|
કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરાના ખાનગી કન્ટેઈનર ફ્રેટ સ્ટેશનમાં છેલ્લાં ત્રણેક દિવસથી દિલ્હીના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા હાથ ધરાયેલી તપાસના અંતે આંતરરાષ્ટ્રીય ડ્રગ્ઝ નેટવર્કનો મોટો પર્દાફાશ થયો છે. NCBએ સિરિયાથી ઘેટાંના ઉનના નામે આયાત થયેલાં એક કન્ટેઈનરમાંથી ૧૯૬.૨ કિલોગ્રામ કેપ્ટાગોન ડ્રગ્ઝનો પાઉડર જપ્ત કર્યો છે. NCBએ વિશેષ ઓપરેશન પાર પાડીને ભારતમાં પહેલીવાર કેપ્ટાગોન ડ્રગ્ઝનો મોટો જથ્થો ઝડપ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ સફળતા બદલ એક્સ પર NCBને અભિનંદન પાઠવી ભારત સરકારની ડ્રગ્ઝના કારોબાર સામે હંમેશા ઝીરો ટોલરન્સની નીતિ રહી હોવાનું જણાવ્યું છે.
NCBએ પકડેલું કેપ્ટાગોન ડ્રગ્ઝ શું છે?
NCBના સમગ્ર ઓપરેશનની વિગતો વિસ્તારથી જાણીએ તે પહેલાં ઝડપાયેલાં ડ્રગ્ઝ વિશે માહિતી મેળવીએ. જપ્ત થયેલું ડ્રગ્ઝ ઈંગ્લિશમાં કેપ્ટાગોન (Captagon) તરીકે ઓળખાય છે. ૧૯૬૧ના વર્ષમાં સૌપ્રથમ જર્મનીએ નાર્કોલેપ્સી અને ડિપ્રેશન જેવા માનસિક રોગથી પીડાતાં દર્દીઓની દવા તરીકે ઉપયોગ શરૂ કરેલો. આ ડ્રગ્ઝમાં ફેનેથીલીન (Fenethyline) એમ્ફેટામાઈન (Amphetamine), મેથામ્ફેટામાઈન (Methamphetamine) અને કેફીન (Caffeine) જેવાં ઘટકો હોય છે. જે દર્દીની સેન્ટ્રલ નર્વ્ઝ સિસ્ટમને ઉત્તેજિત (સ્ટીમ્યુલન્ટ) કરે છે. આ એક કૃત્રિમ એટલે કે સિન્થેટીક ડ્રગ્ઝ છે.
જાણો, કેપ્ટાગોનના ગુણ અને અવગુણ
ડ્રગ્ઝ લેનાર વ્યક્તિની માનસિક શારીરિક સતર્કતા ખૂબ વધી જાય છે, તે ખૂબ જ શારીરિક સ્ફૂર્તિ અથવા શક્તિ અનુભવે છે અને લાંબા સમય સુધી તે ઉત્સાહમાં રહે છે. ઊંઘ પણ ગાયબ થઈ જાય છે. લાંબા સમય સુધી આ ડ્રગ્ઝ લેવાથી વ્યક્તિ વાસ્તવિક જીવનથી દૂર થઈને માનસિક ભ્રમણામાં જીવતો હોવાની, તેનું બીપી વધી જતું હોઈ હાર્ટ એટેકનો શિકાર થતો હોવાની, દવાની અસર પૂરી થયાં બાદ ફરી ગંભીર ડિપ્રેશનનો શિકાર બનતો હોવાની તથા એકવાર દવા લેનાર વ્યક્તિ તેનો વ્યસની બની જતો હોવાની વ્યાપક આડઅસરો જોવા મળતાં જર્મનીએ તેના પર પ્રતિબંધ મૂકેલો. જર્મની બાદ પાછળથી યુરોપમાં પણ આ દવા પાર્ટી ડ્રગ્ઝ તરીકે ખૂબ લોકપ્રિય બનેલી. જો કે, ગુણ કરતાં દુર્ગુણ વધુ હોઈ વિવિધ દેશોએ તેના પર પ્રતિબંધ મૂક્યો છે.
જિહાદી ડ્રગ્ઝ, અબુ હિલાલેં અથવા ગરીબોનું કોકેઈન
જર્મની અને યુરોપીયન દેશો તો ડ્રગ્ઝની ચુંગાલમાંથી માંડ છૂટ્યાં પરંતુ ત્યાં સુધીમાં આ ડ્રગ્ઝની જાળ મધ્ય પૂર્વના ખાડી દેશોમાં વ્યાપક સ્તરે ફેલાઈ ચૂકી હતી. ખાસ કરીને, સિરિયા તેનું મુખ્ય હબ બની ગયું છે. હિઝબુલ્લાહ, ISIS અને હમાસ જેવા ઈસ્લામિક સંગઠનો તેના આતંકીઓને જોરદાર પરફોર્મન્સ માટે આ ડ્રગ્ઝનો બેફામ ઉપયોગ કરતાં હોઈ તેને જિહાદી ડ્રગ્ઝ તરીકે પણ ઓળખાય છે. અરેબિક ભાષામાં તે અબુ હિલાલેં તરીકે પ્રચલિત છે. હેરોઈન અને કોકેઈન જેવા કુદરતી ડ્રગ્ઝની તુલનાએ આ સિન્થેટીક ડ્રગ્ઝ ખૂબ સસ્તું હોઈ તેને ગરીબોના કોકેઈન તરીકે પણ ઓળખવામાં આવે છે. સિરિયાની અનેક ગેંગો મધ્યપૂર્વના ઈસ્લામિક દેશોમાં આ ડ્રગ્ઝનો સપ્લાય કરે છે. આ ડ્રગ્ઝ નેટવર્ક તેમના ફંડીંગનો પણ મુખ્ય આધાર છે.
પહેલાં દિલ્હી અને બાદમાં મુંદરામાં દરોડો
કેપ્ટાગોન ડ્રગ્ઝના આંતરરાષ્ટ્રીય કારોબારમાં ભારતનો એક ટ્રાન્ઝીટ રૂટ તરીકે ઉપયોગ થતો હોવાની આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ આપેલી સચોટ બાતમીના આધારે NCBએ ૧૧ મેના રોજ દક્ષિણ દિલ્હીના નેબ સરાઈ વિસ્તારમાં એક રહેણાક મકાનમાં દરોડો પાડીને એક સિરિયન નાગરિકની ધરપકડ કરી હતી. મકાનમાં રહેલા કોમર્સિયલ ચપાતી કટીંગ મશિનની અંદર યુક્તિપૂર્વક કેપ્ટાગોનની ટેબ્લેટ્સ છૂપાવાઈ હતી. NCBએ મશીનમાંથી ૩૧.૫ કિલોગ્રામ ટેબલેટ્સ કબજે કરી હતી. આ મશીન કથિતપણે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં એક્સપોર્ટ થવાનું હતું.
સિરિયનની પૂછપરછ બાદ મુંદરામાં રેઈડ
ઝડપાયેલો સિરિયન નાગરિક ટૂરિસ્ટ વિઝા પર ૧૫-૧૧-૨૦૨૪ના રોજ ભારતમાં આવેલો. તેના વિઝાની મુદ્દત ૧૨-૦૧-૨૦૨૫ના રોજ પૂરી થઈ ગયાં બાદ પણ તે ભારતમાં ગેરકાયદે રોકાઈ ગયેલો. તેની પૂછપરછમાં મળેલી માહિતીના પગલે મુંદરાના ખાનગી CFSમાં રેઈડ કરવામાં આવી હતી.
સિરિયાથી આવેલા કન્ટેઈનરમાંથી ડ્રગ્ઝ જપ્ત
મુંદરાના આ CFSમાં સિરિયાથી આવેલું એક કન્ટેઈનર પડ્યું હતું. કસ્ટમના ચોપડા પર તેમાં ઘેટાનું ઉન હોવાનું જાહેર કરાયેલું. આ કન્ટેઈનર અહીંથી અન્ય કોઈ અખાતી દેશમાં મોકલવાનું હતું. કન્ટેઈનરની તપાસ કરવામાં આવતાં તેમાં રહેલાં ત્રણ મોટાં કોથળાઓમાંથી ૧૯૬.૨ કિલોગ્રામ કેપ્ટાગોન પાઉડર મળી આવ્યો હતો.
આ મહત્વના મુદ્દે હાથ ધરાઈ તપાસ
અખાતી દેશોમાં આ ડ્રગ્ઝ સપ્લાય કરવા માટે ભારતીય બંદરોનો ટ્રાન્ઝીટ રૂટ તરીકે ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું છે. ભારતમાં પ્રથમવાર આ ડ્રગ્ઝ ઝડપાયું છે. આ ડ્રગ્ઝ કોણે મોકલેલું અને ક્યાં જતું હતું, સમગ્ર લોજિસ્ટીક ચેઈન શું છે, રીસીવર કોણ છે, નાણાંની લેવડદેવડની હવાલા લિન્ક સહિતના મુદ્દે NCBએ ગહન તપાસ હાથ ધરી છે.
Share it on
|