click here to go to advertiser's link
Visitors :  
26-May-2024, Sunday
Home -> Vishesh -> Kutch constituency gears up for Loksabha Election 2024
Monday, 06-May-2024 - Bhuj 20730 views
કચ્છમાં ૧૯.૪૩ લાખ મતદારો કોને તારશે? કોણ ડૂબશે? વધુ કે ઓછું મતદાન કોને ફળશે?
કચ્છખબરડૉટકોમ, ભુજઃ વિસ્તારની દ્રષ્ટિએ દેશના સૌથી મોટા જિલ્લા એવા કચ્છમાં લોકસભાની અનામત બેઠક પર ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. દર વખતની જેમ આ વખતે પણ મુખ્ય જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખેલાવાનો છે. મોરબીના ૨ લાખ ૯૦ હજાર ૭૮૭ મતદારો સાથે તમામ સાત વિધાનસભા બેઠકના મળીને કુલ ૧૯ લાખ ૪૩ હજાર ૧૩૬ મતદારો બેમાંથી એક ઉમેદવારનું ભાવિ નક્કી કરશે.
દેખીતો વેવ નથી, અંડર કરંટ કોને લાગશે?

૨૦૧૪ અને ૨૦૧૯માં સ્પષ્ટ રીતે જે મોદી લહેર આખા દેશમાં ફરી વળી હતી તેમાંથી કચ્છ પણ બાકાત રહ્યું નહોતું. પરંતુ, આ વખતે કોઈ દેખીતા વેવનો સ્પષ્ટ અભાવ છે. ચૂંટણી સમીક્ષકો મતદારોનો ‘અંડર કરંટ’ કોને કરંટ આપે છે તેના પર મીટ માંડીને બેઠાં છે. ભાજપે સતત બે ટર્મથી વિજેતા બનતાં જૂના જોગી એવા વિનોદ ચાવડાને હેટ્રિક સર્જવાનો ચાન્સ આપ્યો છે તો કોંગ્રેસે નવોદિત નિતેષ લાલણ પર દાવ લગાડ્યો છે. ચાવડાએ દસ વર્ષની કામગીરી સાથે હુકમના એક્કા સમાન મોદીના નામે મત માગ્યા છે, નિતેષ લાલણનો વધતી મોંઘવારી, બેકારી સહિતના રાષ્ટ્રવ્યાપી મુદ્દાઓ ઉપરાંત કચ્છના વણઉકલાયેલાં પ્રશ્નો અને ભાજપ સામેની એન્ટી ઈન્કમબન્સી પર મોટો મદાર છે. તેમાં’ય ભાજપ સામે પ્રવર્તતી રાજપૂત ક્ષત્રિયોની ઉગ્ર નારાજગીએ કોંગ્રેસનો ઉત્સાહ ખૂબ વધાર્યો છે. ૧૯૯૬થી લોકસભાની આ બેઠક ભાજપનો ગઢ બની ગઈ છે.

વધુ કે ઓછું મતદાન કોને ફળશે?

સામાન્ય રીતે આમજનતામાં એવી માન્યતા પ્રવર્તે છે કે વધુ મતદાન થાય તો ભાજપને ફાયદો અને ઓછું મતદાન થાય તો કોંગ્રેસને. પરંતુ, ચૂંટણીનો ઈતિહાસ જોતાં તથા નિષ્ણાતોની નજરે આ માન્યતા ભૂલભરેલી છે. કચ્છની છેલ્લી બે ટર્મનો ઈતિહાસ જોતાં જણાય છે કે શહેરી વિસ્તારોમાં ભાજપનું પ્રભુત્વ રહ્યું છે. પરંતુ, મતદારોનું મન કળવું અઘરું છે. કોઈ રાજકીય પાર્ટી ખાતરીપૂર્વક મતદાનની વધ-ઘટ અને વિસ્તારોના આધારે હાર-જીતનો દાવો કરી શકે નહીં, અનુમાનનો ઘોડા દોડાવી શકે પણ અંતિમ ફેંસલો તો મત ગણતરીના દિવસે જ ખબર પડે. પોતાના પક્ષતરફી ગણાતાં વિસ્તારો અને સમાજોના પોકેટમાં મહત્તમ મતદાન થાય તે માટે બંને પક્ષો એડીચોટીનું જોર લગાડી દેશે તેમાં કોઈ બેમત નથી.

જાણો, છેલ્લી બે ટર્મનો વોટર ટર્નાઉટ

૨૦૧૪ની ચૂંટણીમાં કચ્છમાં ૬૧.૭૮ ટકા મતદાન નોંધાયું હતું. વિનોદ ચાવડાએ ૨.૫૪ લાખની સરસાઈથી કોંગ્રેસના પ્રતિસ્પર્ધી દિનેશ પરમારને હરાવ્યાં હતાં. ચાવડાને કુલ ૨૬.૯ ટકા મત મળ્યાં હતાં. ૨૦૧૯ની ચૂંટણીમાં ૫૮.૭૧ ટકા મતદાન નોંધાયું હતું. ચાવડાએ ૩ લાખથી વધુ મતની સરસાઈથી કોંગ્રેસના નરેશ મહેશ્વરીને હાર આપી હતી. ચાવડાને ૬૨.૨૬ ટકા મત મળ્યાં હતાં. કચ્છ બેઠક પર એકંદરે મુસ્લિમ, દલિત, પટેલ, ક્ષત્રિય, આહીર મતદારો નિર્ણાયક બની રહેલાં છે. મતદાનની ટકાવારી વધે તે માટે ચૂંટણી પંચે ખૂબ પ્રયાસ કર્યાં છે.

કચ્છમાં ક્યાં કેટલાં મતદારો, જાણો

►અબડાસા ૨ લાખ ૫૬,૮૫૬

►માંડવી ૨ લાખ ૬૦,૬૬૧

►ભુજ ૨ લાખ ૯૭૦૬૮

►અંજાર ૨ લાખ ૭૫૦૫૦

►ગાંધીધામ ૩ લાખ ૧૨,૨૯૭

►રાપર ૨ લાખ ૫૦,૪૧૭

►મોરબી ૨ લાખ ૯૦,૭૮૭

♦કુલ ૨૧૪૦ મતદાન મથક અંતર્ગત ૧૩૩૭ સ્થળે મતદાન થશે, ૯૨૦૩ કર્મચારી ફરજ બજાવશે

♦૯૪૪ મતદાન મથકો પરથી લાઈવ વેબકાસ્ટિંગ થશે.

♦ક્રિટિકલ મતદાન મથકો પર ૧૩૦ માઈક્રો ઓબ્ઝર્વર્સ તૈનાત રહેશે, તમામ ક્રિટકિલ મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ થશે

♦૨૧૪૦ ઈવીએમ- વીવીપેટ પર મતદાન થશે, ૫૩૩ ઈવીએમ અને ૭૪૬ વીવીપેટ રીઝર્વ રખાયાં છે

♦૧૧૭૭ મતદાર સહાયતા કેન્દ્રો પર તૈનાત બુથ લેવલ ઑફિસર મતદારને મતદાર યાદીમાં તેનો ક્રમાંક અને રૂમ નંબરની માહિતી પૂરી પાડશે.

♦મતદારોની સહાયતા માર્ગદર્શન માટે તમામ તાલુકાઓમાં કંટ્રોલ રૂમ ઉપરાંત  જિલ્લા કક્ષાએ ભુજ કલેક્ટર કચેરીમાં ટોલ ફ્રી હેલ્પલાઈન શરૂ કરાઈ છે, મતદારો ૧૯૫૦ નંબર પર ફોન કરી મતદાર યાદીમાં તેમના નામ ચેક કરી શકશે. આ માટે વોટર હેલ્પલાઈન એપ્લિકેશન VHA એપ પણ બનાવાઈ છે જે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે

♦૭૦ દુકાનદારો, ઉદ્યોગગૃહો મતદાનને પ્રોત્સાહન આપવા ડિસ્કાઉન્ટ આપશે

♦સવારે ૭થી સાંજે ૬ સુધી મતદાન થશે

♦મતદાન મથકોમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ

♦હિટ વેવથી રક્ષણ આપવા માટે મતદાન મથકોમાં શેડ, પંખા અને પેયજલની સુવિધા

♦વૃધ્ધો મહિલાઓ અને દિવ્યાંગો માટે બેઠક વ્યવસ્થા

♦કોઈ ઈમરજન્સી સર્જાય તો ૩૮ એમ્બ્યુલન્સ તૈનાત રહેશે

♦ચૂંટણી કાર્ડ ના હોય તો આધાર કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, પાનકાર્ડ, બેન્ક પોસ્ટ ઑફિસની ફોટો સાથેની પાસબૂક, ડ્રાઈવીંગ લાયસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ, વિકલાંગતા કાર્ડ, સરકારી કર્મચારી હોય તો તે ઓળખપત્ર સહિતના અન્ય ૧૨ દસ્તાવેજી પૂરાવા પણ માન્ય રહેશે

Share it on
   

Recent News  
રાજકોટના TRP ગેમ ઝોનમાં ભીષણ આગ ભભૂકી ઉઠતાં ૨૪ બાળકો જીવતાં ભડથું
 
કાનમેર મર્ડર વીથ ફાયરીંગના ગુનામાં નાસતો ફરતો વલીમામદ ગગડા ઝડપાયો
 
લોકો હનીટ્રેપની ફરિયાદ નોંધાવતાં હજારવાર વિચારશે! માધાપરના તે યુવક પર રેપની FIR