કચ્છખબરડૉટકોમ, ભુજઃ ગીરની કેસર કેરી બાદ ગુજરાતના બીજા ફળને જીઓગ્રાફિકલ ઈન્ડીકેશન- GI ટેગ મેળવવાની વિશિષ્ટ સિધ્ધિ હાંસલ થઈ છે, આ ફળ છે કચ્છની દેશી ખારેક. કચ્છી ખારેકને GI ટેગ મળતાં જિલ્લાના ખારેક વાવતાં ખેડૂતોમાં હર્ષોલ્લાસ છવાઈ ગયો છે. મુંદરા સાડાઉના ખારેક સંશોધન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિક સી.એમ. મુરલીધરને જણાવ્યું કે કચ્છના કિસાનો માટે આ બહુ મોટાં સમાચાર છે. GI ટેગથી હવે કચ્છી ખારેકને દેશમાં અનન્ય ઓળખ મળી છે. તેનાથી કચ્છી ખારેકના વાવેતર અને વેચાણની નવી ક્ષિતિજો ઉઘડશે.
મુરલીધરનના પ્રયાસોના કારણે સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી કચ્છમાં ખારેક વાવતાં ખેડૂતોની યુનિડેટ્સ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડની ખારેકને GI ટેગ ફાળવવાની અરજીમાં સહભાગી બની હતી. કંટ્રોલર જનરલ ઑફ પેટન્ટ્સ, ડિઝાઈન એન્ડ ટ્રેડમાર્ક ઑફ ઈન્ડિયા દ્વારા દેશના વિવિધ રાજ્યો અને પ્રાંતોની વિશિષ્ટ ઓળખ સમાન કલાકૃતિ, ફળ સહિતની ચીજવસ્તુઓને GI ટેગ અપાય છે. આ ટેગથી જે-તે ચીજવસ્તુની ભૌગોલિક વિશિષ્ટતા અને બ્રાન્ડ વધુ વિશ્વનીય તથા પ્રતિષ્ઠિત બને છે.
ગુજરાતમાં કેસર બાદ GI ટેગ મેળવનાર ખારેક બીજું ફળ
આ સિધ્ધિ ફક્ત કચ્છ જ નહીં સમસ્ત ગુજરાત માટે વિશિષ્ટ છે. ૨૦૧૧માં ગીરની કેસર કેરીને GI ટેગ મળ્યાના ૧૩ વર્ષે ગુજરાતના બીજા ફળને GI ટેગ મળ્યું છે. કચ્છી ભરત અને કચ્છી શાલને GI ટેગ મળ્યાં બાદ કચ્છની ત્રીજી વિશિષ્ટ ચીજને આ ટેગ મળ્યું છે જે ગૌરવરૂપ છે.
કચ્છમાં અંદાજે પાંચ સદીથી ખારેકની હાજરી
ચોમાસાના આગમન ટાણે બજારમાં આવતી કચ્છની પીળી અને લાલ ખારેકની મીઠાશ આખા દેશમાં જાણીતી છે. કહેવાય છે કે ચાર પાંચ સદી પૂર્વે કચ્છના બંદરોથી અખાતી દેશોમાં થતા વેપાર વણજ સમયે ખારેક અને તેના બીજ કચ્છમાં આવ્યાં હશે. રાજાશાહી યુગમાં રાજમહેલોમાં કામ કરતાં આરબ માળીઓએ પણ ખારેકના બીજ અને છોડ લાવી કચ્છમાં તે ઉગાડી હોવાની માન્યતા છે.
દેશમાં ખારેકનું ૮૫ ટકા વાવેતર એકલાં કચ્છમાં થાય છે
કચ્છમાં અંદાજે વીસ લાખ જેટલાં ખારેકના ઝાડ છે. મોટાભાગના ઝાડ દેશી ખારેકના છે. મુંદરા, માંડવી અને ભુજથી અંજાર સુધીનો વિસ્તાર ખારેકના વાવેતર માટે પ્રખ્યાત છે. દેશમાં ખારેકનું ૮૫ ટકા વાવેતર એકલાં કચ્છમાં થાય છે. ગુજરાતના ખેતીવાડી વિભાગના આંકડા મુજબ રાજ્યમાં ખારેકના કુલ ૨૦ હજાર ૪૪૬ હેક્ટર વિસ્તારમાંથી એકલાં કચ્છમાં જ ૧૯ હજાર ૨૫૧ હેક્ટર એટલે કે ૯૪ ટકા વાવેતર વિસ્તાર સાથે કચ્છનો સિંહફાળો છે. કચ્છનું ગરમ અને સૂકું વાતાવરણ ખારેક માટે ખૂબ અનુકૂળ છે. કઠોર તાપ કે કડકડતી ઠંડી જેવું વિષમ વાતાવરણ હોય કે અતિશય ક્ષારયુક્ત જમીન હોય ખારેકના સંવર્ધન અને મીઠાશમાં કોઈ ફરક પડતો નથી.
જાણો, GI Tagની રોચક વાતો
દાર્જીલીંગની ચાને દેશમાં પ્રથમવાર GI ટેગ મળ્યું હતું. દેશના વિભિન્ન રાજ્યો અને પ્રાંતોની ૪૩૦ વધુ પ્રોડક્ટ્સને GI ટેગ મળી ચૂક્યું છે. સૌથી વધુ ૫૮ ટેગ સાથે તામિલનાડુ સૌથી અગ્રેસર છે. ગુજરાતમાં ભાલના ભાલિયા ઘઉં, સુરતના ઝરીકામ, ખંભાતના અકીક, પાટણના પટોળા, જામનગરી બાંધણી, સંખેડાના ફર્નિચર, મધ્ય ગુજરાતના વારલી પેઈન્ટીંગ્ઝ સહિતની વિવિધ વિશિષ્ટ ચીજવસ્તુને GI ટેગ મળી ચૂક્યું છે.
Share it on
|