ઝુરામાં દારૂના અડ્ડા પર રેઈડ કરનાર મહિલા પર હુમલોઃ માધાપર PIની તત્કાળ અસરથી બદલી
કચ્છખબરડૉટકોમ, ભુજઃ માધાપર પોલીસ મથકની હદમાં આવતા ભુજ તાલુકાના ઝુરા કેમ્પ ગામે બિન્ધાસ્ત રીતે ચાલતાં દેશી દારૂના અડ્ડા પર પરોઢે પાંચ વાગ્યે જનતા રેઈડ કરનાર ગામની જાગૃત મહિલા પર બૂટલેગર અને તેના મળતિયાઓએ હુમલો કર્યો.
Video :
મહિલા પોલીસ ફરિયાદ નોંધાવવા ગઈ તો પોલીસ ઈન્સ્પેક્ટરે ‘તું અહીં નાટક કરવા કેમ આવી છો? કહીને તેને ધક્કાં મારી ફરિયાદ નોંધવાના બદલે પોલીસ સ્ટેશનમાંથી હાંકી કાઢવા પ્રયાસ કર્યાનો મહિલાએ આરોપ કર્યો.
આ વિવાદ વચ્ચે પશ્ચિમ કચ્છના એસપીએ માધાપરના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એમ. ઝાલાની બદલી કરી નાખી છે.
એકલવીર સંગીતાએ પરોઢે દારૂ ઝડપ્યો
વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી વચ્ચે દારૂના અડ્ડા, ડ્રગ્ઝના વેચાણ મામલે છેડાયેલાં વાક યુધ્ધના પગલે મેવાણી અને ગુજરાત કોંગ્રેસે દારૂ ડ્રગ્ઝના અડ્ડાઓ પર જનતા રેઈડ કરવા ગુજરાતની જનતાને અનુરોધ કર્યો છે.
જેના પગલે ભુજના ઝુરા ગામે રહેતી ૨૫ વર્ષિય આશા વર્કર સંગીતાબેન રાજેશભાઈ મહેશ્વરીએ ગામની આંગણવાડી પાસે દેશી દારૂનો અડ્ડો ચલાવતા સ્વરૂપાજી ખેતાજી જાડેજાના અડ્ડા પર જનતા રેઈડ કરીને દેશી દારૂ ભરેલી અડધા અડધા લીટરની ૫૦થી ૬૦ પોટલીઓ જપ્ત કરી ફરી દારૂ ના વેચવાની ચીમકી આપી હતી.
આ બનાવનું સંગીતાએ વીડિયો રેકોર્ડીંગ પણ કરી લઈ ફરી દારૂ વેચ્યો તો પોલીસને જાણ કરવાની ચીમકી આપી હતી.
બપોરે બૂટલેગરના મળતિયાઓએ કર્યો હુમલો
કોઈ મહિલા આ રીતે અડ્ડા પર આવીને ધંધો બંધ કરવાની ચીમકી આપી દારૂની કોથળીઓ લઈ જાય તે કેમ ચાલે? સંગીતા ઘરે ગઈ ત્યારબાદ તેને દારૂની પોટલીઓ ભરેલો કોથળો પાછો આપી જવા ફોન પર ધાક ધમકી શરૂ થયેલી. બપોરે એક વાગ્યે દોઢ વર્ષના દીકરાને લઈને ગામની કેનાલ પાસે કપડાં ધોવા ગઈ ત્યારે નજીકમાં બૂટલેગરના સમર્થક એવા વીસથી પચ્ચીસ માણસોનું ટોળું એકઠું થયું હતું.
સંગીતાની મારકૂટ, ઢસડીને ઘરમાં ગોંધી દેવાઈ
બૂટલેગરની ફેવરમાં ટોળાએ સંગીતા પાસે આવીને ‘અમે તો દારૂ વેચીશું જ, તારાથી થાય તે કરી લેજે’ કહીને ધાકધમકી આપવાનું શરૂ કરેલું. સંગીતાએ મચક ના આપતાં ભુપેન પથુભા જાડેજા નામના શખ્સે તેને પકડીને ઢસડવાનું શરૂ કરેલું. બૂટલેગરના ઘરની મહિલાઓ સંગીતાને લાતો મારવા માંડેલી. ટોળું સંગીતાને ઢસડીને બૂટલેગરના ઘરમાં લઈ ગોંધી દીધી હતી. સંગીતાના માસૂમ પુત્રને છીનવી લીધો હતો.
છોકરાંને ચૂપ કરાવ નહીં તો નળી વાઢી દઈશ
નાનકડો દીકરો ખૂબ રડતો હોઈ હરિસિંહ સવુભા જાડેજા નામના શખ્સે સંગીતાને ‘છોકરાને ચૂપ કરાવ નહીંતર તેની નળી (ગળું) વાઢી નાખીશ’ કહીને ધમકાવી હતી. આરોપીઓએ ધોકાથી સંગીતાના હાથ પગ તોડી નાખી ઘરમાં બેસાડી દેવાની અને મારી નાખીને ત્યાં જ દાટી દેવાની ધમકીઓ આપેલી જેથી ગામમાં દારૂ બંધ કરાવવા બીજું કોઈ ઊભું ના થાય. જો કે, ડખ્ખા વચ્ચે પોલીસ આવી જતા સંગીતાનો બચાવ થયો હતો.
PIએ ધક્કા માર્યાઃ નાટક કરવા કેમ આવી છો?
પોલીસ સાથે સંગીતા પોલીસ મથકે આવેલી. તેણે બનાવ અંગે ફરિયાદ નોંધાવવા પીઆઈ ડી.એમ. ઝાલા સમક્ષ રજૂઆત કરેલી.
સંગીતાએ જણાવ્યું કે ઝાલા પાસે રજૂઆત કરવા ગઈ તો ઝાલાએ ‘તું અહીં નાટક કરવા કેમ આવી છો? કહીને તેને ધક્કા મારી બહાર કાઢી મૂકેલી. ઝાલાના ગેરવર્તાવની સમગ્ર ઘટનાનું ઑડિયો વીડિયો રેકોર્ડિંગ તેના પતિએ કરી લીધું છે.
બનાવ અંગે કોંગ્રેસ કાર્યકરો પોલીસ મથકે દોડી આવેલાં. સંગીતાની જનતા રેઈડનો વીડિયો વાયરલ થવા સાથે કોંગ્રેસ કાર્યકરોની ઉગ્ર રજૂઆતના પગલે પોલીસે ભૂપેન જાડેજા, હરિસિંહ જાડેજા અને સ્વરૂપ જાડેજાના પરિવારની મહિલાઓ વિરુધ બીએનએસ કલમ ૧૧૫ (૧), ૨૯૬ (બી), ૧૨૭ (૨), ૩૫૧ (૨) અને ૫૪ હેઠળ ગુનો નોંધ્યો હતો.
પોલીસે દરોડો પાડ્યો ત્યારે ફરી દારૂ મળ્યો!
ફરિયાદ નોંધાયા બાદ માધાપર પોલીસે રાત્રે સાડા આઠ વાગ્યે ઝુરા ગામે સ્વરૂપાજીના ઘરે દરોડો પાડતાં ફરી તેના ઘરેથી ૫ લીટર દેશી દારૂ ભરેલી ૧૦ પોટલી મળી આવી હતી. જેના પગલે તેની વિરુધ્ધ પ્રોહિબિશનની ધારા તળે ગુનો દાખલ કર્યો છે.
સરપંચ રાજીનામું આપેઃ મહિલાઓનો સૂત્રોચ્ચાર
ધો. ૧૨ પાસ સંગીતા મૂળ સુરેન્દ્રનગરના પાટડીના ઠાકોર પરિવારની દીકરી છે અને તેણે ઝુરામાં રહીને ડ્રાઈવીંગ કરી પેટિયું રળતા રાજેશ મહેશ્વરી જોડે પ્રેમલગ્ન કરેલાં છે. સંગીતાની આ હિંમતના કારણે ગામની અન્ય મહિલાઓ પણ તેના સમર્થનમાં આવી છે.
આજે ગામની મહિલાઓએ ગામમાં વિરોધ પ્રદર્શન યોજીને સરપંચ તુષાર ભાનુશાલીના રાજીનામાંની માંગણી કરીને સૂત્રોચ્ચાર કર્યો હતો.
સંગીતા અને અન્ય મહિલાઓએ જણાવ્યું કે ગામમાં ઠેર ઠેર દારૂ વેચાય છે, સ્ત્રીઓ અને બાળકોને બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. ગામનો સરપંચ બધું જાણે છે, તેને જાણ કરાયેલી પરંતુ આ બદી બંધ કરાવવા માટે કશું કરતો નથી. એટલું જ નહીં, સંગીતાના વિરોધને કોઈ એક સમાજ વિરુધ્ધનો ગણાવવા પ્રયાસો થતા સંગીતાએ જણાવ્યું કે ‘દારૂ ગમે તે સમાજનો માણસ વેચતો હોય, અમે તેને બંધ કરાવીને જ રહીશું’
માધાપર પીઆઈ ઝાલાની કરાઈ તત્કાળ બદલી
માધાપરમાં ઠેર ઠેર દેશી વિદેશી દારૂની વ્યાપક બનેલી બદી વચ્ચે આ વિવાદ પીઆઈ ડી.એમ. ઝાલાને ભારે પડી ગયો છે.
રેન્જ આઈજી ચિરાગ કોરડીયાના માર્ગદર્શન હેઠળ એસપી વિકાસ સુંડાએ ઝાલાની તત્કાળ અસરથી ટ્રાન્સફર કરીને સાઈડ પોસ્ટિંગ આપ્યું છે. ઝાલાના સ્થાને છેલ્લાં સવા ત્રણ માસથી લીવ રીઝર્વમાં રહેલા મહિલા પીઆઈ એ.કે. જાડેજાની નિમણૂક કરી છે.
એ.કે. જાડેજા અગાઉ ભરુચમાં ફરજ બજાવતા હતા અને ભૂતકાળમાં એસપી વિકાસ સુંડા સાથે કામ કરી ચૂકેલાં છે. જો કે, આ નિર્ણય વચ્ચે એ પણ સવાલ ઉઠી રહ્યાં છે કે સ્ટેટ મોનિટરીંગ સેલે તાજેતરમાં મુંદરા પોર્ટ પર દરોડો પાડીને આઈસીડી દ્વારા રેલવે કન્ટેઈનરમાં આવતો ત્રણેક કરોડનો દારૂ ઝડપ્યો તે નેટવર્કમાં હજુ સુધી કેમ કોઈ જવાબદારો સામે એક્શન નથી લેવાયાં?