|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ઘરના પાછલાં દરવાજેથી પ્રવેશીને, રૂમમાં લેશન કરતી ૧૬.૪ વર્ષની બાળાને બળજબરીથી બાથમાં લઈ ચુંબન કરવાનો પ્રયાસ કરી બીભત્સ અડપલાં કરનાર ભુજના યુવકને કૉર્ટે બે વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. ગત ૧૯મી ફેબ્રુઆરી ૨૦૨૫ની બપોરે અઢી વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. જેમાં ભુજની વિશેષ પોક્સો કૉર્ટે આરોપી કરણ મનજીભાઈ સોલંકી (ઉ.વ. ૨૧, રહે. જૂની રાવલવાડી, ભુજ)ને વિવિધ કલમો તળે કારાવાસ સાથે કુલ ૨૦ હજારનો દંડ ફટકાર્યો છે. કરણે બાળા જોડે અડપલાં કરતાં બાળાએ બૂમાબૂમ કરી મૂકતાં ઓસરીમાં બેસેલાં સ્વજનો ઘરમાં દોડી આવેલાં. કરણ તેમને જોઈ નાસી છૂટેલો.
બનાવ અંગે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગુનાનો ભોગ બનનાર બાળા અગાઉ શાળાએ જતી હતી ત્યારે કરણે પીછો કરી, રસ્તામાં હાથ પકડીને પોતાને પ્રેમ કરવાનું કહીને ધમકી આપેલી.
આ ગુનામાં ફરિયાદ પક્ષે રજૂ થયેલાં ૪ દસ્તાવેજી પુરાવા અને ૮ સાક્ષીને તપાસી પોક્સો કૉર્ટના સ્પેશિયલ જજ જે.એ. ઠક્કરે કરણને ભારતીય ન્યાય સંહિતાની કલમ ૭૫ (૧) (૧) હેઠળ દોષી ઠેરવી બે વર્ષની સખ્ત કેદ અને ૧૦ હજારનો દંડ ફટકાર્યો છે. તો, કલમ ૭૮ (૧) (૧), ૩૫૧ (૨), ૩૨૯ (૪) હેઠળ ૬ માસની કેદ, પોક્સો એક્ટની કલમ ૮ હેઠળ બે વર્ષની સખ્ત કેદ સાથે ૧૦ હજાર દંડ, પોક્સો એક્ટની કલમ ૧૨ હેઠળ ૧ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે.
કૉર્ટે દંડની કુલ રકમ વસૂલ થયે બાળાને વળતર પેટે ચૂકવવા ઉપરાંત ૫૦ હજાર રૂપિયાનું વળતર ચૂકવવા હુકમ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને હુકમ કર્યો છે.
ગુનાની તપાસ એ ડિવિઝનના પીઆઈ એ.એમ. પટેલે કરી હતી અને ફરિયાદ પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ કાનૂની પેરવી કરી હતી.
Share it on
|