|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ધંધાના હિસાબના બહાને આડેસરના વિજય કાપડી નામના યુવકને રાજસ્થાન બોલાવી, પાલી નજીક મોબ લિન્ચીંગ કરીને હત્યા કરનારો બૂટલેગર પુનો ભરવાડ હવે સંપૂર્ણ બેફામ બન્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ૧૩-૦૬-૨૦૨૬ના રોજ પૂર્વ કચ્છ LCBએ અંજારના ટપ્પર ગામની વાડીમાં કટિંગ ટાણે ત્રાટકીને ૭૯.૬૫ લાખનો શરાબ જપ્ત કરેલો. શરાબનો જથ્થો પુના ભરવાડ, રામા વજા ભરવાડ વગેરે બૂટલેગરોએ પાર્ટનરશીપમાં માલ મગાવ્યો હોવાની બાતમીના આધારે આ સફળ રેઈડ થયેલી. બાતમી આપ્યાની શંકામાં મર્ડર કર્યાની અટકળો
પોલીસ બેડામાં ચર્ચાતી વિગતો મુજબ આ બાતમી વિજયે આપી હોવાનો વહેમ રાખીને પુનાએ સાગરીતો સાથે તેને મરણતોલ ઢોર માર મારીને હત્યા કરી છે. મરનાર વિજય કાપડી લિસ્ટેડ બૂટલેગર દેવેન્દ્ર ઊર્ફે દેવો ખોડીદાસ કાપડીનો ભાણેજ થતો હતો.
વિજય પુનાના કરોડો રૂપિયાના હિસાબો સંભાળતો હતો અને તે પણ અગાઉ દારૂના ગુનાઓમાં પોલીસ ચોપડે ચઢી ચૂક્યો હતો.
૩૦-૦૪-૨૦૨૩ના રોજ અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનામાં વિજય કાપડી, દેવો કાપડી, પુના, અનોપસિંહ રાઠોડ સહિતના બૂટલેગરો સામે દારૂબંધીને લગતો ગુનો નોંધાયો હતો. આ સિવાય પણ વિજય સામે અન્ય ગુના નોંધાયેલાં.
૨૧-૦૨-૨૦૨૬ના રોજ પુનો જામીન પર જેલબહાર આવેલો
રાપરનો રહેવાસી ૩૮ વર્ષનો પુનો ભરવાડ છેલ્લે સ્ટેટ મોનિટરીંગ સેલે દાખલ કરેલાં ગુજસીટોકના ગુનામાં ૨૧-૦૨-૨૦૨૬ના રોજ ભુજ સેશન્સ કૉર્ટમાંથી જામીન પર બહાર આવેલો. તે સમયે સરકારી વકીલે તેની જામીન અરજી નામંજૂર કરવા જજ સમક્ષ દલીલ કરેલી કે સાહેબ આની સામે કરોડોના દારૂના વેચાણ સહિતના ૪૦ જેટલાં ગંભીર ગુના નોંધાયેલાં છે. તેની પત્નીના બેન્ક ખાતામાં દારૂના ધંધાને લગતાં કરોડો રૂપિયાના વ્યવહારો થયેલાં છે.
ગુજસીટોકના આ ગુનામાં પુના સાથે ફીટ થયેલાં તેના સાગરીતો રામા વજા ભરવાડ, મહેન્દ્ર ઊર્ફે મેંદો જીવણ કોલી વગેરેને હાઈકૉર્ટે અગાઉ જામીન પર મુક્ત કર્યાં હોઈ પેરિટીના ગ્રાઉન્ડ પર ભુજના ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ તથા ગુજસીટોક કૉર્ટના ખાસ જજ દિલીપ મહિડાએ તેને ૫૦ હજારના જાતમુચરકા પર સશર્ત જામીન મુક્ત કરેલો.
છેલ્લાં થોડાંક વર્ષોથી પુનો રાપર છોડીને ભુજના એરપોર્ટ રોડ પર આવેલા આરાધનાનગરમાં રહેવા આવી ગયો હતો. ભુજમાં રહીને તેણે કેરાના લિસ્ટેડ બૂટલેગર અનોપસિંહ સાથે ભાગીદારીમાં કરોડોનો શરાબ મગાવીને દારૂની રેલમછેલ કરી નાખી હતી. જો કે, SMCએ મુંદરા સહિતના સ્થળોએ દરોડા પાડીને કરોડોનો શરાબ પકડતાં અંતે તેમની રેલમછેલ પર થોડાંક સમય પૂરતી બ્રેક લાગી હતી. જામીન પર મુક્ત થયાં બાદ પુનાએ ફરી દારૂનો ધંધો શરૂ કરી દીધો છે.
જેલમાં નજીવી વાતે હવાલદાર પર હુમલો કરેલો
પુનો નજીવી વાતે ઉશ્કેરાઈ જવાનો ઝનૂની સ્વભાવ ધરાવે છે. ૦૧-૦૧-૨૦૨૨ના રોજ પુના અને રામા ભરવાડે ગાંધીધામની ગળપાદર જેલમાં જેલવાસ દરમિયાન ફરજ બજાવી રહેલા જેલ હવાલદાર ચંદુ ગોહિલ પર હુમલો કરીને કૂટી નાખીને બહાર નીકળ્યા બાદ પતાવી દેવાની ધમકી આપેલી. ચંદુ ગોહિલનો એટલો જ વાંક હતો કે તેણે મંજૂરી વગર STD બુથ પર ફોન કરવા જઈ રહેલા પુનાને અટકાવેલો. આ અંગે ગોહિલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલી.
પુનાએ જેલમાંથી બાતમીદારને ધમકી આપેલી
પોતાના ધંધાની બાતમી આપનારને પુનો ‘જાની દુશ્મન’ ગણે છે. ૦૪-૦૬-૨૦૨૨ના રોજ રાપર પોલીસ મથકે પરબત ભરવાડ નામના યુવકે પુના ભરવાડ અને તેના સાગરીત બકુલ ભરવાડ સામે મારી નાખવાની ધમકી આપતાં હોવાની ફરિયાદ નોંધાવેલી.
પરબત પોતાનો માલ પકડાવતો હોવાનો વહેમ રાખીને પુનાએ તેને જેલમાંથી ફોન કરી ભૂંડી ગાળો ભાંડીને મારી નાખવાની ધમકી આપેલી.
પરબતે પુનાનો નંબર બ્લોક કરી દેતાં તેનો માણસ બકુલ ભરવાડ પરબતને રૂબરૂ મળી તેના ફોન પર પુના જોડે વાત કરવા ફરજ પાડતો હતો. પરબતે ફરિયાદમાં જણાવેલું પુનાએ તેને દારૂના અનેક ગુનાઓમાં ખોટી રીતે સંડોવેલો છે. મતલબ કે તે સમયે પુનાનો પડ્યો બોલ ઝીલતી પોલીસ પુનો ઈશારો કરે તેને દારૂના ગુનામાં ફીટ કરી દેતી હતી!
જેલમાં રહીને પુનાએ ૧૬.૭૧ લાખનો દારૂ મગાવેલો
૧૧-૦૭-૨૦૨૧ના રોજ આડેસર પોલીસે રાપરના જૂના મેવાસા ગામે કટિંગ સમયે ત્રાટકીને અંડરગ્રાઉન્ડ ટાંકામાં છૂપાવાયેલો ૧૬.૭૧ લાખનો શરાબ જપ્ત કરેલો. આ કેસમાં દારૂ મગાવનાર મુખ્ય આરોપી તરીકે પુનાનું નામ ખૂલેલું અને નામજોગ ફરિયાદ નોંધાયેલી. વક્રતા એ હતી કે તે સમયે પુનો સામખિયાળી પોલીસ મથકે દારૂબંધી હેઠળ નોંધાયેલા એક ગુનામાં પોલીસ રિમાન્ડ પર હતો!
SMCએ પુનાનું દબાણ તોડવા સૂચના આપેલી
ગુજરાત પોલીસે રીઢા ગુનેગારોની કમર તોડવા શરૂ કરેલાં ‘ઓપરેશન હંડ્રેડ અવર્સ’ અંતર્ગત સ્ટેટ મોનિટરીંગ સેલે ૧૯-૦૩-૨૦૨૫ના રોજ પૂર્વ કચ્છ પોલીસને રાપરના આથમણા નાકે પુનાએ પોતાના બે માળના બંગ્લોમાં મંજૂર નકશા કરતાં વધારાનું ગેરકાયદે બાંધકામ કર્યું હોવાનું જણાવી તે તોડી પાડવા સૂચના આપેલી. જો કે, અગમ્ય કારણોસર પોલીસ તાકીદે પુનાનું બાંધકામ તોડી શકી નહોતી અને થોડાંક દિવસો બાદ પુનાએ સૂચિત ડિમોલીશન સામે કૉર્ટનો આશ્રય લેતા પછી દબાણ હટ્યું જ નહોતું.
ભ્રષ્ટ પોલીસ ખાતાના લીધે પુનો બન્યો પહેલવાન
રાજસ્થાન અને પંજાબની ડિસ્ટલરીઝમાંથી ગેરકાયદે કચ્છમાં ટ્રકો ભરી ભરીને કરોડોનો દારૂ ઠાલવતો રાપરનો બૂટલેગર પુનો ભાણા ભરવાડ બેફામ બન્યો તેનું કારણ છે ભ્રષ્ટ પોલીસ ખાતું. છેલ્લાં એક દાયકાથી પુનો રાજસ્થાનના કુખ્યાત બૂટલેગર અનિલ પાંડિયા મારફતે કચ્છમાં કરોડોનો દારૂ ઠાલવતો રહ્યો છે. પૈસાના પૂજારી ભ્રષ્ટ પોલીસ કર્મચારી અને અફસરોની ‘મહેરબાની’થી કચ્છમાં પુના ભરવાડનું નેટવર્ક અતૂટ રહ્યું છે. ચાહે તે જેલમાં હોય કે ના હોય.
પાલીમાં બનેલાં બનાવની આડેસરમાં ફરિયાદ નોંધાવીને પૂર્વ કચ્છ SPએ હવે પુનાનો ખેલ ખતમ કરી નાખવાનો નિર્ધાર કર્યો હોય તેમ લાગી રહ્યું છે.
જોઈએ આગે આગે હોતા હૈ ક્યા..
Share it on
|