કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ તાલુકાના સામત્રા ગામે ૬૦ વર્ષના વિધુર સાથે દોઢ વર્ષ અગાઉ લગ્ન કરનારી મહિલાએ પતિએ રૂપિયા ના આપતા તેને કેરોસીન છાંટી જીવતો સળગાવી દીધો છે. ગંભીર રીતે દાઝી ગયેલ વૃધ્ધ પતિ હાલ જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. માનકૂવા પોલીસે વૃધ્ધની પત્ની વિરુધ્ધ હત્યાના પ્રયાસ તળે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સામત્રા ગામે રહેતા ૬૦ વર્ષિય ધનજીભાઈ ઊર્ફે ખીમજીભાઈ વિશ્રામભાઈ કેરાઈ (પટેલ)ને સંતાનમાં ત્રણ પુત્રો છે. બે પુત્રો સેશલ્સ અને લંડનમાં સપરિવાર રહે છે.
ત્રીજો પરિણીત પુત્ર પરિવાર સાથે સામત્રામાં સ્વતંત્ર રહે છે. ધનજીભાઈના પત્નીનું ચાર વર્ષ અગાઉ નિધન થયેલું. તેઓ એકલવાયું જીવન જીવતાં હતા. દોઢ વર્ષ અગાઉ ધનજીભાઈએ મહેસાણાના હીરપુરા ગામની કૈલાસ કનુસિંહ ચૌહાણ નામની મહિલા સાથે બીજા લગ્ન કરેલાં. કૈલાસના પણ પતિ જોડે છૂટાછેડાં થયેલાં છે.
કૈલાસે ધનજીભાઈનું ધન જોઈને લગ્ન કરેલાં?
કૈલાસે ધનજીભાઈને જોઈને નહીં પરંતુ જાણે તેમનું ધન જોઈને લગ્ન કર્યાં હોય તેમ લગ્ન કરીને ઘરમાં રહેવા આવ્યા બાદ ધનજીભાઈની પ્રથમ પત્નીના અંદાજે ૧૮ તોલા સોનાના મંગળસૂત્ર, પાટલા, કંઠી, વીંટી વગેરે જેવા ઘરેણાં પોતાની પાસે લઈ લીધેલા અને ધનજીભાઈને પાછાં આપતી નહોતી. ધનજીભાઈ ઘરેણાં માગે તો ઝઘડા કરતી હતી.
દરમિયાન, કૈલાસે ભુજમાં મકાન ખરીદેલું. આ મકાનના રૂપિયા ભરવા માટે તે અવારનવાર ઝઘડા કરીને ધનજીભાઈ પાસેથી રૂપિયા લઈ જતી હતી.
ધનજીભાઈ રૂપિયા આપવાની ના પાડે તો મારી નાખવાની ધમકીઓ આપતી. તેના આ ત્રાસ અંગે ધનજીભાઈએ ગામમાં રહેતા પુત્ર કપિલ અને અન્ય સામાજિક આગેવાનોને પણ રજૂઆત કરેલી.
પતિને ગેરેજમાં પૂરી કેરોસીન છાંટી કાંડી ચાંપી દીધી
ગઈકાલે શનિવારે સાંજે પાંચ વાગ્યાના અરસામાં કૈલાસે વધુ એકવાર ધનજીભાઈ પાસે રૂપિયાની માંગણી કરેલી. ધનજીભાઈએ ઈન્કાર કરતાં ઉશ્કેરાઈને ‘આજે તો તને જીવતો નહીં મૂકું’ કહીને કૈલાસ પતિને હાથ ખેંચીને આંગણાની બાજુમાં આવેલા ગેરેજમાં લઈ ગઈ હતી. ગેરેજમાં રાખેલી કેરોસીનની બોટલ ખોલીને કેરોસીન ધનજીભાઈ પર છાંટ્યું હતું. ત્યારબાદ દિવાસળી પેટાવીને ધનજીભાઈ પર ફેંકતા જ તે ભડભડ બળવા માંડ્યા હતા.
પતિએ પોતાને બચાવવા માટે બૂમો પાડવાનું શરૂ કરેલું અને કૈલાસે ગેરેજના નાના દરવાજેથી બહાર નીકળીને દરવાજો બંધ કરી દીધો હતો.
ગંભીર રીતે દાઝી ગયેલાં ધનજીભાઈ બૂમો પાડતાં પાડતાં ફસડાઈ પડ્યાં હતા. થોડીકવાર બાદ જાણ થતાં તેમનો પુત્ર કપિલ અને અન્ય લોકો દોડી આવ્યાં હતા. એમ્બ્યુલન્સ બોલાવી ધનજીભાઈને સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલ લઈ આવ્યાં હતા.
ધનજીભાઈ ગંભીર હાલતમાં સારવાર તળે
તબીબોએ પોલીસને જણાવ્યું છે કે ધનજીભાઈ અંદાજે નેવું ટકા જેટલું દાઝી ગયાં છે. પોલીસે રાત્રે તેમના નિવેદનના આધારે કૈલાસ સામે ફરિયાદ દાખલ કરી છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કૈલાસને દબોચી લેવાઈ છે. બનાવની તપાસ માનકૂવાના ઈન્ચાર્જ પીઆઈ પી.પી. ગોહિલ કરી રહ્યા છે.
Share it on
|