|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ નજીક આવેલા કુકમા ગામે ઝૂંટી લેવાયેલો મોબાઈલ પરત લેવાની ઝપાઝપીમાં બે સગાં ભાઈએ ૪૫ વર્ષિય યુવકને માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનો બનાવ બહાર આવ્યો છે. આજે સવારે ગામના તળાવની પાળે અજાણ્યા યુવકનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં પધ્ધર પોલીસે સ્થળ પર દોડી જઈ લાશને પોસ્ટમોર્ટમ માટે જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડી હતી. મરણ જનાર વિભાભાઈ ખેંગારભાઈ રબારી નજીક આવેલા હરુડી હાજાપર ગામનો રહેવાસી હતો. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ મૃતક અપરિણીત હતો અને છૂટક મજૂરી કરી રખડતું ભટકતું જીવન જીવતો હતો. ગત રાત્રે મૃતક વિભાએ વાદી યુવકના ખિસ્સામાંથી મોબાઈલ ફોન ઝૂંટવી લેતા માથાકૂટ થઈ હતી. જેમાં તે યુવક અને તેના ભાઈએ મોબાઈલ ફોન પરત લેવા ઝપાઝપી કરી તેને મુઢ માર માર્યો હતો. માથાકૂટ દરમિયાન એક જણે હાથમાં પહેરેલું કડું વિભાના માથામાં પાછળના ભાગે વાગી જતાં મગજની અંદર ગંભીર ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે મર્ડરની કલમો તળે ગુનો દાખલ કરી આરોપીઓને દબોચી લેવા તજવીજ હાથ ધરી છે. પધ્ધર પોલીસ ઈન્સ્પેક્ટર એ.જી. પરમારે તપાસ હાથ ધરી છે.
Share it on
|