|
કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરામાં મજૂરી કરી પેટિયું રળી ખાતાં પાંચ પરપ્રાંતીય યુવકો પર વિનાકારણે ચાર જણે હુમલો કરીને માર માર્યો છે. પાંચે યુવકો નવીનાળ ગામની મસ્જિદમાં શુક્રવારે બપોરે જુમ્માની નમાઝ અદા કરીને બહાર નીકળીને જતા હતા ત્યારે બાહર કે લોગોં કો યહાં આના મના હૈ કહીને ચાર જણે લાકડી તથા મુક્કા લાતોથી માર માર્યો હતો. બનાવ અંગે શબાબુલ મલિક નામના મૂળ ઉત્તર પ્રદેશના યુવકે નવીનાળના ભીખુભા સોઢા અને મેઘરાજ પઢિયાર તથા તેમના બે અજાણ્યા સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે.
બાહર કે લોગોં કો યહાં આના મના હૈ કહીને હુમલો
શબાબુલ મુંદરામાં ફર્નિચર કટીંગનું કામ કરે છે. શુક્રવારે તે તેના રૂમ પાર્ટનર રાશિમ મલિક, મોહમ્મહ ઝુબૈર મલિક, શાહરૂખ અન્સારી, અફઝાલ મલિક સાથે જુમ્માની નમાઝ અદા કરવા નવીનાળની મસ્જિદે આવેલો. બપોરે બે વાગ્યે તેઓ પરત જતા હતા ત્યારે પ્રાથમિક શાળા પાસે ઊભેલાં ભીખા, મેઘરાજ તથા તેમના બે સાગરીતે ચારે યુવકોને આંતર્યાં હતા. તુમ લોગ ઈધર ક્યોં આયે હૌ? બાહર કે લોગોં કો યહાં આના મના હૈ કહીને ચારે જણે ભૂંડી ગાળો ભાંડીને તેમના પર હુમલો કરેલો. એક જણના હાથમાં લાકડી હતી જે તેણે શાહરૂખના માથામાં ફટકારી દીધી હતી.
અગાઉ પણ આવો હુમલો થયો હતો
બબાલના પગલે ટોળું એકઠું થતાં ચારે જણ ફરી આવશો તો જાનથી મારી નાખશું કહીને સરકી ગયાં હતા. ચારે યુવકોને પ્રાથમિક સારવાર માટે મુંદરાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયાં હતા. શાહરૂખને માથામાં દુઃખાવો થતો હોઈ વધુ સારવાર માટે ભુજ રીફર કરાયો છે. ઘટના અંગે મુસ્લિમ સંગઠનોએ વિરોધ પ્રદર્શિત કરી પોલીસને કડક પગલાં લેવા અનુરોધ કર્યો છે. અગાઉ પણ આ રીતે પરપ્રાંતીય યુવકો પર હુમલો થયો હોવાનું જણાવાયું છે.
Share it on
|