|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ રીઢા રાજસ્થાની બૂટલેગર અનિલ ઊર્ફે પાંડિયા જગદીશપ્રસાદ જાટ જોડે દારુ ભરેલાં વાહનોની બેરોકટોક આવન-જાવન બદલ ૧૫ લાખ રૂપિયા મેળવનારાં SMCના હેડ કોન્સ્ટેબલ સાજણ વીરાભાઈ વસરા (આહીર)ની જામીન અરજી ભુજ કૉર્ટે ફગાવી દીધી છે. સાજણે ૧૫ લાખ રૂપિયા મેળવ્યાં હોવાની ઑડિયો ક્લિપ વાયરલ કરીને ખુદ અનિલ ઊર્ફે પાંડિયાએ જ ભાંડો ફોડ્યો હતો. એક પોલીસ કર્મચારી હોવા છતાં સાજણે બૂટલેગરો સાથે સાંઠગાંઠ કરી હોવાની બાબતને ગંભીર ગણી ભુજના સેશન્સ જજ અને ગુજસીટોક કૉર્ટના વિશેષ જજ દિલીપ પી. મહિડાએ ચાર્જશીટ બાદ નિયમિત જામીન મેળવવા માટે થયેલી તેની અરજી ફગાવી દીધી છે.
જાણો શો છે સમગ્ર મામલો
જૂલાઈ ૨૦૨૫માં વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કરજણ પોલીસ મથકની હદમાંથી ૧.૭૭ કરોડનો ઈંગ્લિશ દારૂ ભરેલું ટેન્કર ઝડપેલું. પોલીસ દરોડાની કામગીરી ચાલુ હતી તે સમયે અજાણ્યા નંબર પરથી રેઈડીંગ પાર્ટીને ફોન આવેલો. ફોન કરનારે ‘પૈસાનો વહેવાર કર્યો છે તો પણ શા માટે ટેન્કરને પકડો છો?’ તેવા મતલબની વાત કરીને પોલીસ કર્મચારીઓનો ઉધડો લીધો હતો. એટલું જ નહીં, સ્ટેટ મોનિટરીંગ સેલના કોન્સ્ટેબલ સાજણ આહીરને આંગડિયા મારફતે ૧૫ લાખ રૂપિયા મોકલ્યાં હોવાનું કહીને રીઢા બૂટલેગર અનિલ ઊર્ફે પાંડિયાએ રાજ્યના વિવિધ ઉચ્ચ પોલીસ અધિકારીઓને ઑડિયો ક્લિપ મોકલી આપી હતી.
ગેરકાયદે દારૂની હેરફેર રોકવાનું કામ કરતા સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમનો જ કોન્સ્ટેબલ બૂટલેગરો જોડે સાંઠગાંઠ ધરાવતો હોવાનું ખૂલતાં રાજ્યના પોલીસ વડાએ સાજણ આહીરને તત્કાળ સસ્પેન્ડ કરી દીધો હતો.
આ મામલે એસએમસીએ ગહન તપાસ શરૂ કરતાં સાજણ આહીરે આંગડિયા મારફતે નાણાં મેળવ્યાં હોવાનું ખૂલ્યું હતું. એટલું જ નહીં, છેલ્લાં એક વર્ષથી સાજણ અનિલ પાંડિયા સાથે વોટસએપ થકી સંપર્કમાં હોવાનું ખૂલેલું. બેઉની વોટસએપ ચેટ અને ઑડિયો ક્લિપને પુરાવારૂપે મેળવાઈ હતી. પાંચ લાખ રૂપિયા પણ રીકવર કરાયાં હતા.
SMC પો.સ્ટે.માં ગુજસીટોકનો પહેલો ગુનો નોંધાયેલો
મામલાને ગંભીરતાથી લઈ SMCએ સાજણ આહીર, અનિલ ઊર્ફે પાંડિયા, વાગડના રામા વજા ભરવાડ, મહેન્દ્ર ઊર્ફે મેંદો કોલી, તૌફિક નાઝીરખાન મુસલમાન અને પવનસિંઘ સહિતના બૂટલેગરો સામે SMC પોલીસ સ્ટેશનમાં ગુજસીટોકની કલમો તળે ફરિયાદ નોંધાવી સાજણ સહિતના સ્થાનિક બૂટલેગરોની ધરપકડ કરી હતી. પાછળથી, કરજણના દારૂના કેસમાં બૂટલેગર અનિલ સાથે સાજણ આહીરને પણ આરોપી બનાવાયો હતો.
જાણો કૉર્ટે કયા તારણો સાથે અરજી ફગાવી
આ ગુનામાં ચાર્જશીટ બાદ સાજણે નિયમિત જામીન મેળવવા અરજી કરેલી. ગુનાના સહઆરોપી રામા ભરવાડ, મહેન્દ્ર ઊર્ફે મેંદો કોલી, તૌફિકને ગુજરાત હાઈકૉર્ટે જામીન પર છોડી મૂક્યા હોઈ પેરિટીના આધાર પર, એફઆઈઆરમાં સાજણનું નામ ના હોવાનું અને સહઆરોપીઓની પૂછપરછના આધારે નામ ઉમેરાયું હોવાના આધાર સહિત વિવિધ મુદ્દે રજૂઆત કરી જામીન માટે અરજ કરાઈ હતી. જો કે, જામીન પર છૂટેલાં આરોપીઓ કરતાં ગુનામાં સાજણની ભૂમિકા અલગ પ્રકારની હોવાનું, પુરાવાઓ જોતાં ગુનામાં તેની પ્રથમદર્શનીય સંડોવણી સ્પષ્ટ થતી હોવાનું, એક પોલીસ કર્મચારી હોવા છતાં તે આ પ્રકારના ગુનામાં સંડોવાયો હોવાનું અવલોકન કરીને કૉર્ટે અરજી રીજેક્ટ કરી દીધી છે. જિલ્લાના મુખ્ય સરકારી વકીલ એચ.બી. જાડેજાએ સરકાર પક્ષે દલીલો કરી હતી.
મુંદરા કન્ટેઈનરકાંડમાં પણ નવાજૂનીની શક્યતા
થોડાંક માસ અગાઉ એસએમસીએ મુંદરામાં દરોડા પાડીને કરોડોનો દારૂ ભરેલાં બે કન્ટેઈનર પકડીને સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરેલો. આ પ્રકરણમાં મુંદરાના પીઆઈ આર.જે. ઠુંમર, માનકૂવાના ઈન્ચાર્જ પીઆઈ ગોહિલ અને માનકૂવાના હેડ કોન્સ્ટેબલ વિજય ઘાંઘર વિરુધ્ધ બદલી અને સસ્પેન્સનની કાર્યવાહી હાથ ધરાયેલી.
તેની સાથે જ જિલ્લાવ્યાપી થયેલી ફેરબદલમાં એલસીબીમાં નિયમિત પીઆઈની નિમણૂક થતાં પીએસઆઈ હિતેશ જેઠી પાસેથી એલસીબીના પીઆઈનો ચાર્જ પરત લઈ લેવાયેલો અને હાલ તે સાઈડ પોસ્ટીંગ ગણાતી રીડર બ્રાન્ચના પોસઈ તરીકે કાર્ય કરે છે.
સસ્પેન્ડ કરાયેલો વિજય ઘાંઘર થોડાંક સમય અગાઉ એસએમસીમાં જ કામ કરતો હતો. સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ સમગ્ર કેસમાં એસએમસીના વડા નિર્લિપ્ત રાય દ્વારા ઝીણવટભરી તપાસ ચલાવાઈ રહી છે. ત્યારે, આ મામલે આગામી સમયમાં નવાજૂની થાય તેવી શક્યતા છે.
Share it on
|