કચ્છખબરડૉટકોમ, ગાંધીધામ (ઉમેશ પરમાર) ગાંધીધામમાં ગત ૨૮ ઓક્ટોબર શનિવારે સાંજે બે વર્ષના માસૂમ બાળકની નિર્દયતાપૂર્વક હત્યા કરવાના ગુનામાં પૂર્વ કચ્છ પોલીસે તત્કાળ આરોપીને પકડી ફક્ત એક જ સપ્તાહની અંદર ૫૫૦ પાનાંની ચાર્જશીટ દાખલ કરી દીધી છે. ગંભીર ગુનાના કિસ્સામાં પોલીસે ફક્ત એક જ અઠવાડિયામાં કૉર્ટમાં તહોમતનામું ફરમાવ્યું હોય તેવો કચ્છ પોલીસના ઈતિહાસનો આ પહેલો દાખલો છે.
આરોપીએ બે વર્ષના બાળકની નિર્મમ હત્યા કરેલી
બિહારના રૂદલ રામલખન યાદવે અગાઉ પોતાની સાથે પાંચ હજારના ભાડે શેરીંગમાં રહેતો રૂદલ યાદવ અલગથી ભાડે રહેવા જતાં ઉશ્કેરાઈને તેના બે વર્ષના માસૂમ બાળક અમનને ઉપાડી જઈ કાસેઝના લાલ ગેટ સામે આવેલી કાંટાળી ઝાડીમાં પથ્થર પર પછાડી તથા તીક્ષ્ણ પથ્થર માથામાં ઝીંકી દઈ હત્યા કરી હતી. બાળકનો પિતા અલગ રહેવા જતાં મકાન ભાડાંના અઢી હજાર રૂપિયા તથા રાશનના પૈસા બંધ થઈ જતાં રૂદલે આ ગુનો આચર્યો હતો.
બે માસમાં ચાર્જશીટ દાખલ કરવી આવશ્યક
સામાન્ય રીતે કોઈ ગુનો બને એટલે સૌપ્રથમ ફોજદારી ફરિયાદ દાખલ થતી હોય છે. ત્યારબાદ આરોપીની ધરપકડ થતી હોય છે. ગંભીર કેસમાં ધરપકડ બાદ આરોપી સામાન્યતઃ જેલ હવાલે થતાં હોય છે. કાયદા મુજબ આરોપીની ધરપકડ બાદ તેની સામેના આરોપને સમર્થન કે તેની સાબિતી આપતાં સાક્ષીઓ, પૂરાવા, પંચો, ઘટનાક્રમની તપાસમાં જોડાયેલી એજન્સીઓના અહેવાલો અને અધિકારીઓના નિવેદનો સાથે કૉર્ટમાં મહત્તમ ૬૦ દિવસ અને કેટલાંક ખાસ પ્રકારના ગુનામાં ૯૦ દિવસની સમયમર્યાદામાં તહોમતનામું (ચાર્જશીટ) રજૂ કરવું ફરજિયાત છે.
Bail is the rule Jail is the exception
પોલીસ નિયત સમયમર્યાદામાં તપાસ પૂરી કરીને કૉર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરવામાં નિષ્ફળ રહે તેવા સંજોગોમાં કૉર્ટ આરોપીને ‘ડિફૉલ્ટ બેઈલ’ પર જામીન મુક્ત કરી દેતી હોય છે.
ભારતીય ન્યાય તંત્રનો મૂળ સિધ્ધાંત છે કે જ્યાં સુધી કૉર્ટમાં પૂરવાર ના થાય ત્યાં સુધી આરોપી ગુનેગાર નથી હોતો.
આરોપીને અનિશ્ચિત સમયમર્યાદા સુધી વિનાકારણે જેલમાં ગોંધી રાખવામાં મૂળભૂત માનવ અધિકારોનું હનન થતું હોય છે અને એટલે અદાલતો ‘Bail is the rule Jail is the exception (આરોપીને જામીન મુક્ત કરવો તે નિયમ છે, જેલમાં પૂરી રાખવો તે અપવાદ છે)’ના સિધ્ધાંત પર આરોપીઓને જામીન પર છોડી દેતી હોય છે. જઘન્ય ગુના અથવા ગુજસીટોક, મની લૉન્ડરીંગ, નાર્કોટીક્સ, આતંકવાદ, UAPA વગેરે જેવા ખાસ કાયદા હેઠળ ધરપકડ થયેલાં આરોપીઓની જ સરળતાથી જામીન મુક્તિ થતી નથી.
ગાંધીધામ પોલીસની મેરેથોન કામગીરી
આરોપી સામે ચાર્જશીટ તૈયાર કરવી એ પૂરતી કાળજી અને સમય માંગી લેતું કપરું કાર્ય છે. કારણ કે તેમાં રહેલી સામાન્ય ભૂલથી અંતે તેનો લાભ કે ગેરલાભ આરોપીને થતો હોય છે અને ઘણીવાર તે નિર્દોષ છૂટી જતો હોય છે. ચાર્જશીટ તૈયાર કરતી વખતે પોલીસે ખૂબ ચીવટપૂર્વક ગુનાને સમર્થન આપતાં સાક્ષીઓના નિવેદનો, આરોપીના ગુનાને સમર્થનકારી સીધા, વૈજ્ઞાનિક અને ટેકનિકલ પૂરાવા રજૂ કરવાના રહેતાં હોય છે.
માસૂમ બાળકના હત્યારા સામે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે એકત્ર કરેલાં લોહી, લોહીવાળા પથ્થરના નમુના સહિતના સેમ્પલનું ફક્ત ૪૮ કલાકમાં પરીક્ષણ કરી FSLએ તેનો રીપોર્ટ તૈયાર કરી આપ્યો હતો.
રેન્જ IG જે.આર. મોથલિયા, SP સાગર બાગમાર અને DySP એમ.પી. ચૌધરીની સૂચના તથા પીઆઈ એમ.ડી. ચૌધરીના સીધા માર્ગદર્શન તળે ૧૫ પોલીસ કર્મચારીઓએ દિવસ રાતને ગણકાર્યાં વગર ૨૮ સાક્ષીઓના નિવેદન નોંધવા, સીસીટીવી ફૂટેજ અને મુદ્દામાલ એકત્ર કરવા સહિતની મેરેથોન કામગીરી એક જ અઠવાડિયામાં સંપન્ન કરી સાડા પાંચસો પાનાંની ચાર્જશીટ તૈયાર કરી કૉર્ટમાં સબ્મિટ કરી છે.
પોલીસની પીઠ આ માટે થાબડવી જોઈએ
જરૂર કરતાં ખૂબ ઓછાં સ્ટાફ, બંદોબસ્ત, પેટ્રોલીંગ, સમન્સ બજવણી, વિવિધ કેસો અંતર્ગત કૉર્ટોમાં હાજરી આપવા સહિતની કામગીરીના ભયંકર ભારણ વચ્ચે પોલીસે જઘન્ય ગુનાના આરોપી સામે શક્ય તેટલી ઝડપે કૉર્ટમાં ટ્રાયલ શરૂ થાય અને તેને સજા થાય તે હેતુથી આ ઝડપી કામગીરી કરી દેખાડી છે. પોલીસની આ કામગીરી પ્રજાનો પોલીસ પરનો ભરોસો દ્રઢ કરવા માટેનો એક ઉમદા દાખલો છે. સામાન્યતઃ હાઈપ્રોફાઈલ કેસોમાં પોલીસ વધુ સતર્ક થઈ કામ કરતી હોય છે. આ કિસ્સામાં એક પરપ્રાંતીય ગરીબ અને અભણ શ્રમજીવી દંપતી ગુનાનો ભોગ બનેલું. ત્યારે, આ કામગીરી પોલીસની તટસ્થતા અને સંવેદનશીલતાનો પણ પરિચય આપી રહી છે.
પોલીસે તેનું કામ કરી બતાડ્યું છે હવે આ કેસની અદાલતમાં ઝડપથી ટ્રાયલ શરૂ થાય અને ‘તારીખ પે તારીખ’ પડવાના બદલે આટલી જ ઝડપથી ન્યાય તોળાય તો સોનામાં સુગંધ ભળી જાય.
પોલીસે ન્યાયતંત્રને ઝડપી ટ્રાયલ માટે અનુરોધ કર્યો છે.
Share it on
|