|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામના કહેવાતો RTI એક્ટિવિસ્ટ રવિન્દ્ર સબ્બરવાલ પોતાનું પચાસ લાખનું મકાન એક કરોડમાં ખરીદવા અથવા પચાસ લાખ રોકડાં આપવાની માંગણી કરીને ૨૦૧૯થી હેરાન પરેશાન કરતો હોવાની એક બિલ્ડરે ફરિયાદ નોંધાવી છે. ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ખંડણી અને ધાક ધમકીની કલમો હેઠળ ફોજદારી ફરિયાદ દાખલ કરી છે. ગાંધીધામના વૉર્ડ 10-એમાં રહેતા ૫૯ વર્ષિય ફરિયાદી નૈષધ જેઠાલાલ ઠક્કર વ્યવસાયે કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર છે. ૨૦૧૧માં તેમણે મેઘપર બોરીચીમાં હોલિડે વિલેજ રીસોર્ટ પાછળ સર્વે નંબર ૧૩૬ સલોની બંગ્લોઝ નામે પ્લોટો પાડીને લેન્ડ ડેવલપીંગનો પ્રોજેક્ટ હાથ ધરેલો. અંજારના અશોક પલણ નામના પાર્ટનર સાથે મળી સલોની શેલ્ટર નામની ભાગીદારી પેઢીથી તેમણે પ્લોટ પર મકાન બનાવવા ઈચ્છતાં લોકોને મકાન બનાવી આપેલાં.
૨૦૧૩માં રશ્મિબા દિલીપસિંહ સોલંકીએ પ્લોટ નંબર ૨૯-૩૦ ખરીદેલ અને તેના પર તેમની પેઢીએ મકાન બાંધકામ કરી આપેલું.
૨૦૧૮માં રશ્મિબા પાસેથી આ મકાન રવિન્દ્ર સબ્બરવાલ, રીતુ સબ્બરવાલ અને રીના સબ્બરવાલે સંયુક્ત રીતે ખરીદ કર્યું હતું.
ક્લબ મેમ્બરશીપ મુદ્દે હેરાનગતિની કરી શરૂઆત
ઑગસ્ટ ૨૦૧૯માં રવિન્દ્ર સબ્બરવાલે ફરિયાદીને નોટિસ મોકલેલી કે ‘બુકિંગ વખતે ડેવલોપરે હોલિડે ક્લબની મેમ્બરશીપ ઑફર કરેલી, આ મેમ્બરશીપ અપાવો નહીં તો તમારી સામે પોલીસ સ્ટેશનમાં ચીટીંગની ફરિયાદ દાખલ કરાવીશ’ જો કે, ફરિયાદીએ તેને કોઈ દાદ આપી નહોતી. રશ્મિબા પાસેથી ખરીદેલી મિલકત અંગે મારે તમારી સાથે કોઈપણ વહેવાર થયેલો નથી તેવો વળતો જવાબ મોકલાવેલો. ૨૦૨૨માં રવિન્દ્ર ફરિયાદીની ઑફિસે આવેલો. તેણે ફરિયાદીને પોતાનું મકાન વેચાવી આપવા અથવા જાતે ખરીદી લેવા જણાવેલું.
મકાનની કિંમત અંદાજે પચાસ લાખ હતી પરંતુ રવિન્દ્રએ દલાલને પચાસ લાખમાં મકાન વેચવાનો ઈન્કાર કરી દીધો હતો.
ત્યારબાદ રવિન્દ્રએ ફરિયાદીના મિત્ર યોગેશ માવજીભાઈ ઠક્કર કે જે જૂની કૉર્ટ પાસે ઑફિસ ધરાવે છે તેને પકડેલો.
૧ કરોડમાં મકાન ખરીદો અથવા ૫૦ લાખ રોકડાં આપો
યોગેશે ફરિયાદીને પોતાની ઑફિસમાં મળવા બોલાવેલો. ત્યાં રવિન્દ્ર હાજર હતો. તે સમયે રવિન્દ્રએ ફરિયાદીને ‘મારું મકાન એક કરોડમાં ખરીદી લો અથવા મને પચાસ લાખ રોકડાં આપો તેવી માંગણી કરીને ધમકી આપેલી કે જો હું કહું તેમ નહીં કરો તો હું આરટીઆઈ એક્ટિવિસ્ટ છું. તમારી દીકરી સલોની ગાંધીધામ ડેવલોપમેન્ટ ઑથોરીટી (જીડીએ)માં નોકરી કરે છે તેની સામે નામજોગ ખોટી રજૂઆતો અને ફરિયાદો કરી બદનામ કરી નાખીશ’
ફરિયાદીની નોકરિયાત દીકરી સામે અરજીઓ કરેલી
રવિન્દ્રની ધમકીને ફરિયાદી વશ ના થતાં રવિન્દ્રએ તેમની દીકરી વિરુધ્ધ જીડીએમાં ખોટી અરજીઓ કરીને હેરાન પરેશાન કરવાનું શરૂ કરેલું. ૦૪-૦૬-૨૦૨૪ના રોજ ફરિયાદીએ મિત્ર યોગેશની ઑફિસે જઈને રવિન્દ્રની ખોટી અરજીઓથી પોતે કંટાળી ગયો હોવાનું જણાવતાં યોગેશે રવિન્દ્રને ફોન કરી, સ્પીકર મોડ પર વાત કરેલી. આ વાતચીતનું ફરિયાદીએ પોતાના ફોનમાં રેકોર્ડિંગ કરી લીધેલું.
રવિન્દ્રએ યોગેશને કહેલું કે ‘જો નૈષધ ઠક્કર મને એક કરોડ રૂપિયા આપે તો હું બધી રજૂઆતો અને ફરિયાદો પાછી ખેંચી લઈશ. મને બે દિવસમાં જવાબ આપજો નહીં તો હું હાઈકૉર્ટમાં કેસ દાખલ કરીશ અને સાત વર્ષની જેલની સજા કરાવીશ’
જૂલાઈ ૨૦૨૫માં ફરિયાદી કામસર ગાંધીધામ કૉર્ટમાં ગયેલા ત્યારે રવિન્દ્ર તેમને કૉર્ટમાં રૂબરૂ મળેલો. તે સમયે પણ રવિન્દ્રએ ફરિયાદીને ધમકાવેલો કે હજી પણ માની જાવ અને સેટલમેન્ટ કરી લ્યો. એક કરોડમાં મારું મકાન ખરીદી લો અથવા મને પચાસ લાખ રોકડાં આપો, નહીં આપો તો હું હજી તમારા અને તમારી દીકરી વિરુધ્ધ ખોટી ખોટી અરજીઓ કરીને વધુ હેરાન પરેશાન કરતો રહીશ.
Share it on
|