|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ સોશિયલ મીડિયાના માધ્યમથી ભુજમાં બેઠાં બેઠાં સસ્તાં સોનાના નામે દેશભરના લોકોને ભુજ બોલાવી ઠગાઈ કરવાનું વધુ એક ગુનાહિત પ્રકરણ પોલીસના ચોપડે ચઢ્યું છે. ભુજના ઠગોએ નકલી નામ ધારણ કરીને, રાજસ્થાનના એક વેપારીને ભુજ બોલાવી ૨૮ લાખની છેતરપિંડી કરી છે. એક વર્ષ અગાઉ થયેલા ચીટીંગ અંગે પોલીસે ફરિયાદ દાખલ કરીને મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. સૌથી સરાહનીય બાબત એ છે કે આરોપીએ ઠગેલી પૂરેપૂરી ૨૮ લાખની રોકડ રકમ પોલીસે રીકવર કરી છે.
રાજસ્થાનના વેપારીને ભુજ બોલાવી ઠગાઈ કરેલી
રાજસ્થાનના બ્યાવરમાં માવા અને પનિરનો વેપાર કરતા ૫૩ વર્ષિય નિત્યાનંદ ઉપાધ્યાય ફેસબૂક પર ભાવેશ સોની નામના શખ્સે બજારભાવ કરતાં દસ પંદર ટકા સસ્તાં દરે સોનુ મળવાની મૂકેલી પોસ્ટ જોઈને ઠગોની જાળમાં સપડાયાં હતા. ઠગોએ તેમને મળવા ભુજ બોલાવેલા. ફરિયાદી ૨૫ એપ્રિલ ૨૦૨૪ના રોજ તેમના પત્ની સાથે ભુજ આવેલાં. ભાવેશ સોની તેમને ક્રેટામાં બેસાડીને તેના બોસ રીયાઝ શેખના એરપોર્ટ રોડ પર આવેલા ફાર્મ હાઉસ ખાતે મળવા લઈ ગયેલો.
રીયાઝે ઓછામાં ઓછું એક કિલો સોનુ ખરીદવું પડશે તેમ કહીને ૫૪ લાખમાં એક કિલો ગોલ્ડ આપવાની ઑફર કરેલી.
ફરિયાદી પાસે તત્કાળ રૂપિયાની સગવડ થાય તેમ ના હોઈ રીયાઝે એડવાન્સમાં ૨૮ લાખ રૂપિયા આપવા અને ગોલ્ડની ડિલિવરી મળ્યે બાકીના ૨૬ લાખ રુપિયા ચૂક્તે કરી દેવાની ઑફર કરેલી. ફરિયાદીએ આ ડીલ અંગે તેના બનેવી અમિત શર્મા (રહે. ભીલવાડા, રાજસ્થાન)ને વાત કરેલી.
અમિતે બીજા દિવસે ૨૮ લાખ રૂપિયાની વ્યવસ્થા કરી દીધેલી. રીયાઝનો માણસ અંકુર જોશી ભીલવાડામાં અમિત શર્માના ઘરે જઈને રૂપિયા લઈ આવેલો.
પેમેન્ટ મળ્યાં બાદ રીયાઝે ફરિયાદી સાથે તેનો માણસ ગોલ્ડ લઈને આવતો હોવાનું અને ઘરે પહોંચીને ૨૬ લાખ રુપિયા મળ્યે માલની ડિલિવરી આપી દેશે તેમ જણાવેલું. જો કે, ફરિયાદીએ રીયાઝના માણસને પોતાની સાથે લઈ જવાનો અને ભુજથી પ્રાઈવેટ ગાડી કરી રાજસ્થાન જવાનો ઈન્કાર કરી પોતે રાજસ્થાન પહોંચીને તેને જાણ કરશે તેમ કહેલું.
ફરિયાદી ટ્રાવેલ્સની બસમાં બીજા દિવસે રાજસ્થાન પહોંચેલો પરંતુ રીયાઝનો માણસ ગોલ્ડની ડિલિવરી કરવા આવ્યો નહોતો. ઠગોએ બહાના કરીને આજ દિન સુધી ના નાણાં પરત આપેલા કે ના ગોલ્ડ.
પોલીસ ફરિયાદ કરવા ગયેલા નિત્યનંદને પોલીસે ચીટીંગ કરનાર રીઢા ઠગોના ફોટોનું આલ્બમ બતાડતાં ભાવેશ સોની નામ ધારણ કરનારો હકીકતે સલમાન ગુલામશા સૈયદ અને રીયાઝ શેખ બનનારો વાસ્તવમાં હુસેન ઊર્ફે ભાભા ત્રાયા હોવાનું સ્પષ્ટ થયું હતું. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે હુસેન ત્રાયાની ધરપકડ કરીને ૨૮ લાખની રોકડ રીકવર કરી છે.
Share it on
|