કચ્છખબરડૉટકોમ, ભુજઃ ખાવડા રણ સરહદે NTPC કંપની પાસે બોલેરોમાં ખુલ્લેઆમ વેચાતાં દારૂના ‘મોબાઈલ પોઈન્ટ’નો કેમેરાની સાક્ષીએ પર્દાફાશ કરી પોલીસ પર ગંભીર આરોપ કરનારા કોટડાના આગેવાન ઈશાક નુરમામદ સમા પર ખંડણીની કલમો તળે ગુનો નોંધાયો છે.
Video :
રિન્યુએબલ એનર્જી પાર્કમાં કાર્યરત KEC કંપનીના એડમિન હેડ અરવિંદકુમારે ઈશાક સમા અને અજાણ્યા માણસો સામે ખાવડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
બળજબરીથી લાકડાંનો સ્ક્રેપ લઈ ગયો હોવાનો આરોપ
ફરિયાદમાં આરોપ કરાયો છે કે તેમની કંપનીમાં પેદા થતો લાકડાનો ભંગાર (સ્ક્રેપ) ૧૨-૧૦-૨૦૨૫ના રોજ ઈશાક સમા અને તેના માણસો ટ્રકમાં બળજબરીપૂર્વક નાખીને લઈ ગયાં હતા. તેમને રોકવા પ્રયાસ કર્યો ત્યારે ધાક-ધમકી કરેલી કે મારા માણસો તમારા ટાંટિયા તોડી નાખશે. અરવિંદે ફરિયાદમાં જણાવ્યું છે કે તેમની કંપનીમાં એકઠો થતો સ્ક્રેપ ટેન્ડર મારફતે મુંબઈની N N સ્ટીલ કંપની ખરીદે છે.
આ માલ પણ N N સ્ટીલ કંપનીએ ખરીદેલો. જે-તે સમયે સ્ટીલ કંપનીના માણસો જોડે આરોપી ઈશાક સમા કંપનીમાં આવ્યો હતો. એટલે તેને કંપનીનો માણસ સમજી બેઠેલાં.
જો કે, સ્ક્રેપ લઈ જતી વખતે કંપનીનો ઑથોરિટી લેટર હોવો જોઈએ પરંતુ સમા પાસે આવો કોઈ લેટર નહોતો અને બળજબરીપૂર્વક ધોકા અને પાઈપો લઈને આવેલા તેના માણસો મારફતે ટ્રકમાં સ્ક્રેપ ભરીને જતો રહેલો. ઈશાક અને તેના સાગરીતો ટ્રક સાથે બ્લેક સ્કોર્પિયો લઈને આવેલાં.
લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ હિતેશ જેઠીએ અરવિંદકુમારે આપેલી અરજીના આધારે આજે ખાવડા પોલીસ મથકે ઈશાક સમા અને તેના અજાણ્યા માણસો વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.
આરોપી અને તેના માણસો કંપનીમાં ગેરકાયદે પ્રવેશીને ધાક ધમકીપૂર્વક લાકડાં ટ્રકમાં લોડ કરી, કોઈ પણ જાતના નાણાંની ચૂકવણી નહીં કરીને લઈ ગયાં હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
પોલીસની કાર્યવાહી કિન્નાખોરીવાળીઃ આરોપીનો ભાઈ
પોલીસની આ કાર્યવાહીને ઈશાક સમાના ભાઈ જબ્બાર સમાએ કિન્નાખોરીયુક્ત ગણાવીને દાવો કર્યો છે કે તેના ભાઈએ પોલીસની મહેરબાનીથી ચાલતાં દારૂના અડ્ડાનો પર્દાફાશ કર્યો એટલે તેના પર ખોટી ફરિયાદ દાખલ કરાઈ છે. આ મામલે વડી અદાલત સુધી સુધી લડી લેવાની તૈયારી દાખવી છે. ઉલ્લેખનીય છે કે, દારૂના અડ્ડાનો પર્દાફાશ કર્યાના બીજા દિવસે ઈશાક સમાએ એસપીને અરજી કરેલી કે તેને ખોટી ફરિયાદમાં ફીટ કરાવવા પોલીસ કાવતરાં ઘડી રહી છે.
♦ ઈશાકના એડવોકેટ બાબુલાલ ગોરડિયાએ કચ્છખબરને મુંબઈની N N STEEL CORPORATION કંપનીએ ટેન્ડર મુજબ ભરેલાં ૧.૬૫ લાખ રૂપિયાની પાવતીની નકલ મોકલીને જણાવ્યું કે આ કંપનીએ લોકલમાં ઈશાક સમાને જ માલ લોડ કરવાનું કામ આપેલું છે. કંપનીમાંથી માલ લોડ કર્યો તે સમયે કંપનીના વે બ્રિજ પર વજન પણ કરાયું હતું જે પેટે ચૂકવેલાં ૩૦૦ રૂપિયાની પાવતી પણ રજૂ કરાઈ છે.
♦પોતાના અસીલ સામે બદલાની ભાવનાથી પોલીસે કાર્યવાહી કરી હોવાનો દાવો કરી ગોરડિયાએ જણાવ્યું કે કહેવાતો બનાવ ૧૨-૧૦-૨૦૨૫નો છે તો પોલીસે છેક બે મહિનાના વિલંબ બાદ ફરિયાદ શા માટે દાખલ કરી? તેનું કારણ શું?
♦જે માલ ઉપાડ્યો છે તેના પૈસા મુંબઈની કંપનીએ એડવાન્સમાં જ ભરેલાં છે. પુરાવારૂપે તેની પાવતી છે.
♦જે કંપનીમાંથી માલ ઉપાડાયો છે ત્યાં જવા માટે ઠેર ઠેર કડક ચેકીંગ બાદ જ વાહનો અને માણસોને પ્રવેશ મળે છે. શું ઈશાક સમાને એમ જ કંપનીમાં પ્રવેશ મળી ગયો?
♦સમાએ ગત શનિવારની રાત્રે દેશી વિદેશી શરાબના મોબાઈલ પોઈન્ટનો પર્દાફાશ કરી ખાવડાના પીઆઈ તથા બે પોલીસ કર્મચારીઓની મિલિભગત અંગે ગંભીર આરોપ કરેલાં. કંટ્રોલમાં વારંવાર જાણ કર્યા બાદ ત્રણ કલાકે પોલીસે સ્થળ પર આવીને ૪૭ હજારનો દારૂ અને બે લાખની બોલેરો જપ્ત કરેલી. પોલીસ ઈન્સ્પેક્ટર અને બે કર્મચારીઓની મિલિભગત અંગે એસપીએ શું કાર્યવાહી કરી?
♦એલસીબીના પીઆઈએ ગુનામાં ખંડણીની કલમ (બીએનએસ ૩૦૮ ૫) લગાવી છે પરંતુ ફરિયાદની હકીકત જોતાં તે ખોટી રીતે લગાડાઈ હોવાનું જણાય છે. કારણ કે, આરોપીએ ક્યાંય કોઈની પાસે ખંડણીના નાણાંની માંગણી કરી નથી.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ લોકલ ક્રાઈમ બ્રાન્ચની બૂટલેગરો સાથેની સાંઠગાંઠ અને વહીવટદારને મળતાં સવા કરોડ રૂપિયાના હપ્તા સહિતના ગંભીર આરોપ કરતી બબ્બે અરજીઓ કરનાર સલીમ કુંભાર સહિતના ત્રણ શખ્સો સામે તાજેતરમાં એક બૂટલેગરે ખંડણીની ફરિયાદ નોંધાવેલી. જેના પગલે ત્રણેની ધરપકડ કરાઈ છે.જો કે, સલીમની અરજી અંગે શું તપાસ થઈ તે અંગે કોઈ ખુલાસો થયો નથી!
અત્રે એ સ્પષ્ટતા કે આરોપબાજી અને પુરાવાનું મૂલ્યાંકન કરવાનું કામ કૉર્ટનું છે. અમારું કામ ઉભય પક્ષના દાવા પ્રતિદાવાને રજૂ કરવાનું છે.
આ અગાઉ ભુજ તાલુકાના ઝુરા ગામે ચાલતાં દેશી દારૂનો પર્દાફાશ કરનાર એકલવીર સંગીતાબેન મહેશ્વરી પર બૂટલેગર અને તેના માણસોએ હુમલો કર્યો ત્યારે માધાપરના પીઆઈએ ફરિયાદ દાખલ કરવાના બદલે તેને હડધુત કરેલી. પાછળથી કોંગ્રેસના કાર્યકરોએ પોલીસ મથકે જઈને હોબાળો કરતાં ફરિયાદ દાખલ થયેલી.