|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ જે ઊંમરે નવા સંકલ્પો અને આશાની પાંખો લગાવી નવયુવાનો સાતમા આસમાનમાં વિહરતાં હોય છે તે ઊંમરે અંજારનો યુવક જિંદગી સામે ઝઝૂમી રહ્યો છે. અંજારના ૨૪ વર્ષના યોગેશ મણશી મહેશ્વરીના બંને ફેફસાં ફેઈલ થઈ ગયાં છે. તબીબોએ એકમાત્ર અને અંતિમ ઉપાય ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ હોવાનું જણાવી દઈ ખર્ચ કહ્યો તો યોગેશના પરિવારના પગ નીચેથી ધરતી ખસી ગઈ! તબીબોએ ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ ૪૫ લાખ રૂપિયા જણાવ્યો. ટ્રાન્સપ્લાન્ટ પહેલાં જે જરૂરી પરીક્ષણો કરાય છે તેનો જ અલગથી પાંચ લાખ રૂપિયાનો ખર્ચો થાય છે. પરીક્ષણો બાદ ટ્રાન્સપ્લાન્ટ અંગેનો અંતિમ નિર્ણય લેવાશે.
ટહેલ નાખી ને ૪૮ કલાકમાં ઝોળી છલકાઈ ગઈ
મૂંઝવણમાં મૂકાઈ ગયેલાં આ પરિવારની વહારે આવી છે ભુજની કચ્છ વિસા ઓસવાળ જૈન મહાજન નામની સંસ્થા. પરિવારે સંસ્થાના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડાનો સંપર્ક કર્યો. જીગરભાઈએ ગંભીરતા પારખીને તુરંત જ અખબારોમાં સંસ્થા વતી દાતાઓ સમક્ષ ટહેલ નાખી. જોતજોતામાં કેવળ ૪૮ કલાકની અંદર કચ્છ અને બૃહદ કચ્છમાં વસતાં દરિયાદિલ દાતાઓએ પાંચ લાખ રૂપિયાનું દાન આપીને સંસ્થાની ઝોળી છલકાવી દીધી.
દર્દીઓ અને દાતા વચ્ચે અતૂટ વિશ્વાસનો સેતુ
ઘરમાં જો ગંભીર બીમારીનો ખાટલો આવે તો સારવાર પાછળ ભલભલાં મધ્યમ વર્ગિય પરિવારો શારીરિક સાથે આર્થિક અને માનસિક રીતે ખુવાર થઈ જાય છે. આવા સમયે જો સગાં સંબંધી કે સમાજનો આર્થિક સહારો ના મળે તો ઘણાં પરિવારો બરબાદ થઈ જતાં હોય છે. આવા કપરાં સમયે છેલ્લાં અઢી દાયકાથી કચ્છ વિસા ઓસવાળ જૈન મહાજન સંસ્થા હજારો પરિવારો માટે આશાનું કિરણ બની રહી છે. જરૂરિયાતમંદો અને દાતાઓ વચ્ચે કવિઓ જૈન મહાજન વિશ્વાસનો અતૂટ સેતુ બની રહ્યો છે.
પિતાના સેવાયજ્ઞને પુત્રએ પ્રજ્વલિત રાખ્યો છે
‘ચેરિટી બિગીન્સ એટ હોમ’ મદદ માટે આવતાં દરેક દર્દીને સૌપ્રથમ મહાજન ૨૫ હજાર રૂપિયાનું દાન જાહેર કરીને અન્ય લોકોને મદદ કરવા ટહેલ નાખે છે. કવિઓના પ્રયાસથી અત્યારસુધીમાં હજારો દર્દીઓના જીવન બચ્યાં છે.
છાપામાં જાહેરાત કરાઈ દાનની ટહેલ નખાય તે સાથે જ દાનની સરવાણી વહેવાનું શરૂ થાય છે અને રકમ એકઠી થઈ ગયાં બાદ દાન ના મોકલવાની જાહેરાત આપવી પડે છે!
દિવંગત પૂર્વ ધારાસભ્ય અને શ્રેષ્ઠી તારાચંદ જગશી છેડાએ શરૂ કરેલા આ સેવાયજ્ઞને તેમના પુત્ર જીગર છેડાએ સતત પ્રજ્વલિત રાખ્યો છે. ગરીબ દીકરીઓના લગ્ન માટે ચાલતી ‘મહાજનનું મામેરું’ યોજનાને પણ આ જ રીતે પ્રચંડ પ્રતિસાદ મળતો રહ્યો છે.
Share it on
|