click here to go to advertiser's link
Visitors :  
13-Feb-2026, Friday
Home -> Gandhidham -> Laborer beaten to death by colleague over unpaid dues in Gandhidham
Friday, 13-Feb-2026 - Gandhidham 1559 views
નાણાં ના આપતા સાથીને યુવકે ગાંધીધામ રેલવે સ્ટેશન પાસે લાતો મારીને પતાવી દીધો
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામ રેલવે સ્ટેશનના ગેટ નજીક યુપીના યુવકે મુક્કા લાતોથી સખત માર મારીને સાથી શ્રમિક યુવકની હત્યા કરી નાખી છે. ગઈકાલે સાંજે છ વાગ્યાના અરસામાં રેલવે સ્ટેશનથી આઉટ ગેટ તરફ જતા માર્ગની ફૂટપાથ પર બનાવ બન્યો હતો. મરણ જનાર મુસ્તાક સિરાજુદ્દીન અન્સારી (ઉ.વ. ૪૦, રહે. કુશીનગર, ઉત્તરપ્રદેશ) અને આરોપી અનિલકુમાર રામઆશિષ યાદવ (રહે. ગોરખપુર, ઉત્તરપ્રદેશ) બેઉ એક માસ અગાઉ મજૂરી માટે યુપીથી રાપર આવ્યા હતા. અનિલે કરેલી મજૂરીના પૈસા મુસ્તાકે આપ્યા નહોતા.

ગઈકાલે બેઉ જણ કચ્છથી યુપી જવા ટ્રેન પકડવા રેલવે સ્ટેશન આવ્યા હતા. ટ્રેન મળી નહોતી.

મજૂરીના રૂપિયા ના આપવાની બાબતે બોલાચાલી થતાં અનિલ ઉશ્કેરાઈને મુસ્તાક પર તૂટી પડ્યો હતો. મુસ્તાકને ફૂટપાથ પર પટકીને તેના મોઢાં પર જોરજોરથી લાતો મારતા બરાડા પાડતો હતો કે ‘આજ તુજે જિન્દા નહીં છોડુંગા, આજ તો તુજે માર હી દૂંગા’

હુમલાનું આ દ્રશ્ય જોઈને ફરજ પર તૈનાત હોમગાર્ડ જવાન ઘનશ્યામસિંહ ઝાલા ત્યાં દોડી ગયો હતો અને અનિલને પકડી લઈ રેલવે પોલીસના હવાલે કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ મુસ્તાકને સરકારી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો પરંતુ સારવાર પૂર્વે તેનું મૃત્યુ નીપજ્યું હતું. તેના મોઢાં, કમર, છાતી, ખભા, પીઠ સહિતના અંગો પર ઠેર ઠેર મુઢ મારથી થયેલી ઈજા સોજાના નિશાન જોવા મળ્યાં હતા. ગાંધીધામ રેલવે પોલીસે સરકાર તરફે અનિલ યાદવ વિરુધ્ધ મર્ડરનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે.

Share it on
   

Recent News  
ભુજ એરપોર્ટ રોડ પર બે અકસ્માતમાં એકનું મોત, બે ઘાયલઃ ઉશ્કેરાયેલા લોકોનો ચક્કાજામ
 
હિરોઈનની સોબતની લાલચ, દલાલના ચક્કરમાં ગાંધીધામના ઉદ્યોગપતિએ ૧૬.૫૦ લાખ ગુમાવ્યાં
 
‘એક કા તીન’ના નામે ઠગાઈ કરતા ઠગોથી ભરમાયેલી પટણા DRIને ગાંધીધામનો ધક્કો થયો!