|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ૧૭ વર્ષની સગીર બાળાને લગ્નના બહાને લલચાવી ફોસલાવી અપનયન કરીને પોતાની સાથે લઈ જઈ વારંવાર શારીરિક સંબંધો બાંધનારા યુવકને ભુજની પોક્સો કૉર્ટે ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. અબડાસાના હાજાપર ગામનો ૨૧ વર્ષિય જીતેશ ઊર્ફે જીતુ હંસરાજ ભટ્ટ ગત ૫મી ડિસેમ્બર ૨૦૨૨ની મધરાત્રે ખીરસરા (વિંઝાણ) ગામથી અનુસૂચિત જાતિની કિશોરીનું અપયનયન કરી પોતાની સાથે અમદાવાદ લઈ ગયેલો. અમદાવાદના ગેસ્ટ હાઉસમાં એકાદ અઠવાડિયું રોકાયેલો. ત્યારબાદ આરોપીને ખેરાલુ રહેતા તેના બેન બનેવી બેઉને અમદાવાદથી પોતાની વાડીએ લઈ ગયેલાં. બનાવ અંગે કોઠારાના તત્કાલિન પોલીસ સબ ઈન્સ્પેક્ટર વાય.પી. જાડેજાએ જીતેશ વિરુધ્ધ એટ્રોસિટી અને પોક્સો સહિતના કાયદાઓની વિવિધ કલમો તળે ગુનો દાખલ કર્યો હતો.
કિશોરીની ભાળ મળ્યાં બાદ આરોપીએ તેની સાથે વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હોવાનું ફલિત થતાં અન્ય ભારેખમ કલમોનો ઉમેરો થયો હતો.
આ કેસમાં આજે ભુજની વિશેષ પોક્સો કૉર્ટના ખાસ જજ જે.એ. ઠક્કરે જીતેશ ભટ્ટને પોક્સો એક્ટની કલમ ૬ હેઠળ દોષી ઠેરવી વીસ વર્ષના સખ્ત કારાવાસ સાથે ૨૫ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
કૉર્ટે ઈપીકો કલમ ૩૬૩ હેઠળ પણ આરોપીને અપરાધી ઠેરવી ૩ વર્ષની સખ્ત કેદ અને ૩ હજાર રૂપિયાનો દંડ, ૩૬૬ હેઠળ ૫ વર્ષની કેદ અને ૫ હજાર દંડની સજા ફટકારી હતી.
એટ્રોસિટી તથા પોક્સો એક્ટની કલમ ૪ હેઠળની સજા પોક્સો એક્ટની કલમ ૬ હેઠળ થયેલી સજામાં સમાવિષ્ઠ થઈ જતી હોઈ કૉર્ટે તે કલમો હેઠળ અલગથી કોઈ સજા સંભળાવી નથી. ગુનામાં મદદગારી બદલ ફીટ થયેલાં અન્ય ત્રણ આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂક્યાં છે.
કૉર્ટે ગુનાનો ભોગ બનનાર કિશોરીને ૪ લાખનું વળતર ચૂકવવા અને દંડની રકમ ભરપાઈ થયે તે રકમ ચૂકવવા હુકમ કર્યો છે.
આ કેસમાં સરકાર તરફે જિલ્લાના મુખ્ય સરકારી વકીલ એચ.બી. જાડેજા હાજર રહ્યા હતા.
Share it on
|