|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છના દલિત સાંસદના કાર્યક્રમમાં, દલિત આગેવાનો અને લોકોની ઉપસ્થિતિ વચ્ચે જાહેર મંચ પરથી દલિતો વિશે અપમાનજનક ટીપ્પણી કરવાના ગુનામાં કહેવાતા લોકગાયક યોગેશ બોક્ષાને ક્લિનચીટ મળી ગઈ છે. એટ્રોસિટી એક્ટ તળે દાખલ થયેલાં ગુનામાં તપાસ અધિકારીએ ભુજ સેશન્સ કૉર્ટમાં ‘સી સમરી’ રજૂ કરી હતી. જેને કૉર્ટે ગ્રાહ્ય રાખતાં બોક્ષાને આ કેસમાં ક્લિનચીટ મળી ગઈ છે. સી સમરી એટલે શું?
સીઆઈડી ઈન્ટેલિજન્સના નાયબ કમિશનરપદેથી નિવૃત્ત થયેલાં ગુજરાતના વરિષ્ઠ પોલીસ અધિકારી શ્રી. જે.વી. ઝાલા લિખિત પુસ્તક ‘પ્રોસિઝર એન્ડ સ્કીલ ઑફ ઈન્વેસ્ટિગેશન’ મુજબ જ્યારે FIR હકીકતની ભૂલથી અથવા ગેરસમજથી પરંતુ બદઈરાદા વગર શુધ્ધ બુધ્ધિથી આપી હોય અને ખરેખર ગુનો બન્યો નથી તેવું તપાસમાં બહાર આવે ત્યારે વર્ગ ક (સી) સમરી માંગવામાં આવે છે.
આ લોકોના નિવેદનના આધારે પોલીસે ભરી સી સમરી
ગુજરાતભરના દલિતોમાં ભારે આક્રોશ સર્જનાર આ ઘટનામાં દાખલ થયેલી એટ્રોસિટીની ફરિયાદ અન્વયે ગુનાની તપાસ પશ્ચિમ કચ્છ એસસી એસટી સેલના નાયબ પોલીસ અધીક્ષક એમ.જે. ક્રિશ્ચિયને કરી હતી. યોગેશ બોક્ષા હકીકતમાં ‘ઢે.. બજાણિયા’ નહીં પરંતુ ‘ડેગ બજાણિયા’ શબ્દ બોલ્યો હતો તેવી છ જેટલાં સાક્ષીઓના નિવેદનોના આધારે ઓક્ટોબર ૨૦૨૪માં પોલીસે કૉર્ટમાં સી સમરી રિપોર્ટ ફાઈલ કરેલો. જેને ભુજના આઠમા અધિક સેશન્સ જજ તુષાર એન. ખંધડીયાએ મંજૂર કર્યો છે.
જાણો શો હતો સમગ્ર બનાવ
૧૪-૦૫-૨૦૨૨ના રોજ ભુજના મિરજાપર ગામે કચ્છની અનુસૂચિત જાતિની અનામત બેઠક પરથી ચૂંટાયેલા સાંસદ વિનોદ ચાવડાના ટ્રસ્ટ દ્વારા નિર્મિત સમરસ કન્યા છાત્રાલયનું તે સમયના ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ થવાનું હતું. ભાજપની ચૂંટણી સભાઓમાં એકઠી કરાતી ભીડ બોરીંગ ભાષણોથી ભાગી ના જાય તે માટે તેમના મનોરંજન હેતુ યોજાતા ગીત સંગીતના કાર્યક્રમની જેમ અહીં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીનો અધ્યક્ષ યોગેશ બોક્ષા પ્રેક્ષકોની વારંવારની ફરમાઈશના પગલે આવેશમાં આવી જઈને વિવાદી વાક્ય બોલેલો.
ફરિયાદમાં લખાવાયેલું કે મંચ પરથી બોક્ષા એમ બોલેલો કે ‘આ તો ભારતીય જનતા પાર્ટી અને કેસરીયાના પ્રતાપે અહીં આવ્યો છું. બાકી તમે સોનાની સડકો કરો ને તો’ય આ ચારણ નો આવે.. આને ચાલું કરો ને આને ચાલું કરો એમ તમે ક્યો છો એમ અમે થોડી કંઈ વડવાંદરા છીએ..? અમે કંઈ ઢે... બજાણિયા છીએ..? અમે ચારણ બારોટ છીએ, અમને ફાવે તેમ કરીએ..’
બોક્ષાના આ નિવેદનનો વીડિયો સમગ્ર ગુજરાતમાં વાયરલ થયેલો.
FIR અને ધરપકડ કરવા આંદોલન થયેલાં
બોક્ષાએ સરાજાહેર દલિતોનું અપમાન કર્યું હોવાનું માનીને કાર્યક્રમમાં હાજર દલિતો ભડકેલાં. દલિતોનો આક્રોશ જોઈને બોક્ષા સ્ટેજ પરથી નાસી ગયેલો. આ મામલે પોલીસે તત્કાળ એફઆઈઆર ના નોંધતાં દલિત અધિકાર મંચે ભુજમાં એસપી કચેરી સમક્ષ આમરણાંત અનશન આંદોલન છેડેલું. વિરોધ બાદ પોલીસે એટ્રોસિટી એક્ટ તથા ઈપીકો કલમ ૧૫૩ એ હેઠળ એફઆઈઆર દાખલ કરેલી. દોઢ બે માસ સુધી બોક્ષાની ધરપકડ ના થતાં દલિત અધિકાર મંચે ૨૫-૦૬-૨૦૨૨ના રોજ અંજારના ખેડોઈ નજીક રોડ પર ટાયરો સળગાવીને ચક્કાજામ કરેલો. દરમિયાન, બોક્ષાએ પોતાની સામેની ફરિયાદ રદ્દ કરવા હાઈકૉર્ટમાં કરેલી અરજી અન્વયે કૉર્ટે તેની સામે કઠોર પગલાં (કૉઅર્સિવ એક્શન) ના લેવા હુકમ આપ્યો હતો.
બોક્ષા ખરેખર શું બોલેલો?
પોલીસે બોક્ષાના નિવેદનની ક્લિપ કલ્પેશ સોમાભાઈ વસાવા નામના અનુસૂચિત જનજાતિ અને વિનોદ બાબુભાઈ મહેશ્વરી નામના અનુસૂચિત જાતિના વ્યક્તિને સંભળાવીને બોક્ષા શું બોલ્યો છે તેનું શબ્દસઃ લેખીત નિવેદન લખાવેલું. જેમાં બેઉ જણે બોક્ષા ‘ડેગ બજાણિયા’ શબ્દ બોલ્યો હોવાનું લેખીતમાં જણાવેલું.
શાહબુદ્દિન રાઠોડ સહિતના લોકોના નિવેદન
પોલીસે આ મામલે જાણીતા લોક કથાકાર અને પદ્મશ્રી શાહબુદ્દિન રાઠોડ અને ગોપાલ જીવણભાઈ નામના બીજા કોઈ લોક સાહિત્યકાર સાથે ગટુભા લાલુભા, ભવાનીસિંહ મોરી નામના અન્ય લોકોના નિવેદનને પણ રિપોર્ટમાં ટાંકેલાં. જેમાં પોલીસે દાવો કર્યો હતો કે વાંસની લાકડી સામ સામે ગોઠવી, વચ્ચે દોરડું બાંધી દોરડાં પર સંતુલન જાળવીને ડગુમગું ચાલતાં નૃત્યકારને ઝાલાવાડ અને વાંકાનેરના લોકો ડેગ બજાણિયા તરીકે ઓળખે છે. તે ડગુમગું ચાલતો હોઈ તે ‘ડેગ ડેગ’ ચાલે છે તેમ કહેવાય છે. ઘણાં એવું કહે છે કે નીચે ‘ડેગ ડેગ’ના તાલમાં ઢોલક વાગતું હોઈ તે નટ બજાણિયો ‘ડેગ બજાણિયા ‘તરીકે પ્રયોજાય છે.
ફરિયાદીએ સી સમરી સામે વાંધો ઉઠાવેલો
પોલીસના સી સમરી રિપોર્ટ સામે ફરિયાદીએ કૉર્ટમાં વાંધો ઉઠાવીને પોલીસે યોગ્ય અને તટસ્થ તપાસ ના કરી હોવાનું અને કૉર્ટને ગેરમાર્ગે દોરતો તપાસ અહેવાલ રજૂ કર્યો હોવાની રજૂઆત કરેલી.
Share it on
|