કચ્છખબરડૉટકોમ, ભુજઃ ૮ વર્ષ અને ૪ માસની માસૂમ બાળકી જોડે દુષ્કર્મ આચરનારા ૪૦ વર્ષના આરોપીને ભુજની ખાસ પોક્સો કૉર્ટે દોષી ઠેરવી ૨૦ વર્ષની સખ્ત કેદ સાથે એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ૧૧ માસ અગાઉ બનેલા બનાવ અંગે ૧૪-૧૧-૨૦૨૪ના માનકૂવા પોલીસ મથકે શામજી જુસા સાલીયા (કોલી) વિરુધ્ધ પોક્સો સહિતના કાયદા તળે ફરિયાદ નોંધાઈ હતી. માનકૂવા પોલીસ મથકની હદમાં આવતા ગામમાં રહેતી માસૂમ બાળકી અને તેના નાનાં ભાઈને શામજી એરંડાની વાડીમાં લઈ ગયો હતો. બાળકીના ભાઈને એરંડાના પાકની બહાર ઊભો રખાવીને બાળકીને અંદર લઈ જઈ નિઃવસ્ત્ર કરીને આંગળી વડે હસ્તક્રિયા કરી દુષ્કર્મ આચરેલું.
૪૦ વર્ષના શામજીએ બે લગ્ન કરેલા છે અને ત્રણ સંતાનો છે.
માનકૂવાના તત્કાલિન પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એન. વસાવાએ તપાસ કરીને આરોપી સામે ચાર્જશીટ રજૂ કરેલું. ૧૦ સાક્ષી અને ૨૩ દસ્તાવેજી પુરાવાના આધારે આજે વિશેષ જજ જે.એ. ઠક્કરને શામજીને પોક્સો એક્ટની કલમ ૬ તથા બીએનએસની કલમ ૬૩ (બી), ૬૫ (૨) હેઠળ દોષી ઠેરવી ૨૦-૨૦ વર્ષની સખ્ત કેદ સાથે પચાસ પચાસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. બીએનએસ કલમ ૧૩૭ (૨) હેઠળ ૩ વર્ષની સખ્ત કેદ અને ૩ હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે.
ગુનો બન્યો ત્યારથી શામજી જેલમાં કેદ છે અને કેસ અંડર ટ્રાયલ પ્રિઝનર તરીકે ચાલ્યો હતો.
ગુનાનો ભોગ બનનાર બાળકીએ આપેલી સમર્થનકારી જુબાનીને કૉર્ટે મજબૂત મુખ્ય પુરાવો ગણાવ્યો હતો.
પીડિત બાળકીને ચાર લાખ રૂપિયાનું વળતર ચૂકવવા હુકમ કરીને કૉર્ટે સંબંધિત સરકારી એકમોને બાળકીની કાળજી લેવા સૂચના આપી છે.
આ કેસમાં ફરિયાદ પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ દલીલો કરી હતી.
Share it on
|