કચ્છખબરડૉટકોમ, ભુજઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કચ્છની સમુદ્રી ક્રીક સરહદની સમીક્ષા અર્થે કચ્છની મુલાકાતે આવ્યા તે વચ્ચે ભુજ તાલુકાના રાયધણપર ગામે ગઈકાલે મોડી રાત્રે હિંસક અથડામણ, પથ્થરમારો થતાં પોલીસ ખાતામાં ભારે દોડધામ મચી ગઈ છે. નજીવી બાબતે વરનોરા ગામના છ યુવકોનો રાયધણપર ગામના નાકે બેસેલાં યુવક જોડે ઝઘડો થયાં બાદ તેમણે ગામના લોકો પર કાર ચડાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ગામના અન્ય યુવકોને ધોકા, પાઈપ જેવા હથિયારો સાથે બોલાવીને ભારે પથ્થરમારો કર્યો હતો.
ઘટનાના પગલે સ્થળ પર માધાપર અને પધ્ધર પોલીસ સ્ટેશન, લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતના પોલીસ અધિકારીઓનો કાફલો દોડી ગયો હતો.
ઉશ્કેરાયેલાં ટોળાંએ પોલીસના વાહનોને પણ નિશાન બનાવતાં એલસીબીની કાર સહિત બે પોલીસ વાહનોને નુકસાન પહોંચ્યું છે. હુમલામાં એક યુવકને હેમરેજ જેવી ગંભીર ઈજા સાથે અન્ય ત્રણેક જણને નાની મોટી સામાન્ય ઈજાઓ પહોંચી છે.
મોડી રાત્રે એક તબક્કે ફાયરીંગ થયું હોવાની પણ અફવા ફેલાઈ હતી.
નજીવી બાબતે રાયધણપરના નાકે ઝઘડો થયેલો
ઘટના અંગે રાયણધપરના દર્શન મોહનભાઈ બરાડીયા (ઉ.વ. ૨૧)એ ૨૩ લોકો સામે નામજોગ અને અજાણ્યા પાંચથી સાત લોકો સામે માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. દર્શને ફરિયાદમાં જણાવ્યું કે રાત્રે સાડા દસના અરસામાં તે ગામના નાકે અન્ય મિત્રો સાથે બેઠો હતો ત્યારે આરોપી (૧) સલીમ મામદ મોખા (૨) અબુ સુફિયાન મોખા (૩) સાહિલ સિદ્દીક મોખા (૪) અબ્બાસ મામદ મોખા (૫) સમીર અબ્દુલ મમણે ત્યાં આવીને ‘અમારા સામે કેમ જૂઓ છો? બીજીવાર જોયું છે તો મારવા પડશે’ કહીને બોલાચાલી કરીને ગાળો ભાંડેલી. આ બબાલ દરમિયાન રઝાક સિદ્દીક મેર નામના યુવકે બોલેરો પિક અપ ગાડી લઈ આવી તેમને જેમ તેમ બોલેલો અને ત્યારબાદ આરોપીઓ ત્યાંથી જતા રહેલાં.
થોડીકવાર બાદ હથિયારો સાથે ટોળું ત્રાટક્યું
ઝઘડાના પગલે રાયધણપરના ગ્રામજનોનું ટોળું સ્થળ પર એકઠું થઈ ગયેલું. રઝાક સિદ્દીક મેર તેની ગાડીમાં નાના વરનોરાના ફિરોઝ રજાક મમણ, શોયેબ સિદ્દીક મોખા, અમન કરીમ મમણ, અકરમ જુસબ મમણ, મજીદ ઈબ્રાહિમ કેવરને બેસાડી ત્યાં ફરી આવેલો. રઝાકે તેની બોલેરો ગાડી પૂરઝડપે ભયજનક રીતે હંકારીને ગામના લોકોનું ટોળું જ્યાં ઊભું હતું તેમને જાનથી મારી નાખવાના ઈરાદે તેમના પર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.
સતર્ક લોકો હટી જતાં બોલેરો ગાડી બાજુમાં રહેલા બાઈક સાથે અથડાઈ હતી.
ત્યારબાદ રઝાક સહિતના યુવકોએ ફોન કરીને વરનોરા ગામમાંથી બીજા યુવકોને બોલાવેલાં. થોડીકવારમાં વરનોરાથી મોટર સાયકલો અને અન્ય એક બોલેરોમાં કારમાં સવાર થઈને ધોકા, લાકડીઓ, પાઈપો, પથ્થરો સાથે અન્ય યુવકો ત્યાં ધસી આવ્યા હતા અને હુમલો પથ્થરમારો શરૂ કરેલો. અન્ય બોલેરોમાં હનીફ રમજુ કેવર, હનીફ અઝીઝ મમણ, ઉમર અઝીઝ મમણ, રેહાન હનીફ ખલીફા, ઈબ્રાહિમ મામદ મમણ, દાઉદ ઈબ્રાહિમ કેવર, એઝાઝ ઉમર મેર, સમીર અઝીઝ મમણ, આફતાબ હનીફ કેવર, આઝાદ મામદ કેવર, અલ્તાફ લતીફ કેવર તથા અન્ય પાંચથી સાત અજાણ્યા માણસો સવાર હતા.
ભુજથી મામદ લાખા મોખા નામનો યુવક ટોયોટા ગ્લેન્ઝા કાર લઈને ત્યાં આવેલો. આરોપીઓએ નાકા પર ભેગાં થયેલાં માણસો પર લાકડી-ધોકાથી માર મારવા સાથે તેમના ઘરો પર પથ્થરમારો શરૂ કરેલો.
જેમાં ફરિયાદી દર્શન બરાડીયા અને રાજેશ અંબાલાલ ચાવડાને પથ્થર વાગવાથી ઈજા પહોંચેલી. રાજેશને ડાબી આંખ પર ગંભીર પ્રકારની હેમરેજની ઈજા થયેલી. પથ્થરમારામાં અન્ય લોકોને પણ સામાન્ય ઈજાઓ થયેલી.
પોલીસ વાહનો પર પથ્થરમારો, બેથી ત્રણ વાહનોને નુકસાન
ઘટના અંગે જાણ થતાં માધાપર અને પધ્ધર સહિત આસપાસના પોલીસ મથક અને લોકલ ક્રાઈમ બ્રાન્ચનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસના વાહનો પર પણ પથ્થરમારો કરાયો હતો. જેમાં એલસીબીના વાહન સહિત પોલીસ ખાતાનાં બેથી ત્રણ વાહનોને નુકસાન થયું હતું.
મોડી રાતે પોલીસે ફરિયાદ દાખલ કરીને અંદાજે વીસેક જેટલાં તોફાનીઓની અટક કરી લીધી છે. હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે.
બનાવ અંગે દર્શને આપેલી ફરિયાદના આધારે માધાપર પોલીસે ત્રીસ જણના ટોળાં સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૯ (૧), ૧૧૫ (૨), ૧૧૮ (૧), ૧૨૫ (એફ), ૧૨૫ (બી), ૧૮૯ (૨), ૧૯૦, ૧૯૧ (૨) ૧૯૧ (૩), ૩૫૧ (૩), ૨૯૬ (બી) અને જીપી એક્ટની સેક્શન ૧૩૫ હેઠળ હત્યાનો પ્રયાસ, પૂરઝડપે ભયજનક રીતે વાહન હંકારી અન્યોની જીંદગી જોખમાવાનો પ્રયાસ, ગેરકાયદે મંડળી બનાવી ઘાતક હથિયારો ધારણ કરીને એકસમાન ઈરાદો પાર પાડવા હુલ્લડ મચાવવા સહિતના આરોપ તળે ગુનો દાખલ કર્યો છે.
આરોપીઓના નામ
(૧) સલીમ મામદ મોખા (૨) અબુ સુફિયાન મોખા (૩) સાહિલ સિદ્દીક મોખા (૪) અબ્બાસ મામદ મોખા (૫) સમીર અબ્દુલ મમણ (૬) રઝાક સિદ્દીક મેર (૭) ફિરોઝ રજાક મમણ (૮) શોયેબ સિદ્દીક મોખા (૯) અમન કરીમ મમણ (૧૦) અકરમ જુસબ મમણ (૧૧) મજીદ ઈબ્રાહિમ કેવર (૧૨) હનીફ રમજુ કેવર (૧૩) હનીફ અઝીઝ મમણ (૧૪) ઉમર અઝીઝ મમણ (૧૫) રેહાન હનીફ ખલીફા (૧૬) ઈબ્રાહિમ મામદ મમણ (૧૭) દાઉદ ઈબ્રાહિમ કેવર (૧૮) એઝાઝ ઉમર મેર (૧૯) સમીર અઝીઝ મમણ (૨૦) આફતાબ હનીફ કેવર (૨૧) આઝાદ મામદ કેવર (૨૨) અલ્તાફ લતીફ કેવર (૨૩) મામદ લાખા મોખા અને અન્ય પાંચથી સાત અજાણ્યા ઈસમો
Share it on
|