click here to go to advertiser's link
Visitors :  
15-Mar-2026, Sunday
Home -> Kutch -> Rising Fatality Rate on Bhuj Airport Ring Road Sparks Public Outcry and Traffic Stoppage
Friday, 13-Feb-2026 - Bhuj 26016 views
ભુજ એરપોર્ટ રોડ પર બે અકસ્માતમાં એકનું મોત, બે ઘાયલઃ ઉશ્કેરાયેલા લોકોનો ચક્કાજામ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજમાં પ્રવેશતાં ભારેખમ વાહનોને એરપોર્ટ રોડથી નાગોર ઓવરબ્રિજથી માધાપર નળ સર્કલ તરફ બાયપાસ કરાયાં બાદ એરપોર્ટ રોડ પર ભયંકર ટ્રાફિક જામ અને ગોઝારા માર્ગ અકસ્માતોનું પ્રમાણ બેહદ વધ્યું છે. ગત રાત્રિથી આજે સવાર દરમિયાન આ રોડ પર બે સ્થળે સર્જાયેલાં અકસ્માતમાં એક યુવકનું મૃત્યુ નીપજ્યું છે જ્યારે બે યુવકને ઈજા થતાં લોકોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. સહયોગનગર ચોકડી પાસે આસપાસના રહીશોએ રોડ પર ચક્કાજામ કરતાં પોલીસમાં દોડધામ મચી ગઈ છે.
સવારે ડમ્પરની ટક્કરે નવયુવકનું મોત નીપજ્યું

છત્રીસ ક્વાર્ટર ચાર રસ્તા પાસે આજે સવારે સાડા નવના અરસામાં પૂરપાટ જતા ડમ્પરે એક્ટિવાને ટક્કર મારતા અલ્તાફ રફીક નોડે (ઉ.વ. ૧૯, રહે. સંજોગનગર, ભુજ)નું ગંભીર ઈજાથી મૃત્યુ નીપજ્યું હતું. એક્ટિવા પર સવાર તેના મિત્ર આસિફ સુલતાન લંગાને હળવી ઈજાઓ પહોંચી હતી. બેઉ જણ એક્ટિવા પર બકરીને લઈ જતા હતા તે બકરીનું પણ સ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું.

ગત રાત્રે ટ્રકની ટક્કરે યુવકનો પગ છુંદાઈ ગયો

ગત રાત્રે સાડા નવના અરસામાં ત્રિમંદિર સામે GJ-39 TA-7001 નંબરની ટ્રકે આગળ પલ્સર બાઈક પર ડીમાર્ટ તરફ જઈ રહેલાં  દિવ્ય રાજેશભાઈ મોતા (ઉ.વ. ૨૫, રહે. ગ્રીન એકર સોસાયટી, ખારી નદી ચાર રસ્તા, ભુજ)ને ટક્કર મારી હતી. રોડ પર પટકાયેલાં દિવ્યના કમર નીચેના અંગ પર ટ્રકનું આગળનું ટાયર ફરી વળતાં ડાબી સાથળ છુંદાઈ જતા ગંભીર ઈજા પહોંચી હતી. દિવ્ય હાલ સારવાર હેઠળ છે. બનાવ અંગે તેના પિતાએ આપેલી ફરિયાદના આધારે ભુજ એ ડિવિઝન પોલીસે ટ્રકચાલક વિરુધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

પિતાએ રીવર્સમાં લીધેલાં વાહન તળે માસૂમ પુત્ર ચગદાયો

માંડવીના વાંઢ ગામે પિતાએ રિવર્સમાં લીધેલી ગાડીના પૈડાં તળે દોઢ વર્ષનો પુત્ર જ ચગદાઈને મૃત્યુ પામ્યો હોવાનો કરુણ બનાવ બહાર આવ્યો છે. ગત સાંજે પાંચ વાગ્યાના અરસામાં દુર્ઘટના ઘટી હતી. જેમાં અસ્ફાક હમીદ ભટ્ટી નામના બાળકનું મોત નીપજ્યું હતું.

કટારિયા પાસે હિટ એન્ડ રનમાં યુવકનું મોત

સામખિયાળી મોરબી હાઈવે પર જૂના કટારિયા ગામની સીમમાં સુમંગલમ્ કંપની નજીક અજાણ્યા વાહનની ટક્કરે અંદાજે ૩૫થી ૪૦ વર્ષની વયના યુવકનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું છે. ગઈકાલે વહેલી સવારે આઠ વાગ્યાના અરસામાં બનાવ બહાર આવ્યો હતો. નજીકમાં ચાની કેબિન ધરાવતા કિશોર કોલીએ જણાવ્યું કે સવારે આઠ વાગ્યે તેની કેબિન નજીક રોડની સાઈડમાં અજાણ્યા યુવકની લાશ પડી હતી.

કમર પરથી ભારે વાહનનું પૈડું ફરી વળતાં આંતરિક અવયવો બહાર આવી ગયાં હતા.

નજીકમાં પડેલાં ફોનના આધારે પરિચિતોનો સંપર્ક કરવામાં આવતા મૃતક ઉત્તરાખંડના બાગેશ્વરનો વતની ઓમરામ શિવરામ  હોવાનું સ્પષ્ટ થયું હતું. બનાવ અંગે રાત્રે મૃતકના કૌટુંબિક સંબંધીએ લાકડીયા પોલીસ મથકે અજાણ્યા વાહનચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Share it on
   

Recent News