|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ પોતાની પાછળ લટ્ટુ થયેલા ગાંધીધામના પડાણાના યુવક પાસેથી પતિની મદદથી ટુકડે ટુકડે ૫.૫૮ કરોડ રૂપિયા મેળવી લઈને વિશ્વાસઘાત કરવાના ગુનામાં પોલીસ ૩૫ વર્ષની સીમરન ઊર્ફે અફસાના ગાયકવાડની મુંબઈથી ધરપકડ કરી લાવી છે. ગત ૩૧ જાન્યુઆરીના રોજ પડાણાના હરિઓમનગરમાં રહેતા અરુણ જરુ નામના યુવકે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે સીમરન અને તેના પતિ કૈલાસ ગાયકવાડ વિરુધ્ધ છેતરપિંડી, વિશ્વાસઘાતની કલમો તળે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ આરોપ કરેલો કે ચારેક વર્ષ અગાઉ તે ફાઈનાન્સ પેઢીની નોકરી દરમિયાન કામસર મુંબઈ ગયેલો ત્યારે પહેલીવાર સીમરન સાથે મુલાકાત થયેલી. બેઉ વચ્ચે શારીરિક સંબંધો બંધાયેલા અને ફરિયાદીએ તેને વાપરવા માટે નાણાં આપેલાં.
સીમરનને ગાંધીધામ મોકલવાના બહાને નાણાં મેળવેલાં
ગાંધીધામ પરત આવ્યા બાદ ફરિયાદીએ સીમરનને ગાંધીધામ બોલાવી હતી. જેથી સીમરને તેને પોતાના પતિ કૈલાસ ગાયકવાડ (રહે. નાની દમણ)નો ફોન નંબર આપી તેની જોડે વાત કરી લેવા જણાવેલું. કૈલાસે પત્નીને ગાંધીધામ મોકલવા પેટે એડવાન્સમાં ૨૫ હજાર રૂપિયા માંગેલા જે ફરિયાદીએ ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા.
સીમરનને ગાંધીધામ મોકલવાનું ગાજર લટકાવી રાખીને કૈલાસે વિવિધ બહાને ફરિયાદીને જુદાં જુદાં લોકોના બેન્ક ખાતાં નંબર આપીને તેમાં ટુકડે ટુકડે રૂપિયા મગાવતો રહ્યો હતો. પરંતુ, સીમરનને ગાંધીધામ મોકલતો નહોતો. આ રીતે તેણે ૫.૫૮ કરોડ રૂપિયા મેળવી લીધા હતા.
ફરિયાદી રૂપિયા પાછાં માંગતો ત્યારે નવા નવા બહાના કરતો હતો. આ ગુનામાં અગાઉ પોલીસે કૈલાસ ગાયકવાડની ધરપકડ કરી હતી. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કૈલાસે અગાઉ પોતે ઓનલાઈન ગેમ્સમાં બધા રૂપિયા હારી ચૂક્યો હોવાનું કહીને રીકવરીના નામે હાથ અધ્ધર કરી દીધા હતા. ગાંધીધામ બી ડિવિઝન પીઆઈ એસ.વી. ગોજીયા, પીએસઆઈ સી.એચ. બડીયાવદરા, એલ.એન. વાઢીયા અને સર્વેલન્સ સ્ટાફ કામગીરીમાં જોડાયો હતો.
Share it on
|