કચ્છખબરડૉટકોમ, ભુજઃ બનાસકાંઠાના પાલનપુર નજીક આવેલા ખસા ગામે એક ગરીબ ખેતમજૂરની સાડા ચાર વર્ષની બાળકી આજકાલ સૌના કુતૂહલનું કેન્દ્ર બની છે. દક્ષા નામની આ દીકરી હજુ શાળાનું પગથિયું પણ ચઢી નથી પરંતુ કડકડાટ હિન્દીમાં વાતો કરે છે! માવતર પૂછે તો કહે છે કે ‘હું અંજારની પ્રિંજલ છું, આ મારો બીજો જન્મ છે’દક્ષાના પિતા જેતમલજી ઠાકોર અને માતા ગીતાબેન ખેતરમાં ભાગિયા તરીકે ખેતમજૂરી કરે છે. દંપતીને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે જેમાં દક્ષા સૌથી નાની છે.
દક્ષા કહે છે કે હું અગાઉ અંજારમાં જન્મેલી. પિતા કેક બનાવવાનું કામ કરતાં હતાં. માતા પિતા ઉપરાંત એક ભાઈ અને એક બહેન હતાં. અંજારમાં મોટું ઘર હતું. ભૂકંપ આવ્યો ત્યારે ધાબું પડતાં હું દબાઈને મૃત્યુ પામેલી’
વાડીમાં રહેતી દક્ષાના ઝૂંપડામાં ટીવી કે સ્માર્ટ ફોન નથી.
દક્ષા અચાનક અભણ માતાને કહે કે મુજે પાની પીના હૈ, મેરા બિસ્તર કહાં હૈ? ત્યારે માતા મૂંઝવણમાં મૂકાઈ જાય. દક્ષાને પોતે અંજારમાં રહેતી હોવાનું યાદ છે પણ પૂર્વ જન્મના સ્વજનોના નામ, ઓળખ યાદ નથી.
વિજ્ઞાન પુનર્જન્મને મીથ ગણે છે, ધર્મ સત્ય ગણે છે
આજનું આધુનિક વિજ્ઞાન પુનર્જન્મની બાબતને કપોળ કલ્પના (મીથ) ગણી સમર્થન આપતું નથી. પરંતુ, હિંદુ ધર્મમાં આત્મા અને પુનર્જન્મની બાબતને અનેક પૌરોણિક શાસ્ત્રોએ સમર્થન આપેલું છે.
પવિત્ર ગ્રંથ ભગવદ્ ગીતાનો એક શ્લોક છે કે जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च। तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि।।
અર્થાત્ જન્મ લેનારનું મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ પામનારનું જીવન નિશ્ચિત છે. તેથી જે અટલ છે, અપરિહાર્ય છે તે વિષયમાં તમારે શોક કરવો જોઈએ નહીં.
ગીતાનો જ અન્ય એક શ્લોક છે કે नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः। न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः।।
અર્થાત્ આત્મા અજર અમર છે, તેને કોઈ શસ્ત્ર છેદી શકતું નથી, અગ્નિ, જળ કે વાયુ તેને નષ્ટ કરી શકતાં નથી. ‘કર્મનો સિધ્ધાંત’કહે છે કે મનુષ્યના મૃત્યુ બાદ આત્માનો મોક્ષ થતો નથી.
અલગ અલગ ૮૪ લાખ યોનિમાં જન્મ, મૃત્યુ અને પુનર્જન્મનું ચક્ર ચાલ્યાં કરે છે.
જો પૂર્વ જન્મમાં પૂણ્યકર્મોનું સંચિત ભાથું હોય તો આત્માનો મોક્ષ થાય છે અથવા પુનઃ મનુષ્ય યોનિમાં જન્મનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.
Share it on
|