|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ મુંબઈ સહિતના શહેરોમાં કથિત રીતે ડી.જે. પાર્ટી અરેન્જ કરતા પંજાબી દલાલે તેના મિત્ર સાહિલ અને નાયરા નામની મુંબઈની સેલિબ્રિટી હિરોઈન મારફતે ગાંધીધામના ઉદ્યોગપતિ જોડે ૧૬.૫૦ લાખ રૂપિયાની ઠગાઈ કરી છે. ગાંધીધામના સેક્ટર- ૩માં રહેતા ૪૮ વર્ષિય જગદીશ ભગવાનજી અયાચી (ગઢવી) ગઢવી લોજિસ્ટીક્સ નામથી ટ્રાન્સપોર્ટ અને રાજ ઈન્ડસ્ટ્રીઝ નામથી મીઠાનો વ્યવસાય કરે છે. પોતાની સાથે થયેલી ઠગાઈ અંગે જગદીશ અયાચીએ ગાંધીધામમાં ફોજદારી ફરિયાદ નોંધાવી છે. બન્ટી ઊર્ફે રૉકી સાથેની મિત્રતા મોંઘી પડી
દોઢેક વર્ષ અગાઉ ગાંધીધામના એક ફાર્મ હાઉસમાં તેમની મુલાકાત મૂળ પંજાબના વતની અને દિલ્હીમાં રહેતા જગજીતસિંઘ ઊર્ફે બન્ટી ઊર્ફે રૉકી નામના યુવક સાથે થયેલી. મુલાકાત મિત્રતામાં ફેરવાયેલી. ૧ એપ્રિલ ૨૦૨૫ના રોજ બન્ટીએ જગદીશને ફોન કરીને પોતે મુંબઈમાં ડી.જે. પાર્ટીનો પ્રોગ્રામ રાખ્યો હોવાનું અને ત્રણથી ચાર લાખ રૂપિયા મળે તેમ હોવાનું જણાવીને હાલ પૂરતું બે લાખની જરૂર હોવાનું કહીને ઉછીના રૂપિયાની માંગણી કરેલી.
ફરિયાદીએ બન્ટીના જણાવ્યા મુજબ તેના મિત્ર સાહિલ મીરચંદાણીના બેન્ક ખાતામાં ૨૬-૦૪-૨૦૨૫ના રોજ બે લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધાં હતા.
બે દિવસ બાદ સાહિલે જગદીશને ફોન કરી જણાવેલું કે તે અને બન્ટી પાર્ટીમાં હતા ત્યારે અચાનક પોલીસની રેઈડ પડેલી. પોતે જેમ તેમ કરીને છટકી ગયેલો પરંતુ પોલીસે બન્ટીને પકડી લીધો હતો. બન્ટીના મોબાઈલમાં તમારો ફોટો છે, તેથી તમારે ખુલાસો આપવા મુંબઈ પોલીસ પાસે આવવું પડશે. આ બધું પતાવવું હોય તો પૈસા આપવા પડશે.
ફરિયાદીએ પૈસા આપવાનો ઈન્કાર કરી દીધેલો પરંતુ ત્યારબાદ બન્ટી અને સાહિલે અવારનવાર પોલીસની બીક બતાડતાં હોઈ જગદીશે સાહિલના ખાતામાં અઢી લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યાં હતા.
થોડાંક સમય બાદ બન્ટીએ જગદીશને ફોન કરીને નાયરા બેનર્જી નામની એક અભિનેત્રી મોટી સેલિબ્રિટી હોવાનું કહી નાયરા તેને પણ એક પ્રોગ્રામ આપવાની હોવાનું, નાયરાએ તેની પાસે ત્રણ લાખ માગ્યા હોવાનું જણાવીને નાયરાને તમે રૂપિયા આપવા જણાવેલું. ત્યારબાદ નાયરા નામની યુવતીએ જગદીશ જોડે ફોન પર વાત કરેલી અને તેણે આપેલા એકાઉન્ટમાં જગદીશે ત્રણ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી આપ્યાં હતા.
નોરા ફતેહીને ગાંધીધામમાં લઈ આવવાની લાલચ આપી
સપ્તાહ પછી નાયરાએ જગદીશને ફોન કરી જાણીતી હિરોઈન નોરા ફતેહી તેની બહેનપણી હોવાનું અને બેઉ જણ ગાંધીધામ તેના ઘરે મુલાકાત લેવા આવવાના હોવાનું જણાવીને મુંબઈથી ભુજની ફ્લાઈટના બિઝનેસ ક્લાસની ઍર ટિકિટ અને હોટેલમાં રોકાણના ખર્ચા પેટે ત્રણ લાખ રૂપિયા માંગી વોટસએપ પર ઍર ટિકિટનો ફોટો મોકલી આપેલો. જેથી જગદીશે નાયરાને ત્રણ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી આપ્યાં હતા. પરંતુ, નાયરા કે નોરા ફતેહી કોઈ ગાંધીધામ આવ્યું નહોતું.
રૂપિયા પરત લેવા જતા વધુ ગુમાવવાનો વારો આવ્યો
નાયરાએ ૬ લાખ મેળવી લઈને પરત ના કરતી હોવાનું જગદીશે બન્ટીને જણાવતાં બન્ટીએ વધુ એક નાટક કરેલું. બન્ટીએ થોડાંક દિવસ બાદ જગદીશને ફોન પર જાણ કરેલી કે તે નાણાં પાછાં માગવા નાયરાના ઘરે ગયો ત્યારે નાયરાએ તેને ઘરમાં પૂરી દીધેલો અને પોલીસ બોલાવી પકડાવી દઈને છેડતીનો કેસ કર્યો છે.
પોલીસ છોડવા માટે અઢી લાખ રૂપિયા માગે છે. જેથી જગદીશે બન્ટીએ આપેલા બેન્ક ખાતામાં અઢી લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા.
સપ્તાહ પછી બન્ટીએ ફરિયાદીને ફરી ફોન કરીને જણાવેલું કે તે પોલીસ અને વકીલને સાથે લઈને નાયરાના ઘેર ઉછીના રૂપિયા પાછાં માંગવા ગયેલો. નાયરાએ રૂપિયા આપ્યાં નથી અને હવે તે દવાખાનામાં દાખલ થઈ ગઈ છે અને આપણી ઉપર કેસ કરવાનું કહીને સાડા ચાર લાખ રૂપિયા માગે છે.
બન્ટીની વાતો અને કેસની બીકથી ડરીને જગદીશે સાડા ત્રણ લાખ રૂપિયા બન્ટીને મોકલી આપ્યાં હતા.
બન્ટીએ જગદીશને સતત જુદી જુદી બીક બતાડીને પૈસા પડાવવાનું ચાલું રાખ્યું છે.
ડ્રગ્સ કેસમાં ફસાવવાની બીક બતાડી રૂપિયા મગાયા
આજથી સાતેક દિવસ અગાઉ બન્ટીએ જગદીશને ફોન કરીને કહેલું કે મારા દિલ્હીના ઘરે જગદીશ અયાચી નામની વ્યક્તિએ કોઈ પાર્સલ મોકલેલું. તેમાંથી ડ્રગ્સ નીકળેલું અને પોલીસે તેને પકડેલો. જો કે, એક આઈજીની ઓળખાણથી હજુ કેસ દાખલ થયો નથી. તારું નામ ડ્રગ્સ કેસમાં ના લાવવું હોય તો મને રૂપિયા મોકલી આપ. જો કે, જગદીશે ફોન કટ કરી દીધો હતો.બનાવ અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ત્રણે સામે વિશ્વાસઘાત છેતરપિંડીની કલમો તળે ફરિયાદ દાખલ કરી છે.
Share it on
|