કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ SMCની રેઈડના પગલે એલર્ટ થઈ ગયેલી પૂર્વ કચ્છ પોલીસે પણ રાતે ત્રણ જુદાં જુદાં સ્થળેથી ૨૪ લાખનો શરાબ ઝડપ્યો હતો. એક જ રાતમાં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ ઉપરાંત સ્થાનિક પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે વિવિધ સ્થળે દરોડા પાડીને ૨.૧૦ કરોડનો ઈંગ્લિશ દારૂ અને બિયરનો જંગી જથ્થો જપ્ત કર્યો છે.
આડેસર પોલીસે ૧૯.૪૬ લાખનો શરાબ ઝડપ્યો
આડેસર પોલીસે બાતમીના આધારે આડેસર ચેકપોસ્ટ પર વૉચ ગોઠવીને પંજાબ પાસિંગની ટ્રકની તલાશી લઈ તેમાંથી ૧૯.૪૬ લાખનો શરાબ બિયરનો જથ્થો જપ્ત કર્યો છે. ગુવાર ગમની ગુણોની આડમાં શરાબ છૂપાવાયો હતો અને ગાંધીધામ તરફ લઈ જવાતો હતો. પોલીસે ઝડપેલાં પંજાબના તરનતારનના રહેવાસી ટ્રક ડ્રાઈવર સુખદેવસિંઘ ગિલ (શીખ)એ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું કે બિકાનેરથી ટ્રકમાં ગુવાર ગમના ૪૯૫ કોથળાં ભરીને તે ગાંધીધામ આવવા નીકળ્યો હતો.
મિત્રે કહ્યું આ ખેપ મારી લે, ૭૦ હજાર માફ કરીશ
રસ્તામાં સુખદેવને તેના મિત્ર પરબતસિંહ બન્નાનો ફોન આવેલો કે મારે શરાબનો જથ્થો ગાંધીધામ લઈ જવાનો છે. તારી ટ્રકમાં તે માલ ભરી લે. આ ખેપ મારીશ તો હું તારી પાસે જે સિત્તેર હજાર રૂપિયા ઉછીના માંગુ છું તે માફ કરી દઈશ. મિત્રની ઑફરથી લલચાઈને તેના કહેવા મુજબ તે બાડમેર આવેલો. બાડમેરમાં બોલેરો કેમ્પર લઈને પરબતસિંહ આવેલો અને તેમાં રહેલો દારૂ બિયરનો જથ્થો ગુવાર ગમની ગુણીઓની ઓથે રાખી દીધો હતો.
પરબતે તેને પોતે ટ્રકની પાછળ પાછળ આવતો હોવાનું અને ગાંધીધામથી ટ્રક લઈને માલ ખાલી કરી પરત આપી જવાનું જણાવેલું.
ટ્રકમાંથી પોલીસે ૧૯.૪૬ લાખનો શરાબ, ૨૨.૭૭ લાખની ૪૯૫ નંગ ગુવાર ગમની ગુણી, ૧૨ લાખની ટ્રક, મોબાઈલ ફોન વગેરે મળી કુલ ૫૪.૨૯ લાખનો મુદ્દામાલ કબજે કરી સુખદેવસિંઘ, પરબતસિંહ અને માલ મગાવનાર અજાણ્યા શખ્સ વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો.
ભચાઉ પોલીસે સ્કોર્પિયોમાંથી ૩ લાખનો દારૂ ઝડપ્યો
ભચાઉ પોલીસે બાતમીના આધારે છાડવાડા બ્રીજના છેડે તુલસી હોટેલ સામે નેશનલ હાઈવે પર વૉચ ગોઠવીને ગાંધીધામથી દારુ ભરીને સામખિયાળી તરફ જઈ રહેલી બ્લેક કલરની સ્કોર્પિયો કાર અટકાવી ૩ લાખ ૭૬૮૦ રૂપિયાની કિંમતનો ઈંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો હતો. ઝડપાયેલા કારચાલક ધૃવગિરિ રીતેશગિરિ ગોસ્વામી (રહે. મંગલેશ્વર સોસાયટી, અંજાર)એ પોલીસને જણાવ્યું કે શરાબનો જથ્થો અંજારના આનંદ શિવજી સંઘારે કારમાં ભરી આપ્યો હતો. ભચાઉ પોલીસે ૧૦ લાખની કાર, બે ફોન અને શરાબ મળી ૧૩.૨૨ લાખનો મુદ્દામાલ કબજે કરી ધૃવગિરિ અને માલ ભરી આપનાર આનંદ સંઘાર વિરુધ્ધ ગુનો દાખલ કર્યો હતો.
LCBએ અંજારમાંથી ૧.૫૬ લાખનો દારૂ જપ્ત કર્યો
ભચાઉ પોલીસે આનંદ સંઘારનો માલ પકડ્યો હોવાની બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે અંજારના મેઘપર બોરિચીની સાઈનાથ સોસાયટીમાં આનંદના રહેણાક મકાન આગળના વાડામાં દરોડો પાડીને બાવળની ઝાડીમાં છૂપાવી રાખેલી ૧.૫૬ લાખના શરાબની ૧૦ પેટી જપ્ત કરી હતી. જો કે, દરોડા વખતે આનંદ હાજર મળ્યો નહોતો.
Share it on
|