કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારના વરસામેડીમાં ચાર વર્ષ અગાઉ ૯૭ લાખમાં જમીન ખરીદી, પાવર ઑફ એટર્નીથી ખરીદનારે તેને ડેવલોપ કર્યાં બાદ હવે જમીનના ભાવ વધી જતાં વેચનાર શખ્સે દસ્તાવેજ લખી ના આપીને વિશ્વાસઘાત કર્યાનો બનાવ બહાર આવ્યો છે. અંજાર પોલીસે બીએનએસ ૩૧૬ (૨) હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આદિપુરના ડીસી-ફાઈવમાં રહેતા ફરિયાદી અતુલ કાન્તિલાલ મેવાડા રીયલ એસ્ટેટ ડેવલોપર છે. ૪ વર્ષ અગાઉ અતુલ મેવાડાએ ગાંધીધામની એકેબી શેલ્ટર્સ પ્રા.લિ.ના ડાયરેક્ટર સુનિલ સુરેશભાઈ નંદવાણી પાસેથી વરસામેડી સર્વે નંબર ૫૨૨ પૈકી ૧ની પશ્ચિમ દિશા તરફની ૧૫ હજાર ૩૭૧ ચોરસ મીટર જમીન ખરીદી હતી. જમીન પર અંજાર કૉર્ટ અને હાઈકૉર્ટમાં દિવાની દાવા ચાલતા હતા, જમીનનો લે આઉટ પ્લાન પણ બદલવાનો હતો.
ટાઈટલ ક્લિયર થાય તેમ ના હોઈ વેચનાર સુનિલે ફરિયાદીની તરફેણમાં ૧૧-૦૨-૨૦૨૨ના રોજ રજિસ્ટર્ડ પાવરનામું લખી આપ્યું હતું.
પાવરનામાના આધારે ફરિયાદીએ ગાંધીધામ ડેવલોપમેન્ટ ઑથોરીટીમાંથી જમીનનો રિવાઈઝ્ડ લે આઉટ પ્લાન મંજૂર કરાવેલો. કૉર્ટોમાં ચાલતા દિવાની દાવા ફરિયાદીએ પોતાના ખર્ચે પાછાં ખેંચાવેલાં. એટલું જ નહીં, જમીનને ડેવલપ કરી ટાઈટલ ક્લિયર કરાવ્યું હતું. ત્યારબાદ ફરિયાદીએ સુનિલ નંદવાણીને તેના નામે જમીનનો દસ્તાવેજ લખી આપવા જણાવેલું પરંતુ નંદવાણીએ ઘણો સમય કાઢી નાખેલો પરંતુ દસ્તાવેજ લખી આપ્યો નથી.
સોદાના ચાર વર્ષ બાદ રૂપિયા પરત આપવા પ્રયાસ
ડેવલોપ થયેલી આ જમીનનો ભાવ હવે ઘણો વધી ગયો છે. ગત જૂલાઈ માસમાં સુનિલે ફરિયાદીને ૯૭ લાખનો ડિમાન્ડ ડ્રાફ્ટ મોકલ્યો હતો. પરંતુ, ફરિયાદીએ તેનો અસ્વિકાર કર્યો હતો. આમ, સુનિલ હવે ફરિયાદીને રૂપિયા પરત આપીને જમીન આપવા ઈચ્છતો ના હોય તેમ જણાઈ આવે છે. આરોપીનો સંપર્ક પણ થતો નથી.
Share it on
|