|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કહેવાય છે કે ‘ચોરી અને છીનાળું કદી છાનાં રહેતાં નથી’ તેમાં’ય સફેદ લુગડાં પર પડેલો કાળો દાગ તો દૂરથી જ સૌની નજરે ચઢી આવે છે. જેના કર્મમાં સફેદ વસ્ત્રો પહેરવા પડે છે તેવા એક રાજકીય સામાજિક આગેવાનનું છીનાળું અને તે પછી લાખોના ખર્ચે થયેલાં તેમના ઓપરેશનની વાત આજકાલ કચ્છના પાટનગરમાં ચોરે ને ચૌટે ચર્ચાઈ રહી છે. સાહેબ તેમના સમાજ અને પાર્ટીમાં મોખરાના હોદ્દા ધરાવે છે. રિસોર્ટમાં પારકી પરણેતર સાથે પતિએ પકડ્યાં
થોડાંક દિવસો અગાઉ ભુજની ભાગોળે આવેલા એક રિસોર્ટમાં કે આ આગેવાન દર વખતની જેમ મોજમસ્તી કરવા એક પારકી પરણેતરને લઈને ગયેલાં. સમાજમાં જેને વ્યભિચાચાર કહેવાય તેવા ‘ગંદે કામ’ કરતા સાહેબને પરણેતરના પતિએ જ રંગેહાથ ઝડપ્યાં હતા. પતિને લાંબા સમયથી પત્ની પર શક હતો. એટલે તેણે પત્નીની ગતિવિધિ પર નજર રાખેલી અને અંતે તેને રંગેહાથ દબોચી લીધી હતી. કહેવાય છે કે પતિ નૃત્યકળા સાથે સંકળાયેલો છે. પત્ની ભૂતકાળમાં સાહેબની ટીમમાં સહાયક હતી.
કુલડીમાં ગોળ ભાંગવા માટે ખેલાડીને બોલાવ્યો
ઉશ્કેરાયેલાં પતિએ રિસોર્ટમાં જ નગ્ન નાચ કરવાનું શરુ કરતાં રિસોર્ટનો અનુભવી સ્ટાફ આખી વાત પામી ગયો હતો. પતિને ગમે તે રીતે તત્કાળ શાંત કરેલો.
સાહેબ કમ નેતાજી સમજી ગયેલાં કે હવે ‘કોઠી ધોયે કાદવ’ જ નીકળશે. ‘કુલડીમાં ગોળ ભાંગવા’ માટે સાહેબે તેમના ફાયર ફાઈટર યુવાનને તુરંત બોલાવ્યો હતો.
આ યુવાન પણ નેતાજીની સમાજનો અંધારી આલમનો ખેલાડી ગણાય છે. ભૂતકાળમાં ભુજના નળવાળા સર્કલ અને શેખપીર પાસે પકડાયેલાં બાયો ડિઝલના પોઈન્ટના સૂત્રધાર તરીકે આ યુવાનનું નામ બહાર આવેલું છે.
ગોળનું મોટું ગાંગડું આપીને પતિની સમજાવટ કરી
ફાયર ફાઈટરે દોડી આવીને સમજાવટના પ્રયાસો આદર્યાં. કુલડીમાં ભાંગવા માટે ગોળ નાખ્યા વગર આરો નહોતો. બીજી તરફ, પરિણીતાનો પતિ પણ વાત પામી ગયો હતો કે ‘એક હાથે તાળી ના પડે’ એટલે ‘ચોળીને ચીકણું ‘કરવાના બદલે ‘ગઈ ગુજરી ભૂલી જવા જવામાં જ સાર’ છે.
પતિએ પણ ‘કપાળ જોઈને ચાંદલો’ કર્યો. ભુજના પૉશ વિસ્તારમાં આવેલો સાહેબનો લગડી જેવો પ્લોટ પોતાના નામે કરી દેવા માંગણી મૂકી.
સાહેબ બેઘડી હબક ખાઈ ગયાં. તેમના માટે ‘એક બાજુ કૂવો ને બીજી બાજુ હવાડો’ જેવો ઘાટ હતો. પ્લોટ ટ્રાન્સફર કરવામાં બીજી સમસ્યાઓ સર્જાશે તેમ કહીને રોકડાંની લેતી-દેતી કરી વાત પૂરી કરવા ઑફર કરાઈ. પતિ આઠ આંકડાની રકમ બોલ્યો. સમજાવટ ને ભાઈ-બાપા કરીને થોડી ઘણી રકમ ઓછી કરાઈને ચૂકવી દેવાઈ.
અમુક પત્રકારોએ પણ મોઢું મીઠું કરી લીધું
‘કુલડીમાં ગોળ ભાંગી’ને સાહેબે રાહતનો દમ તો લીધો પરંતુ તે અલ્પકાલિન બની રહ્યો. ચોરી અને છીનાળું કદી છાનાં રહેતાં નથી. વાત ગામમાં ફેલાવા માંડી. ‘ગામના મોંઢે ગરણું’ કોણ બાંધી શક્યું છે? કહેવાય છે કે અમુક ખણખોદિયા પત્રકારો પાસે આ વાત પહોંચી. તેમણે પણ સાહેબને મળી લઈને ‘મોઢું મીઠું’ કરી લીધું.
કચ્છી ભાષામાં સ્ત્રીઓ પાછળ લટ્ટુ થતાં લોકો માટે ‘નસનો વેરી’ શબ્દ પ્રયોજાય છે. લોકો કહે છે કે સાહેબની ‘નબળી નસ’ દબાવીને તેમનું ઓપરેશન કરી દેવાયું છે.
હવે તો ‘જેટલાં મોંઢા તેટલી વાતો’ થાય છે. સાહેબ માટે તો ‘ચોરની મા કોઠીમાં મોંઢું ઘાલીને રોવે’ તેવો ઘાટ સર્જાય છે. અમુક લોકો વળી દાવો કરે છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં સાહેબની ટિકિટ માટેની મજબૂત દાવેદારીને અત્યારથી જ નબળી પાડી દેવાના આશયથી વિરોધીઓ મામલો ચગાવી રહ્યાં છે, તે શક્ય છે. પરંતુ, આગ વગર ધુમાડો ઉદભવે નહીં.
Share it on
|