click here to go to advertiser's link
Visitors :  
30-Jul-2025, Wednesday
Home -> Vishesh -> Plane Crash Is Not Cup Of Tea Read About The Black Box And Special Skills Requires To Probe
Friday, 13-Jun-2025 - Bhuj 35210 views
પ્લેન ક્રેશનું રાઝ ખોલતું ‘બ્લેક બોક્સ’ ખરેખર બ્લેક હોય છે? તપાસ ખાવાનો ખેલ નથી
કચ્છખબરડૉટકોમ, ભુજ (ઉમેશ પરમાર) અમદાવાદમાં તૂટી પડેલાં એર ઈન્ડિયાના પ્લેનનું ‘બ્લેક બોક્સ’ મળી આવ્યું છે. વિમાની દુર્ઘટનાના કારણોની તપાસ માટે બ્લેક બોક્સ અતિ ઉપયોગી પૂરવાર થતું હોય છે. નામ સાંભળીને સહુને થશે કે બ્લેક બોક્સ કાળા રંગનું હશે પણ હકીકતે તે એકદમ ચમકતાં ઓરેન્જ કે પીળા રંગનું હોય છે! ચમકતો રંગ એટલે હોય છે કે ક્રેશ સાઈટ પર પડેલા ભંગારમાંથી પણ તપાસકર્તાઓની તેના પર આસાનીથી નજર પડે.

બ્લેક બોક્સની બૉડી એકદમ મજબૂત મેટલ મટિરિયલમાંથી બનેલી હોય છે. પ્લેન ક્રેશ પૂર્વેની અગત્યની વિગતો તેમાં નોંધાતી હોઈ ગમે તેવી આગ લાગે તો પણ બ્લેક બોક્સ પર તેની ખાસ અસર થતી નથી. જો પ્લેન દરિયામાં પડે અને બ્લેક બોક્સ દરિયાના પેટાળમાં પહોંચી જાય તો પણ તે તેમાં રહેલો ડેટા સુરક્ષિત રીતે સચવાયેલો રહે છે.

બ્લેક બોક્સથી કેવી રીતે ખૂલે છે ક્રેશનું રહસ્ય?

બ્લેક બોક્સમાં બે પ્રકારની માહિતી નોંધાતી હોય છે. એક કોકપિટ વોઈસ રેકોર્ડર અને બે ફ્લાઈટ ડેટા રેકોર્ડર. કોકપિટ વોઈસ રેકોર્ડરમાં દુર્ઘટના સમયે પાયલટે મોકલેલાં ડિસ્ટ્રેસ મેસેજ, કો પાયલટ સાથેની વાતચીત, રેડિયો ટ્રાન્સમિશન, વૉર્નિંગ એલાર્મ તથા અન્ય મિકેનિકલ અવાજો તેમાં રેકોર્ડ થતાં હોય છે.

ફ્લાઈટ ડેટા રેકોર્ડરમાં દુર્ઘટના પૂર્વે વિમાનની ઊંચાઈ (અલ્ટિટ્યૂડ), ગતિ, એન્જિન થ્રસ્ટ, ફ્લાઈટ પાથ ડેટા વગેરે વિગતો નોંધાતી હોય છે.

ખાસ કરીને પ્લેનના છેલ્લાં ૨૫ કલાકની વિગતો તેમાં રેકોર્ડ થતી રહે છે. બ્લેક બોક્સના ડેટા અને ક્રેશ સાઈટ પરની તપાસમાંથી મળેલી માહિતીની સંયોજનથી તપાસકર્તાઓ દુર્ઘટના સમયે પ્લેનમાં કોઈ મિકેનિકલ તકલીફ થયેલી કે કેમ? પ્લેન સાથે બર્ડ હિટ થયેલું? એન્જિન ફેઈલ્યોર હતો? ઓનબોર્ડ ફાયર કે વિસ્ફોટ થયેલો? યા કોઈ માનવીય ભૂલના લીધે દુર્ઘટના ઘટેલી તેના તારણ પર આવતાં હોય છે. ઘણાં પ્લેનમાં બબ્બે બ્લેક બોક્સ લગાડાયેલાં હોય છે.

બે મહિના અગાઉ જ ભારતે ખાસ લેબ શરૂ કરેલી

ભારતમાં અંગ્રેજોના વખતમાં સૌપ્રથમ ૧૮-૦૨-૧૯૧૧ના રોજ કોમર્સિયલ ફ્લાઈટ શરૂ થયેલી. દેશમાં અત્યારસુધીમાં અનેક ગમખ્વાર પ્લેન ક્રેશ થયેલાં છે. પરંતુ, ક્રેશ બાદ રીકવર કરાતાં બ્લેક બોક્સના ડેટાનું એનાલિસીસ કરવા માટે દેશમાં કોઈ સુવિધા જ નહોતી. યોગાનુયોગે બે મહિના અગાઉ દિલ્હીમાં ‘ઉડાન ભવન’ ખાતે એરક્રાફ્ટ ઍક્સિડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યૂરૉ (AAIB)ની કચેરીના સંકુલમાં આંતરરાષ્ટ્રીય સ્તરની બ્લેક બોક્સ લેબનો શુભારંભ કરાયો હતો. ઉડ્ડયન મંત્રી નાયડુએ તેનું લોકાર્પણ કરેલું. હિન્દુસ્તાન ઍરોનોટિક્સ લિમિટેડના સહયોગથી નવ કરોડના ખર્ચે આ લેબનું નિર્માણ કરાયું છે. અમદાવાદમાં ક્રેશ થયેલા પ્લેનના બ્લેક બોક્સનું અહીં એનાલિસીસ થશે. આ લેબ એકલાં ભારત જ નહીં આસપાસના અન્ય ઘણાં દેશો માટે પણ ઉપયોગી બની રહેશે.

એર ક્રેશ ઈન્વેસ્ટિગેશન ખાવાનો ખેલ નથી

જ્યારે કોઈ પ્લેન ક્રેશ થાય ત્યારે તેના તૂટી પડવા પાછળનું શું કારણ હતું તે તપાસવું એ કંઈ ખાવાનો ખેલ નથી. પ્લેન ક્રેશ થયું તેના કારણો જાણવા માટે તપાસકર્તા પણ આ ક્ષેત્રના વિશેષ અનુભવ અને લાયકાત ધરાવતાં હોવા જોઈએ. પ્લેન ક્રેશની દુર્ઘટનાની તપાસ કરતી વખતે ઈન્વેસ્ટિગેટરને એવિએશનનું ઊંડુ જ્ઞાન, અનુભવ, એરક્રાફ્ટ સિસ્ટમ, એરોડાયનેમિક્સ, ફ્લાઈટ ઓપરેશન્સ, એરક્રાફ્ટ ડિઝાઈન, મેઈન્ટેનન્સ પરફોર્મન્સ, એવિએશન રેગ્યુલેશન્સના નીતિ નિયમો, સેફ્ટી પ્રોટોકોલ્સનું જ્ઞાન વગેરેની વિશેષ લાયકાત અને તાલીમ હોવી જરૂરી છે.

એરોસ્પેસ એન્જિનિયરીંગમાં ડિગ્રી ધરાવવા સાથે તપાસકર્તાને ફિઝીક્સ અને મટિરિયલ સાયન્સનું પણ પૂરતું જ્ઞાન જરૂરી છે.

તૂટી પડેલાં કાટમાળમાંથી પૂરાવા શોધવા, પ્લેન ક્રેશ એક્સિડેન્ટ હતો કે સબોટેજ તે જાણવા માટે ક્રેશ સાઈટ્સ પરથી મળેલાં મહત્વના ભંગારના પૂરાવા, તેનું વૈજ્ઞાનિક પરીક્ષણ, મૃતકોને થયેલી ઈજા, પ્લેનના વિસ્ફોટનું કારણ અને સોર્સનું વૈજ્ઞાનિક ઢબે એનાલિસીસ કરવાની સ્કીલ હોય તે આવશ્યક છે. એ જ રીતે એટીસી, મેઈન્ટેનન્સ સ્ટાફ, દુર્ઘટનામાં બચી ગયેલાં લોકો, દુર્ઘટના નજરે નિહાળનારાં લોકો વગેરે લોકોની પણ વિશેષ રીતે પૂછપરછ કરી જરૂરી માહિતી મેળવવાની રહે છે.

એર ક્રેશ ઈન્વેસ્ટિગેશન માટેની આધુનિક ટેકનિક

વિશ્વમાં પ્લેન ક્રેશની દુર્ઘટનાઓના ઈન્વેસ્ટિગેશનમાં ઘણી નવી આધુનિક ટેકનિકો ઉમેરાઈ છે. ખાસ કરીને, ડ્રોન્સથી એરિયલ સુપરવિઝન, ક્રેશ સમયના વાયરલ વીડિયો ફૂટેજ, એઆઈ મોડેલ આધારીત ફ્લાઈટ સિમ્યુલેટર્સ અને કોમ્પ્યુટર જનરેટેડ ઈમેજરી વગેરે પણ ખૂબ ઉપયોગી નીવડી રહ્યાં છે.

Share it on
   

Recent News  
ઘોરાડ બચાવવા કચ્છમાં બે ડેડીકેટેડ પાવર કોરીડોર બનાવવા સમિતિની સુપ્રીમને દરખાસ્ત
 
ભચાઉ કૉર્ટે ૧૩ વર્ષની તરુણીના અપહરણ દુષ્કર્મના ગુનેગારને ૨૦ વર્ષની સખ્ત કેદ કરી
 
ભુજઃ નંબર વગરની કારમાં છેતરપિંડી હેતુ ૪ નકલી ગોલ્ડ બિસ્કીટ લઈ ફરતો યુવાન ઝડપાયો