click here to go to advertiser's link
Visitors :  
15-Jul-2024, Monday
Home -> Vishesh -> Mundra Sopari Todkand Now Kutch police exposes racket of areca nut smuggling
Friday, 27-Oct-2023 - Bhuj 57710 views
સોપારી તોડકાંડમાં હવે ફરિયાદીના સોપારી સ્મગલિંગના ગોરખધંધાનો પર્દાફાશ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ મુંદરાના ચકચારી સોપારી તોડકાંડમાં હવે ફરિયાદી અનિલ તરુણ પંડિત સહિત ૬ શખ્સો દાણચોરીથી ભારતમાં ઘૂસાડાતી કરોડો રૂપિયાની સોપારી બોગસ દસ્તાવેજો ઊભાં કરી કેવી રીતે ભારતમાં વેચી મારતાં હતા તેના કૌભાંડનો પર્દાફાશ થયો છે. જે કૌભાંડ કેન્દ્ર સરકારના કસ્ટમ કે ડિરેક્ટોરેટ ઑફ રેવન્યૂ ઈન્ટેલિજન્સે શોધવાનું હોય તે કૌભાંડ કચ્છ પોલીસે શોધી કાઢ્યું છે.

 

તોડકાંડ અને પછીના ઘટનાક્રમનો ફ્લેશબૅક

ગાંધીધામના અનિલ પંડિતે ૨૭ જૂને રેન્જ આઈજી કચેરીએ જઈ અરજી આપી હતી કે અઢી મહિના અગાઉ ૧૩ એપ્રિલની રાત્રે તેની સોપારી ભરેલી એક ટ્રક નંબર GJ-12 BW-2552ને મુંદરા ઝીરો પોઈન્ટ પર સાયબર ક્રાઈમના ચાર પોલીસ કર્મચારીઓએ અટકાવી હતી. ત્યારબાદ ગોડાઉન પર જઈ તેને સીલ મારી દેવાની ધમકી આપેલી. ગોડાઉન મેનેજર આશિષ છાભૈયાને બોલાવી તેને ગાડીમાં બેસાડી દઈ અપહરણ કરીને પતાવટ કરવા માટે પાંચ કરોડની માંગણી કરેલી. અંતે ૩.૭૫ કરોડ રૂપિયામાં પતાવટ કરવાનું ફાઈનલ થયેલું. આ રકમ એક સપ્તાહની અંદર પહોંચતી કરી દીધેલી. મામલાને ગંભીરતાથી લઈ રેન્જ આઈજીએ તુરંત સાયબર સેલના પીએસઆઈને તપાસ સોંપેલી અને પ્રાથમિક તપાસમાં પોલીસ કર્મચારીઓની સંડોવણી હોવાનું સ્પષ્ટ થતાં તેમને સસ્પેન્ડ કરી ડાંગમાં ટ્રાન્સફર કરી દેવાયેલાં.

ચારે તોડબાજ પોલીસ કર્મચારીઓ અનિલ પંડિત જેવો રેન્જ આઈજી ઑફિસે પહોંચ્યો તે દિવસથી ભૂગર્ભમાં ઉતરી ગયાં છે, મામલો રફેદફે કરવા અનિલ પંડિતને ભાઈ-બાપા કરીને તેમણે તોડના રૂપિયા પરત કરી દીધાં હતાં.

રેન્જ આઈજીએ સમગ્ર પ્રકરણ અંગે તલઃસ્પર્શી તપાસ શરૂ કરાવેલી. દરમિયાન, રૂપિયા પાછાં મળી જતાં અનિલ પંડિતે પોતાને કોઈ ફરિયાદ નોંધાવવી નથી તેમ કહીને ‘છટકવા’ પ્રયાસ કરેલો. પરંતુ, જમાનાના ખાધેલ રેન્જ આઈજીએ તેને ફરિયાદ દાખલ કરવા સમજાવી લઈ ૧૦-૧૦-૨૦૨૩ના રોજ મુંદરા પોલીસ મથકે ચારે પોલીસ કર્મચારી અને પતાવટમાં મધ્યસ્થી બનેલાં પંકિલ મોહતા, શૈલેન્દ્રસિંહ સોઢા ઊર્ફે ભાણુભા સામે વિધિવત્ ફોજદારી ફરિયાદ દાખલ કરાવી હતી.

DySPની તપાસમાં સોપારી સ્મગલિંગનો પર્દાફાશ

પોલીસની તપાસમાં કેન્દ્રસ્થાને એક જ મુદ્દો રહ્યો હતો કે એવું તો શું કૌભાંડ હતું કે તોડ માટે પોણા ચાર કરોડ રૂપિયા ચૂકવાયાં અને માલ સગેવગે થઈ ગયાંની ખાતરીના અઢી મહિને પંડિત તોડની ફરિયાદ લઈને આવ્યો. પંડિતે ફરિયાદ નોંધાવવા માટે જે અરજી અને પૂરાવા આપેલાં તે મામલે અંજાર DySP એમ.પી. ચૌધરીને તપાસ સોંપાયેલી. તેમની તપાસમાં ભાંડો ફૂટ્યો છે કે ફરિયાદી અને અન્ય આરોપીઓ દાણચોરી કરી વિદેશથી આયાત કરેલી સોપારી ખોટાં આધાર પૂરાવા ઊભાં કરી ભારતમાં જ વેચી મારતાં હતાં.

જાણો, આ રીતે ચાલતું હતું સમગ્ર રેકેટ

પોલીસે દસ્તાવેજો ચેક કર્યાં તો સ્પષ્ટ થયું કે નાગપુરની બે અલગ અલગ પેઢી અને રાજકોટના નવાગામની એક પેઢીમાંથી સોપારીનો જથ્થો ભરેલી પાંચ ટ્રક મોહિત એન્ટરપ્રાઈઝ, મુંદરાના નામે આવેલી અને આ જથ્થો પંડિતના ગોડાઉનમાં સ્ટોર કરાયેલો. એ જ દિવસે આ જથ્થો ત્રણ ટ્રકોમાં ભરી દિલ્હીની સાગર ગ્લાસ ટ્રેડર્સ નામની પેઢી અને એક ટ્રક બીજા દિવસે નાગપુરની પેઢીને રવાના કરાયેલો. પોલીસે ટેક્સ ઈનવોઈસ ચેક કરતાં સોપારીના જથ્થાની આવક અને જાવકમાં મોટો તફાવત જણાયેલો.

જે ટ્રકોમાં સોપારીનો જથ્થો મુંદરા આવેલો તે ટ્રકોના આવાગમન મામલે પોલીસે મોખા ટોલનાકાના કર્મચારીઓનું નિવેદન લેતાં આ નંબરની ટ્રકો અહીંથી પસાર થઈ જ નથી!

પોલીસે નવાગામની સી.પી. ટ્રેડર્સ પેઢી કે જ્યાંથી સોપારીની આવક દર્શાવાયેલી તે પેઢીના ભરત ભાનુશાળી અને ટ્રક ડ્રાઈવર વિજય શામજીની પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું કે તેમણે મુંદરા મોકલેલી ટ્રક ખાલીખમ હતી, તેમાં સોપારીનો કોઈ જથ્થો ભરેલો જ નહોતો!

એક ટ્રકના માલિક ફિરોજ વલીમામદે પોલીસને કહ્યું કે તેની માલિકીની કોઈ ટ્રક તેણે મુંદરા મોકલેલી જ નથી!

નાગપુર ને નવાગામથી સોપારીની આવકના રજૂ થયેલાં ટેક્સ ઈન્વોઈસ અને ઈ-વે બિલ બોગસ હોવાનું પૂરવાર થઈ ગયું. પોલીસે મુંદરાની મોહિત એન્ટરપ્રાઈઝ નામની પેઢીના સ્થાનિક કર્મચારી બ્રિજપાલસિંહ રણજીતસિંહ સાહનીની પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે મોહિત પ્રદીપભાઈ માખીજા પેઢીનો પ્રોપરાઈટર છે, મુંબઈનો હિમાંશુ ભદ્રા (ભાનુશાલી) અને મેહુલ ભદ્રા બેઉ જણ પેઢી ઓપરેટ કરે છે.

બોગસ ડોક્યુમેન્ટના આધારે આ પેઢીએ ફેબ્રુઆરીથી સપ્ટેમ્બર ૨૦૨૩ના સમયગાળામાં ૨૧.૪૮ કરોડની સોપારીના જથ્થાનું વેચાણ કરેલું છે.

બ્રિજપાલસિંહ પોતે સોપારી અંગેની માહિતી સી.એ.ને મોકલતો અને સી.એ. તેના આધારે ટેક્સ ઈન્વોઈસ તથા ઈ-વે બિલ મોકલતો. વિદેશથી સ્મગલ કરાયેલી સોપારીનો જથ્થાનો બારોબાર ‘વહીવટ’ કરવાના હેતુથી આરોપીઓએ એકમેક સાથે સુવ્યવસ્થિત પ્લાનીંગ કરેલું. સ્મગલિંગ કરી લવાયેલી સોપારી ફરિયાદી અનિલ પંડિતના ગોડાઉનમાં સ્ટોર કરાતી. બાદમાં નાગપુર અને નવાગામની પેઢીઓ પાસેથી ચોપડા પર સોપારી ખરીદી, આવકના બોગસ દસ્તાવેજો ઊભાં કરી ગોડાઉનનો સ્ટોક દર્શાવીને આ સોપારી બાદમાં દિલ્હી અને નાગપુરની પેઢીઓમાં વેચી મરાતી.

ફરિયાદીએ આપેલા પૂરાવા અને દસ્તાવેજોની ગહન તપાસમાં જ સોપારીની દાણચોરીના રેકેટનો પર્દાફાશ થયો છે.

DySP ચૌધરીએ સરકાર તરફે ફરિયાદી બનીને અનિલ પંડિત તથા તેના પાર્ટનર દિનેશ માસ્ટર અને સુરેખા શેઠ, મોહિત એન્ટરપ્રાઈઝના મોહિત માખીજા, હિમાંશુ ભદ્રા, મેહુલ ભદ્રા સામે ઈપીકો કલમ ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ અને ૧૨૦-બી હેઠળ ગત મધરાત્રે મુંદરા પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો છે.

કચ્છખબરે આ જ મામલે અગાઉ સવાલ ઉઠાવેલાં

મુંદરા સોપારી તોડકાંડમાં ચાર પોલીસમેન સહિત છ લોકો સામે ફરિયાદ દાખલ થયાના બીજા દિવસે ૧૧ ઓક્ટોબરે કચ્છખબરે ‘બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી સોપારીકાંડ અંગે ઉઠતાં અનેક તર્કવિતર્ક’ શીર્ષક પ્રગટ કરેલાં અહેવાલમાં જે સવાલો ઉઠાવ્યાં હતાં તેમાંના મોટાભાગના સવાલોનો જવાબ મળી ગયો છે. જો કે, પોણા ચાર કરોડના મની ટ્રેઈલનો મુદ્દો હજુ નિરુત્તર રહ્યો છે, તમામ આરોપીઓ પકડાયાં બાદ તેનો ખુલાસો થશે.

આઈજી કોઠીનો કાદવ સંપૂર્ણ સાફ કરીને જ જશે!

સ્મગલિંગ કરેલી સોપારીનો માલ પકડાય નહીં તે માટે પહેલાં પોણા ચાર કરોડ રૂપિયા અપાયાં, માલ સગેવગે કર્યાંની ખાતરી બાદ અઢી મહિને પોણા ચાર કરોડ પરત લેવા પોલીસને રજૂઆત કરાઈ. તોડની રકમ તો પોલીસવાળાઓએ ગભરાઈને પાછી આપી દીધી પરંતુ પોલીસે તોડની ફરિયાદ નોંધાવનારના ગોરખધંધાનો પણ પર્દાફાશ કરી દીધો છે.

તોડકાંડમાં રેન્જ આઈજી મોથલિયાના આદેશથી ચાલી રહેલી તટસ્થ અને કડક કાર્યવાહીથી બચવા અગાઉ કેટલાંક આરોપીઓએ તેમના પર કાદવ ઉછાળવા પ્રયાસ કરેલો. જેથી વિવાદ થાય અને સરકાર આઈજીની બદલી કરી દે અથવા આ કેસની તપાસ અન્ય એજન્સીને સુપ્રત કરી દે. પરંતુ, તેમના મેલી મુરાદ બર આવી નથી. 

ફરિયાદ બાદ ફરાર થઈ ગયેલાં એક પોલીસકર્મીએ પોલીસ સમક્ષ હાજર થવાના બદલે તેની પત્ની મારફતે ડીજીને લેખિત રજૂઆત કરાવી છે, કૉર્ટમાંથી સર્ચ વોરન્ટ કઢાવ્યું છે! પાછી આવી ‘રમત’નો અપપ્રચાર કરવા માટે પત્રકારના સ્વાંગ સજીને ફરતાં તોડબાજ તત્વોને પણ સાધી રખાયાં છે! થોડાંક સમય અગાઉ ‘છાપેલાં કાટલાં’ સમાન એક તોડબાજ કથિત પત્રકારને પોલીસે ‘ઉપાડી’ને પૂછપરછ પણ કરેલી. તોડકાંડના ફરિયાદી પંડિતને પોતે પણ ફીટ થશે તેવી ગંધ આવી જતાં તાજેતરમાં તેણે હાઈકૉર્ટમાં તપાસ એજન્સી બદલવા રજૂઆત કરી છે! તેમાં રજૂઆત કરાઈ છે કે  આ કેસમાં નિવેદન લેવાના નામે તેને અને તેના પાંચ કર્મચારીને મુંદરા, ડીસા, થરાદ અને અંજાર એમ અલગ અલગ સ્થળે નિવેદન લેવાના નામે બોલાવી હેરાનગતિ કરાઈ રહી છે.

આરોપીઓ ચામડી બચાવવા હવાતિયાં મારે છે

બેદાગ અને નિર્વિવાદ કારકિર્દી ધરાવતાં આઈજી પર કાદવ ઉછાળીને પોતાની ચામડી બચાવવા માંગતા સ્મગલરો અને પોલીસના જ તોડબાજ તત્વો તેમના પાયા વગરના તર્ક-વિતર્કની આરોપબાજી કરે છે પણ કોઈ સબળ સજ્જડ હકીકત જણાવી શકતાં નથી. નિશ્ચિત સમયગાળા અને ભાવિ ચૂંટણી સંદર્ભે મોથલિયાની બદલી નક્કી છે પરંતુ બદલી પૂર્વે કોઠીમાં રહેલો કાદવ મદહઅંશે સાફ કરી દેવાનો તેમણે નિર્ધાર કર્યો છે તે પણ આ નવા ઘટનાક્રમથી સ્પષ્ટ થઈ ગયું છે.

Share it on
   

Recent News  
ઉપ સરપંચના હત્યા કેસમાં પેરોલ પર ફરાર થઈ ગાંધીધામમાં ગુના આચરતો રીઢો ગુંડો ઝબ્બે
 
સયાજીનગરી અને બાંદ્રા-ભુજ સુપરફાસ્ટ સહિત ૪૬ ટ્રેનોમાં વધારાના ૯૨ જનરલ કોચ જોડાયા
 
ભુજના પૂર્વ SDM જોશીનું જમીન કૌભાંડઃ ૪ કેસમાં જમીનો ગેરકાયદે નિયમિત કરી આપેલી