુ કેમ થઈ રહ્યાં છે? ફૂલમાલીએ સ્વીકાર્યું કે તે કારણ હજુ જાણવા નથી મળ્યું.
તબીબોને સમજાવાય છે આ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ
લખપત અબડાસામાં ભેદી બીમારીથી મૃત્યુ પામેલાં દર્દીઓમાં ઈન્ફ્લુએન્ઝા કે ન્યૂમોનિયા જેવા લક્ષણો જોવા મળેલાં. એટલે કે તેમનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર અચાનક નીચું જતું રહેતું હતું (હાયપો ટેન્શન), કાર્ડિયાક મસલ્સ એકદમ શિથિલ થઈ જતાં હૃદયનું પમ્પિંગ ઓછું થઈ જતું હતું, પમ્પિંગ ઓછું થઈ જવાથી શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ડ્રોપ થતું હતું, કોઈ ભેદી કારણોસર વાયરસ દ્વારા ટોક્સિક રીલીઝ થતું હોય તેમ કિડની, ફેફસાં અને લિવર ડેમેજ થવા માંડતા ગણતરીના કલાકોમાં મલ્ટિ ઓર્ગન ફેઈલ્યોર થતું હતું. દર્દીને ખૂબ થાક લાગતો, ખૂબ તાવ આવતો.
૧૩ અનુભવી તબીબોએ બનાવ્યો ટ્રીટમેન્ટ પ્રોટોકોલ
ભુજ, અમદાવાદ, જામનગરના ૧૩ હાઈલી ક્વૉલિફાઈડ અને અનુભવી સિનિયર તબીબોએ આ લક્ષણોના આધારે લાઈન ઑફ ટ્રીટમેન્ટ (સિમ્પ્ટેમેટિક ટ્રીટમેન્ટ) આપવાનો પ્રોટોકોલ નક્કી કર્યો છે. આવા દર્દીઓને ટેમિફ્લુ, એન્ટી વાયરલ અને સંબંધિત દર્દ લક્ષણો આધારીત દવા આપવા સૂચના અપાઈ રહી છે. આજે બપોરે ગાંધીધામ અને સાંજે ભુજમાં સરકારી અને ખાનગી તબીબોની બેઠક યોજી અમદાવાદની બી.જે. મેડિકલ કૉલેજના ડૉ. કમલેશ ઉપાધ્યાયે તેમને ટ્રીટમેન્ટ પ્રોટોકોલની માહિતી આપી હતી.
હવે એકમાત્ર રસ્તો હિસ્ટોપેથોલોજિકલ ઑટોપ્સી
પૂણેની લેબના રીપોર્ટમાંથી જત સમાજના લોકોને ભરખી જનાર ચોક્કસ વાયરસ અંગે કોઈ સ્પષ્ટ તારણ મળ્યું નથી. જો વાયરસ કોમન જ હોય તો માત્ર એક જ સમાજના લોકોના કેમ મૃત્યુ નીપજ્યાં તે પ્રશ્ન નિરુત્તર જ રહ્યો હોવાનું તંત્ર સ્વીકારે છે. ત્યારે, જો મૃત્યુનો સિલસિલો હજુ ચાલું રહે તો હવે તંત્ર પાસે એકમાત્ર ઉપાય મૃત્યુ પામેલ વ્યક્તિની હિસ્ટોપેથોલોજિકલ ઑટોપ્સી કરાવવાનો રહ્યો છે.
સામાન્યતઃ એક્સિડેન્ટલ ડેથ સિવાયના કિસ્સાઓમાં મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવવું કે ના કરાવવું તે દર્દીના સ્વજનોની મરજી પર નિર્ભર રહેતું હોય છે. અત્યારસુધીમાં તંત્રએ મૃત્યુ પામેલ એકપણ વ્યક્તિની ઑટોપ્સી કરાવી નથી.
મૃતકના સંસર્ગમાં આવેલા લોકોના સેમ્પલ મોકલાયેલાં. ફૂલમાલીએ જણાવ્યું કે જો ઑટોપ્સી ના કરાય તો મૃતકના શરીરમાં સોય નાખીને (નીડલ પ્રીક) વિવિધ અંગોના નમુના મેળવી તે સેમ્પલ મેળવીને તપાસ કરાવાય તો વધુ સચોટ તારણ મળે તેવી સંભાવના છે.
Share it on
|