|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ભચાઉ નજીક સિમેન્ટ બલ્કર ટેન્કરમાંથી જપ્ત કરેલાં ૧.૮૬ કરોડના શરાબના કેસમાં તાજેતરમાં પશ્ચિમ કચ્છમાં થયેલી એક મોટી ખેપનો પણ ખુલાસો થયો છે. પૂર્વ બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ગત રાત્રે ભચાઉ નજીક અણુશક્તિ કંપની પાસે આવેલી બજરંગ આઈ માતા હોટેલના વાડામાં પાર્ક રાજસ્થાન પાસિંગના સિમેન્ટ બલ્કર ટેન્કરને ચેક કરી જંગી માત્રામાં ઈંગ્લિશ દારૂનો જથ્થો ઝડપ્યો છે. SMCએ વિવિધ સાત બ્રાન્ડની વ્હિસ્કીની ૧ કરોડ ૮૫ લાખ ૯૪ હજાર ૮૦૩ રૂપિયાના મૂલ્યની નાની મોટી ૧૭ હજાર ૫૫૪ નંગ બોટલ કબજે કરી છે. શરાબનો જથ્થો રાજસ્થાનના કુખ્યાત સપ્લાયર અનિલ પાંડિયાએ મોકલ્યો હોવાનું ખૂલ્યું છે.
૨૦ દિવસ અગાઉ ભુજની ડિલિવરીનું રાઝ ખૂલ્યું
SMCએ ટેન્કરમાં સવાર ડ્રાઈવર પુખરાજ રાણા (રાજપૂત ભાટી) નામના ડ્રાઈવરની પૂછપરછ કરતાં દિવાળી અગાઉ પશ્ચિમ કચ્છમાં થયેલી દારૂની ડિલિવરીનો કિસ્સો પણ બહાર આવ્યો છે. પુખરાજે પોલીસને જણાવ્યું કે તે અનિલ પાંડિયા પાસે એક વર્ષથી કામ કરે છે.
પાંડિયાને તે કદી રૂબરૂ મળ્યો નથી. ફોનથી જ વાત થાય છે. દારૂની પ્રત્યેક ખેપ પેટે તેને ૪૦ હજાર રૂપિયા મળે છે.
પાંડિયાએ તેને સૂચના આપેલી કે પોલીસ પકડે અને મોબાઈલ નંબરના આધારે પૂછપરછ કરે તો તો અસલી નામ જણાવવાના બદલે સાંચોર (રાજસ્થાન)ના રાજુભાઈ રબારીનું નામ કહેવાનું. પુખરાજે જણાવ્યું કે ૨૦ દિવસ અગાઉ પાંડિયાની સૂચના મુજબ તે આ જ રીતે બલ્કરમાં શરાબ ભરીને આવેલો. બજરંગ આઈ માતા હોટેલ પાસે રોકાયેલો.
પાંડિયાએ ભુજનું લોકેશન મોકલેલું. અંજારથી તે ભુજના મુંદરા રોડ પર આવેલો. ત્યારબાદ કોઈ અજાણ્યો માણસ આવીને તેની પાસેનું બલ્કર લઈને ગયેલો અને માલ ખાલી કરીને પાછું આપી ગયેલો.
પાંડિયા મોહાલી, પંજાબથી માલ ભરાવતો. એક વર્ષ અગાઉ ૧૨-૧૨-૨૦૨૪ના રોજ બાબરામાં દારૂની ડિલિવરી આપવા જતી વખતે બોટાદના ઢસા પાસે ૩૮.૫૪ લાખના શરાબ સાથે પુખરાજ ઝડપાઈ ગયો હતો. ચાર પાંચ માસ સુધી જેલમાં રહેલો અને જામીન પર છૂટીને બહાર આવ્યા બાદ પાંચેક માસ સુધી કોઈ ખેપ મારી નહોતી.
પાંડિયા ગુજરાતમાં દારૂનો મુખ્ય સપ્લાયર
અનિલ પાંડિયાએ ગુજરાત પોલીસના નાકે દમ લાવી દીધો છે. ભ્રષ્ટ પોલીસ સિન્ડિકેટની મદદથી પાંડિયા ઘણાં વર્ષોથી દારૂની ટ્રકો ભરી ભરીને ગુજરાતમાં ઠાલવે છે.
SMCના હેડ કોન્સ્ટેબલ સાજણ આહીર મારફતે ખેપ મારવા પેટે પંદર લાખ રૂપિયા ચૂકવ્યાં હોવાની થોડાંક માસ અગાઉ તેની ઑડિયો ક્લિપ વાયરલ થતાં ભારે ચકચાર મચી ગઈ હતી.
જેના પગલે એસએમસીએ સાજણ આહીર સામે ગુનો નોંધી તેને સસ્પેન્ડ કરી દીધો હતો. પાંડિયા સામે ૨૦૨૨થી આજ દિન સુધીમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં દારૂબંધીના ૧૬ ગુના નોંધાયેલાં છે. SMCએ ડ્રાઈવર પુખરાજ ઉપરાંત તેની સાથે રહેલા સહડ્રાઈવર અશોકકુમારની ધરપકડ કરી શરાબ, વાહન, મોબાઈલ વગેરે મળી કુલ ૨.૧૧ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ભચાઉ પોલીસ મથકે પાંડિયા સહિતના આરોપીઓ સામે ગુનો નોંધાવ્યો છે.
Share it on
|