કચ્છખબરડૉટકોમ, ભુજ (ઉમેશ પરમાર) ૮ વર્ષ અગાઉ ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં ભારે ચકચાર સર્જનારાં ૨૦૧૭ના નલિયા સામૂહિક દુષ્કર્મ કેસમાં આજે ભુજની સેશન્સ કૉર્ટે તમામ આઠ આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યાં છે. ભાજપના પૂર્વ નગરસેવક સહિતના પદાધિકારીઓને સાંકળતા આ ગેંગ રેપ કેસના લીધે ગુજરાતની રાજનીતિ પણ ભારે ગરમાઈ હતી. કોંગ્રેસે નલિયાથી ગાંધીનગર સુધી રેલી યોજી હતી અને કચ્છમાં આ રેલી પર ઠેર ઠેર પથ્થરમારો થયેલો. વાંચો વિગતવાર. જાણો શો હતો સમગ્ર ગેંગરેપ કેસ
૨૫-૦૧-૨૦૧૭ના રોજ નલિયા પોલીસ સ્ટેશનમાં આઠ આરોપીઓ સામે ઈપીકો કલમ ૩૭૬, ૩૭૬ ડી, ૩૭૬ (૨) (એેન), ૧૨૦-બી, ૩૫૪, ૩૨૮, ૩૪૨, ૩૬૫, ૫૦૬, ૫૦૬ (૨)ની કલમો તળે ગુનો દાખલ થતાં જ રાજકારણમાં જાણે ભૂકંપ આવ્યો હતો. અબડાસાની યુવતી કે જે મુંબઈ પરણેલી અને પતિ સાથે મનમેળ ના હોતા માતા જોડે રહેવા વતનમાં આવેલી તેણે ફરિયાદ નોંધાવેલી. બનાવનો સમયગાળો આગલા બે વર્ષ સુધીનો દર્શાવ્યો હતો.
યુવતીએ ફરિયાદમાં જણાવેલું કે તેને નોકરીની જરૂર હતી. માતાએ નલિયામાં શેરમાર્કેટનું કામકાજ કરતાં બબાશેઠ ઊર્ફે વિનોદકુમાર વિશનજી ઠક્કર (ઉ.વ. ૬૭)ને આ મામલે વાત કરીને તેમને મળવા લઈ ગયેલી.
બે દિવસ પછી બબાશેઠે તેને નલિયામાં ગેસ એજન્સી ચલાવતાં શાંતિલાલ દેવજીભાઈ સોલંકી (દરજી) (ઉ.વ. ૪૮)ને ત્યાં ૫૫૦૦ના પગારે નોકરીએ લગાડેલી. થોડાંક દિવસો બાદ દિવાળી નજીક હોઈ યુવતીએ અડધા પગારનો ઉપાડ માંગતાં શાંતિલાલે તેને બપોરે સાડા ત્રણ વાગ્યે પોતાના ઘરે આવી જઈ રૂપિયા લઈ જવા જણાવેલું.
કેફી પાણી પાઈને ત્રણે રેપ કરી ક્લિપ ઉતાર્યાનો આરોપ
યુવતી શાંતિલાલના ઘેર ગઈ ત્યારે શાંતિલાલ સિવાય ઘરમાં બીજું કોઈ નહોતું. શાંતિલાલે તેને ૩૫૦૦ રૂપિયા આપીને ઘેનયુક્ત ઠંડુ પાણી પીવડાવી દેતાં તે સોફા પર અર્ધબેહોશ થઈ ગઈ હતી. આ સમયે ઘરના બીજા રૂમમાંથી ભરત નરેન્દ્ર ચૌહાણ અને વિપુલ ઠક્કર નામના બે શખ્સો બહાર આવ્યાં હતાં.
ત્રણે જણે તેના પર વારાફરતી દુષ્કર્મ ગુજારેલું અને તેમના મોબાઈલમાં તેની વીડિયો ક્લિપ રેકોર્ડ કરી લીધી હતી.
મકાનમાં ત્રણેક કલાક ગોંધી રાખ્યાં બાદ ત્રણે જણે આ તો અમારો રોજનો ધંધો છે, તારે હવે ક્યાંય નોકરી કરવાની જરૂર નથી, પૈસાની જરૂર હોય ત્યારે આવી જજે અને અમે બોલાવીએ ત્યારે આવી જજે કહીને આ અંગે કોઈને વાત કરી તો વીડિયો ક્લિપ વાયરલ કરી દેવાની, તેમની રાજકીય માણસો અને પોલીસ જોડે ઓળખાણ હોવાની, રાજકીય માણસોની હવસ સંતોષવા અમે તારા જેવી છોકરીઓને સપ્લાય કરીએ છીએ કહીને ધાક-ધમકી આપેલી.
બબાશેઠે તેની દુકાનમાં દુષ્કર્મ આચર્યાનો આરોપ
બીજા દિવસે તેને નોકરીએ રખાવનાર બબાશેઠે તેને નલિયા બોલાવીને ગુસ્સે થઈને ‘તને સારી છોકરી સમજેલી પણ તું ખોટાં ધંધા કરવા માંડી’ કહી વીડિયો ક્લિપ બતાવેલી અને બાદમાં તેની દુકાનમાં બળાત્કાર કર્યો હતો. આ સમયે પોતે બચવા માટે ટેબલ પર પડેલું કટર બબાશેઠના હાથમાં મારી દીધેલું. તે અંગે જાણ થતાં શાંતિલાલે તેને પોતાની ગેસ એજન્સીની ઑફિસે બોલાવેલી. શાંતિલાલ, ભરત અને વિપુલે અશ્લીલ વીડિયો ક્લિપ તેના પતિને મોકલી આપવાની ધમકી આપેલી.
ભુજ લોહાણા વાડીના કેન્ટિન સંચાલક પર આરોપ
આ ઘટના બાદ અલગ અલગ લોકો દ્વારા દુષ્કર્મનો સિલસિલો શરૂ થયેલો. યુવતીએ જણાવેલું કે શાંતિલાલ એકવાર કારમાં તેને દરિયાકાંઠે લઈ ગયેલો. કાર બબાશેઠનો પુત્ર વિનોદ ઠક્કર ચલાવતો હતો. આ સમયે બેઉ જણે ચાલતી કારે વારાફરતી રેપ કરેલો.
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ભુજની લોહાણા મહાજન વાડીમાં કેટરીંગનો કોન્ટ્રાક્ટ ધરાવતો કોઠારાનો અતુલ ઠક્કર અને નલિયાની પાયલ નામની યુવતી સેક્સ રેકેટ ચલાવે છે.
આવા વગદાર ૬૫ લોકોનું ગૃપ છે જેમણે અશ્લિલ વીડિયો ક્લિપ ઉતારીને ૩૫થી ૪૦ યુવતીઓને ચુંગાલમાં ફસાવેલી છે, જેમાં કોલેજની યુવતીઓ પણ સામેલ છે. ભુજની લોહાણા વાડીની કેન્ટિનમાં કામ કરતી ભાભી નામની મહિલા આ ગોરખંધંધાથી વાકેફ છે. પોતે અગાઉ અહીં કામ કરતી હતી અને એકવાર અહીંથી ગાડી ભરીને છોકરીઓને લઈ જવાયેલી તે જોઈને બીજા દિવસથી નોકરી મૂકી દીધી હતી.
વિવિધ હોટેલ અને સ્થળોએ રેપ થયાનો હતો આરોપ
પોતાની સાથે નલિયામાં શાંતિલાલના સફેદ બંગલામાં, બબાશેઠની દુકાનમાં, નખત્રાણામાં અશ્વિન રવિલાલ સેજપાલ (ઠક્કર)એ તેના ફાર્મહાઉસમાં, ગાંધીધામના વસંત કરસનદાસ ચાંદ્રા (ભાનુશાલી), ગોવિંદ અર્જુનદાસ પારુમલાણી અને અજીત પારુમલ રામવાણી વગેરે અલગ અલગ આરોપીઓએ જુદાં જુદાં સમયે જુદાં જુદાં સ્થળે દુષ્કર્મ આચર્યું છે. આરોપીઓએ નખત્રાણાની ફન એન્ડ ફૂડ હોટેલ, માધાપરની રોયલ પેલેસ હોટેલ, ગાંધીધામના હોલિડે વિલેજ રીસોર્ટમાં પણ ગેંગ રેપ આચરેલો છે.
ભાજપના પ્રશિક્ષણ વર્ગ સમયે દુષ્કર્મનો આરોપ
૧૫, ૧૬ અને ૧૭ જૂલાઈ ૨૦૧૬ના ત્રણ દિવસ દરમિયાન માધાપરના યક્ષ મંદિર પાસે આયોજીત ભાજપના પ્રશિક્ષણ મહાઅભિયાન સમયે આરોપીઓએ તેનું ભાજપના પ્રતીક સાથેનું ઓળખપત્ર બનાવેલું અને દુષ્કર્મ ગુજારેલું. આવા ગંભીર આરોપોથી ભારે હોબાળો મચી ગયો હતો.
ગુનાની તપાસ માટે પોલીસે SITની રચના કરેલી
આ ઘટનાને ગંભીરતાથી લઈ તત્કાલિન પોલીસ અધીક્ષક મકરંદ ચૌહાણે લોકલ ક્રાઈમ બ્રાન્ચના તત્કાલિન પીઆઈ જે.એમ. આલની અધ્યક્ષતામાં પાંચ પીએસઆઈની એક ખાસ તપાસ ટીમની રચના કરેલી. જેમાં નખત્રાણાના પીએસઆઈ એલ.પી. બોડાણા, નલિયા પીએસઆઈ ડી.એમ. ઝાલા, એલસીબીના પીએસઆઈ વાય.બી. ગોહિલ, દયાપર પીએસઆઈ ટી.એ. ગઢવી, પેરોલ ફર્લો સ્ક્વૉડના મહિલા પીએસઆઈ આર.જે. સિસોદીયાની મેમ્બર તરીકે નિયુક્તિ કરાયેલી. પોલીસે ફરિયાદીના કપડાં, સંબંધિત સ્થળોએ તપાસ કરી પંચનામા, પૂરાવા તરીકે વિવિધ જગ્યાના સીસીટીવી ફૂટેજ વગેરે પૂરાવા કબજે કર્યાં હતાં. પીડિતાએ બનાવના પગલે તણાવમાં આવી, પતિને ઉદ્દેશીને સ્યુસાઈડ નોટ લખીને મુંબઈમાં ઝેરી દવા પીને આપઘાત કરવા પ્રયાસ કરેલો તે સ્યુસાઈડ નોટ, ફરિયાદ દાખલ કરવા આઈજી અને એસપીને કરેલી અરજીઓ, ટીવી મીડિયામાં આપેલાં ઈન્ટરવ્યૂની વીડિયો ક્લિપ, આરોપીઓના મોબાઈલના કૉલ ડીટેઈલ રેકોર્ડ વગેરે પૂરાવા એકત્ર કર્યાં હતાં. પીડિત યુવતીનું નલિયા મેજિસ્ટ્રેટ સમક્ષ CrPC ૧૬૪ હેઠળ વિશેષ નિવેદન નોંધાવડાવ્યું હતું.
૬૨ સાક્ષી અને ૧૫૧ દસ્તાવેજી પૂરાવા રજૂ થયેલાં
૧૬-૦૪-૨૦૧૮થી ચાર્જફ્રેમ થવા સાથે કેસની ટ્રાયલ શરૂ થયેલી. પોલીસે કુલ ૬૨ સાક્ષીઓ અને ૧૫૧ દસ્તાવેજી પૂરાવા રજૂ કર્યાં હતાં. ગુજરાત સરકારે કેસની સુનાવણી માટે વિશેષ સરકારી વકીલ તરીકે કે.સી. ગોસ્વામીની નિમણૂક કરેલી.
ટ્રાયલના પ્રારંભે જ પીડિતા જુબાનીમાં ફરી ગયેલી
ટ્રાયલ શરૂ થતાં કેસની મુખ્ય સાક્ષી એવી ફરિયાદી યુવતી જ પોતાની સાથે કોઈ ગેંગ રેપ થયો ના હોવાનું જણાવીને ફરી ગઈ હતી. તેને હોસ્ટાઈલ જાહેર કરાયેલી. એટલે સુધી કે દુષ્કર્મ પીડિતા તરીકે તેને રાજ્ય સરકાર તરફથી મળેલાં ૨.૫૦ લાખ રૂપિયા અને ૨૦ હજાર રૂપિયા રેપ વિક્ટીમ તરીકે મળ્યાં હોવા અંગે અજાણતા વ્યક્ત કરેલી. મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલા નિવેદનમાં ફક્ત તેની સહી જ લેવાઈ હોવાનું તેણે જણાવેલું.
માધાપરના રાજાણીના કહેવાથી સહીઓ કરેલી
આ બધા માટે તેણે માધાપરના રાજાણીભાઈ પર દોષનો ટોપલો ઢોળતાં જણાવ્યું હતું કે ગેંગ રેપ થયા અંગેની અરજી રાજાણીભાઈએ તૈયાર કરેલી અને તેમાં ફક્ત તેની સહી લીધેલી. અરજીમાં શું લખ્યું છે તે અંગે તે કંઈ જાણતી નહોતી. બાદમાં રાજાણીભાઈ તેને કૉર્ટમાં લઈ ગયેલાં અને વિવિધ કાગળોમાં સહીઓ કરાવી હતી. પરંતુ, કશી સમજણ આપી નહોતી. એટલે સુધી કે ભુજોડી ખાતે રાજાણીના ફાર્મ હાઉસમાં રાજાણીના કહેવાથી ટીવી મીડિયા સમક્ષ પોતાના પર સામૂહિક દુષ્કર્મ આચરાયું હોવાના ઈન્ટરવ્યૂ આપ્યાં હતાં. કૉર્ટે ઈન્ટરવ્યૂની ક્લિપ બતાવતાં- સંભળાવતાં ઈન્ટરવ્યૂમાં પોતાનો ચહેરો દેખાતો ના હોવાનું અને અવાજ પોતાનો ના હોવાનું કહી દીધું હતું.
યુવતીનો પરિવાર અને અન્ય પંચો પણ હોસ્ટાઈલ
ફરિયાદી યુવતીના માતા, પિતા અને પતિ પણ તેમની જુબાનીમાંથી ફરી ગયેલાં. સરકારી વકીલ અને બચાવ પક્ષે માતાની ઉલટતપાસ કરતાં તેણે વિરોધાભાસી જુબાની આપેલી. બાકીના અન્ય તમામ પંચો સાક્ષીઓએ પોતે કશું જાણતાં ના હોવાનું અને પોલીસે કાગળિયામાં સહી કરાવી લીધી હોવાની જુબાની આપીને હોસ્ટાઈલ જાહેર થયેલાં.
તપાસકર્તા અધિકારીની જુબાનીઃ સજ્જડ પૂરાવા નથી
ગુનાની તપાસ કરનાર તત્કાલિન પીઆઈ જે.એમ. આલે કૉર્ટમાં જણાવ્યું હતું કે તેમણે જપ્ત કરેલાં પૂરાવામાંથી આરોપીઓના ગુનાને પૂરવાર કરતો કોઈ સજ્જડ પૂરાવો મળ્યો નથી. એફએસએલમાંથી પણ કોઈ સજ્જડ પૂરાવો નથી મળ્યો. સીસીટીવી ફૂટેજથી પણ તેને કોઈ બળજબરીથી હોટેલમાં કે મકાનમાં લઈ ગયું હોય તેવું સ્પષ્ટ થતું નથી. આરોપીઓના મોબાઈલમાંથી કોઈ અશ્લીલ વીડિયો ક્લિપ મળી નથી. પોતે ફરિયાદને અનુલક્ષીને ફરજના ભાગરૂપે ગુનાની તપાસ કામે લોકોના નિવેદનો, સાધનો, ઉપકરણો વગેરે જપ્ત કર્યાં છે.
વિપુલ ઠક્કર અને પાયલ રહસ્યમય જ રહ્યાં
આ કેસમાં યુવતીએ જણાવેલાં વિપુલ ઠક્કર અને પાયલ નામની યુવતી રહસ્યમય જ બની રહ્યાં. પોલીસને તેમના અસ્તિત્વ અંગે કશી ભાળ મળી નહોતી. પોલીસે વિપુલ ઠક્કર નામના શખ્સના વર્ણનના આધારે ૪૨ અલગ અલગ રેખાચિત્ર (સ્કેચ) તૈયાર કરીને યુવતીને બતાવ્યાં હતા પરંતુ તેણે તે વિપુલ ઠક્કર હોવાનો ઈન્કાર કર્યો હતો.
શંકાનો લાભ આપી તમામ આરોપી નિર્દોષ જાહેર
ભુજના પાંચમા અધિક સેશન્સ જજ વી.એ. બુધ્ધે બંને પક્ષોની સુનાવણી અને પૂરાવાને અનુલક્ષીને ૬ઠ્ઠી જાન્યુઆરીના રોજ કેસનો ચુકાદો અનામત રાખ્યો હતો જે આજે જાહેર કર્યો છે. ૬૯ પાનાનાં લંબાણભર્યાં જજમેન્ટમાં જજે આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ ઠેરવી છોડી મૂકતાં જણાવ્યું કે આવા ગુનામાં નજરે જોનાર સાક્ષી કે ત્રાહિત સાક્ષી ના હોઈ ફરિયાદીની જુબાની પર જ કેસનો આધાર રહેતો હોય છે. કેસમાં પીડિતાએ જ ફરિયાદથી વિપરીત હકીકતો જણાવેલી છે તેથી આ ગુનો નિઃશંકપણે પૂરવાર થતો નથી. કૉર્ટે બબાશેઠ ઊર્ફે વિનોદ ઠક્કર, ચેતન વિનોદભાઈ ઠક્કર, અશ્વિન રવિલાલ સેજપાલ (ઠક્કર), ભરત નરેન્દ્રભાઈ ચૌહાણ (દરજી), શાંતિલાલ દેવજીભાઈ સોલંકી (દરજી), વસંત કરસનદાસ ચાંદ્રા (ભાનુશાલી), ગોવિંદ અર્જુનદાસ પારુમલાણી અને અજીત પારુમલ રામવાણીને નિર્દોષ છોડી મૂક્યાં છે.
Share it on
|