click here to go to advertiser's link
Visitors :  
19-Nov-2025, Wednesday
Home -> Vishesh -> Pakistani Couple booked under IPR and Foreigners Act at Khadir Rapar
Tuesday, 18-Nov-2025 - Bhuj 922 views
ખડીરમાં પકડાયેલું પાક. યુગલ પુખ્ત વયનું નીકળ્યું: બેઉનો બ્રેઈન મેપીંગ ટેસ્ટ થશે
કચ્છખબરડૉટકોમ, ભુજઃ પરિવારજનોની નામરજી અને નારાજગીના કારણે હાથમાં હાથ પરોવીને પાકિસ્તાન છોડીને ભારતમાં ઘૂસી આવેલા પાકિસ્તાની યુગલ સામે ૧ માસ અને ૧૦ દિવસ બાદ ગુનો દાખલ થયો છે. ગત ૦૮-૧૦-૨૦૨૫ના રોજ આ પ્રેમી યુગલ રાપરના ખડીર પોલીસ મથકની હદમાં આવતા રતનપર ગામ પાસેથી પકડાયું હતું.
બંને પુખ્ત વયના હોવાનું તબીબી પરીક્ષણનું તારણ

ઝડપાયેલાં યુગલે પોતાની ઊંમર ૧૫ અને ૧૬ વર્ષની જણાવેલી પરંતુ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં બેઉની વય નિર્ધારિત કરવા માટે કરાયેલા તબીબી પરીક્ષણમાં બંને પુખ્ત વયના હોવાનું સ્પષ્ટ થયું છે. ખડીર પોલીસે જણાવ્યું કે આરોપી તોતો ઊર્ફે તારા રણમલ ચુડી (ભીલ)ની ઊંમર વીસ વર્ષથી વધુ જણાય છે અને તેની પ્રેમિકા મીના ઊર્ફે પૂજા કરસન ચુડીની વય ૧૮થી ૨૦ વર્ષ હોવાનું જણાય છે.

એક જ જ્ઞાતિના હોઈ લગ્ન શક્ય ના હોઈ ભાગી આવ્યા

પ્રાથમિક પૂછપરછમાં બેઉ જણે પોલીસ અને સુરક્ષા એજન્સીઓને જણાવેલું કે બેઉ પાકિસ્તાનના થરપારકર જિલ્લાના ઈસ્લામકોટ તાલુકાના લસરી ગામના વતની છે. બેઉ એક જ જ્ઞાતિના છે અને સંબંધે એકમેકના દૂરના સગાં થાય છે. પરંતુ એકમેકને પ્રેમ કરે છે અને પરિવારજનોને તેમના લગ્ન સામે વાંધો હોઈ બેઉ જણ ચોથી ઓક્ટોબરની મધરાતે રણ સરહદને પગપાળા ઓળંગીને શરણ લેવા માટે ભારતમાં આવ્યાં હતા.  

કોન્સ્યુલર એક્સેસ માટે દિલ્હી લઈ જવાયેલાં

ભારત કે પાકિસ્તાનનો કોઈ નાગરિક અજાણતા કે ભૂલથી એકમેકના દેશમાં પ્રવેશી ગયો હોવાનું જણાય તો તેમની મુક્તિની ઝડપી પ્રક્રિયા માટે તેમનો હાઈ કમિશનના અધિકારીઓ સાથે મેળાપ કરાવાય છે. આ પ્રક્રિયાને ડિપ્લોમેટિક અથવા કોન્સ્યુલર એક્સેસ કહેવાય છે.

પાકિસ્તાની હાઈ કમિશનના અધિકારીઓ તેના ભારતમાં ઝડપાયેલાં તેમના દેશના નાગરિકના સ્વાસ્થ્ય, સલામતી, ભારતીય કાયદા મુજબ તેના કાયદાકીય બચાવ માટેની સુવિધા સુનિશ્ચિત કરી શકે છે. પકડાયેલાં નાગરિકે તેના પરિવારને પાઠવેલો સંદેશ આપી શકે છે.

ખાસ કરીને, ઝડપી મુક્તિ અથવા પ્રત્યાર્પણ માટે નાગરિક્તાની ખરાઈ કરવાના હેતુથી આ કોન્સ્યુલર એક્સેસ ખૂબ મહત્વપૂર્ણ છે. વિયેના કન્વેન્શન ઓન કોન્સ્યુલર એક્સેસ તથા ૨૦૦૮માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલાં દ્વિપક્ષી કરાર મુજબ ત્રણ માસની અંદર સંબંધિત દેશના નાગરિકને કોન્સ્યુલર એક્સેસની સુવિધા આપવી જરૂરી છે.

દિલ્હીથી પરત લવાયાં બાદ ગુનો નોંધાયો

પૂર્વ કચ્છના એસપી સાગર બાગમારે જણાવ્યું કે આ યુગલને અન્ય પંદરેક પાકિસ્તાની નાગરિકો સાથે કોન્સ્યુલર એક્સેસ માટે દિલ્હી લઈ જવાયું હતું. કોન્સ્યુલર એક્સેસની પ્રક્રિયામાં શું થયું તે ખબર નથી પરંતુ તે પરત આવ્યા બાદ અમે આજે નિયમ મુજબ તેમની સામે ઈન્ડિયન પાસપોર્ટ એક્ટ  અને ફોરેનર્સ એક્ટની કલમો તળે ગુનો દાખલ કર્યો છે. આ ગુના તળે મહત્તમ પાંચ વર્ષની કેદની સજાની જોગવાઈ છે.

પોલિગ્રાફ અને બ્રેઈન મેપીંગ ટેસ્ટ કરાશે

ખડીરના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એન. દવેએ જણાવ્યું કે પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓની સઘન પૂછતાછમાં આ યુગલ પોતે પાકિસ્તાની હોવાનું અને તેમના લગ્ન સામે પરિવારજનોની નારાજગીના લીધે ભારતમાં આવ્યાં હોવાનું જણાવ્યું હતું. જો કે, ભારતમાં ઘૂસણખોરી બદલ તેમનો ખરેખર હેતુ શો હતો તે જાણવા માટે બેઉના બ્રેઈન મેપીંગ ટેસ્ટ અને પોલિગ્રાફ (લાઈ ડિટેક્ટર ટેસ્ટ) કરવા પણ જરૂરી છે. જેથી આ યુગલને એફએસએલમાં લઈ જઈ બંને ટેસ્ટ કરવામાં આવશે.

Share it on
   

Recent News  
ગાંધીધામઃ જાહેરમાં MD વેચતો વૃધ્ધ ઝડપાયોઃ પગમાં ઈલાસ્ટિક પાટામાં ડ્રગ્ઝ છૂપાવેલુ
 
ગાંધીધામઃ કટિંગ ટાણે ત્રાટકી LCB અને બી ડિવિઝન પોલીસે ૩૭.૨૧ લાખનો શરાબ ઝડપ્યો
 
ભુજના હાજાપરના હત્યા કેસમાં ચાર્જશીટ બાદ મુખ્ય આરોપીએ કરેલી જામીન અરજી રીજેક્ટ