click here to go to advertiser's link
Visitors :  
26-May-2024, Sunday
Home -> Vishesh -> International Maritime border become gate way for drugs mafia
Friday, 03-May-2024 - Bhuj 22296 views
સમુદ્રી જળસીમા ડ્રગ્ઝ માફિયાનો ગેટવે બનીઃ કુદરતી સંપદા અને સંસાધનોની લૂંટાલૂંટ
કચ્છખબરડૉટકોમ, ભુજ (ઉમેશ પરમાર) મરુ, મેરુ અને મહેરામણનો ત્રિવિધ સંગમ ધરાવતો અને ૪૫ હજાર ૬૭૪ ચોરસ કિલોમીટરના ભૂભાગ સાથે કચ્છ વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો સૌથી મોટો જિલ્લો છે. ગુજરાતના કુલ વિસ્તારનો ૨૩.૨૭ ટકા વિસ્તાર સમાવતું કચ્છ યુરોપના સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશ કરતાં પણ મોટો છે.

આગવી લોકકલા અને સંસ્કૃતિ ધરાવતો કચ્છ લિગ્નાઈટ, ચાઈના ક્લે, બેન્ટોનાઈટ જેવા અનેક ખનિજોથી સમૃધ્ધ છે. પેટાળમાં કરોડો વર્ષ પૂર્વે થયેલાં પરિવર્તનોના પૂરાવા સમાન જીવાશ્મિનો એટલો ભંડાર છે છે કે આખો જિલ્લો જ જીઓલોજીકલ હેરિટેજ તરીકે જાહેર કરવો પડે.

પ્રાકૃતિક સંપદા સંસાધનોની ચોતરફ લૂંટાલૂંટ

કુદરતે કચ્છને આપેલી પ્રાકૃતિક સંપદા અને સંસાધનોની ચોતરફ સરેઆમ લૂંટ મચી છે. આ લૂંટાલૂંટથી પર્યાવરણિય સંતુલન ખોરવાઈ જાય તે હદે નુકસાન થઈ રહ્યું છે. નાનાં અને મોટાં રણની જમીન મીઠાં, બ્રોમિન, વીજ ઉત્પાદન માટે નજીવા ભાડે મોટાં કોર્પોરેટ હાઉસોને અનેક વર્ષોના ભાડાપટ્ટે ખૈરાત કરાઈ રહી છે. રણમાં કુદરતી રીતે પડેલો મીઠાનો થર સરકારી નિયમોની સરેઆમ અવગણના કરાઈને ઉલેચાઈ રહ્યો છે. નેતાઓ પોતાની ટકાવારી રાખવાથી લઈ સગાં-સંબંધીઓની પાર્ટનરશીપ રાખીને જમીનો પાસ કરાવી રહ્યાં છે. સર્વત્ર પવનચક્કીઓના જંગલ ખડા થઈ ગયાં છે. થર્મલ પાવર પ્લાન્ટ્સ, રીન્યુએબલ પાવર પ્રોજેક્ટ્સથી કચ્છ પાવર હબ બની ગયું છે પરંતુ તેનાથી કચ્છની સરેરાશ જનતાને કોઈ સ્પષ્ટ દેખીતો લાભ થયો નથી. એ ચોક્કસ છે કે વગ ધરાવતાં નેતાઓ અને આગેવાનો કરોડોમાં આળોટતાં થઈ ગયાં છે!

પર્યાવરણ, સજીવસૃષ્ટિ પર પડતી વિઘાતક અસરો

જમીનોના ભાવ ઊંચકાતાં જમીનો વેચાઈ પણ ખેતી નષ્ટ થઈ. ઉદ્યોગો અનેક આવ્યાં પણ પ્રદૂષણ તથા સ્થાનિક રોજગારીના પ્રશ્નો યથાવત્ છે. કાયદેસર ખનિજ ખનનની તુલનાએ ગેરકાયદેસર ખનન અને પરિવહનનું પ્રમાણ અનેકગણું થઈ ગયું છે. ઓવરલોડ વાહનોના કારણે મોટાં શહેરોને જોડતાં રાજમાર્ગોને બાદ કરતાં મોટાભાગના અંતરિયાળ વિસ્તારોના માર્ગો મગરમચ્છની પીઠ જેવા થઈ ગયાં છે. છારી ઢંઢ જેવા આરક્ષિત વિસ્તાર સુધી પવનચક્કીઓ પહોંચી છે. ઔદ્યોગિકરણ, પ્રદૂષણ, કુદરતી સંપદાની લૂંટાલૂંટના કારણે પર્યાવરણ તથા સજીવસૃષ્ટિ પર વિઘાતક અસરો પડી રહી છે તે બાબત અવગણી ના શકાય.

બારાતુઓ વધે છે ને સ્થાનિકોની હિજરત

અનેક સરહદી અંતરિયાળ વિસ્તારોમાં યુપી, બિહાર વગેરે રાજ્યોના શ્રમિકોની વસાહતો વધી રહી છે પરંતુ રોજગાર, પાયાની સુવિધાઓના અભાવથી મૂળ વતનીઓની હિજરતના કારણે ગામોના ગામ ખાલી થઈ રહ્યાં છે તે પણ વરવી હકીકત છે, આ અસમાનતા સતત વધી રહી છે. પરપ્રાંતીય શ્રમિકોના લીધે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પ્રભાવિત થઈ છે. સરકારી સિસ્ટમમાં સંગઠિતપણે વિકસી ગયેલાં ભ્રષ્ટાચારના કારણે જવાબદાર તંત્રો, અધિકારીઓ નિયમભંગ સામે આંખ આડા કાન કરી રહ્યાં છે, ક્યારેક નામપૂરતી કાર્યવાહી કરવાનો દેખાડો કરી લે છે.

રણોત્સવથી સાર્વત્રિક સમતોલ વિકાસ થયો?

રણોત્સવના લીધે કચ્છનું સફેદ રણ દેશ-દુનિયામાં ગાજતું થયું છે તે હકીકત છે. પ્રવાસન પર ભાર મૂકવાનો મોદી સરકારનો સ્પષ્ટ અભિગમ રહ્યો છે. તેનાથી કચ્છ આવતાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. પ્રવાસીઓના આગમનના કારણે સ્થાનિક પરિવહન, હોટેલ સહિતના આનુષાંગિક ઉદ્યોગોનો ઘણો વિકાસ થયો છે, પણ પ્રવાસનથી સાર્વત્રિક સમતોલ વિકાસ થતો હોવાનું માની લેવું ભૂલભરેલું છે.

એન્ટ્રી ફી વસૂલાતનું ઔચિત્ય કેટલું?

કુદરતે સર્જેલાં સફેદ રણને જોવા કે સ્મૃતિવનમાં મ્યુઝિયમને નિહાળવા માટે લેવાતી કમ્મરતોડ એન્ટ્રી ફી કેટલી વાજબી તે કોઈને સમજાતું નથી. સફેદ રણમાં એન્ટ્રી ફી ખર્ચીને પ્રવેશતાં પ્રવાસીઓ માટે પેયજલ અને શૌચાલયની પ્રાથમિક સુવિધાના પણ ઠેકાણાં નથી.

કંડલા નવલખી માર્ગ નિર્માણની આવશ્યક્તા

ઘડુલી-સાંતલપુર રાજમાર્ગ ભવિષ્યમાં કચ્છના સૂનાં સરહદી વિસ્તારોમાં વિકાસનો રાજમાર્ગ બનશે તેવી પૂર્ણ શક્યતા છે. ભલે, દોઢ-બે દાયકાનો ભયંકર વિલંબ થયો પણ નવો રેલવે ટ્રેક નલિયા સુધી પહોંચ્યો અને સિમેન્ટ કંપનીઓના લાભાર્થે વાયોર સુધી પહોંચાડવા આયોજન કરાયું છે તે આવકારદાયક છે. પણ, તેની સાથે કંડલા નવલખીના વૈકલ્પિક માર્ગનું નિર્માણ થાય તે તમામ દ્રષ્ટિએ અતિઆવશ્યક છે. કારણ કે, સૂરજબારી અને આડેસર બ્રિજ એ જ કચ્છને દુનિયા સાથે જોડતી લિન્ક છે. આપાતકાલિન પરિસ્થિતિમાં કંડલા નવલખીનો વૈકલ્પિક માર્ગ કડીરૂપ બની રહે તેમ છે.

એરપોર્ટને SKવર્માનું નામ આપવાનો મુદ્દો કોરાણે

પૂરતી રેલ સેવાના અભાવ અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટની માંગણી તો ઠીક જેટ એરવેઝ બંધ થયા બાદ હજુ હમણાં સુધી ભુજથી મુંબઈને સાંકળતી બીજી ફ્લાઈટ ઉપલબ્ધ નહોતી. કંડલા પોર્ટનું રાતોરાત પંડિત દિનદયાળ ઉપાધ્યાયનું નામાભિધાન કરી દેવાયું પરંતુ જે ભુજ એરપોર્ટને પંડિત શ્યામજી  કૃષ્ણવર્માના નામ સાથે જોડવા પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવીના નેતૃત્વમાં ભાજપે પદયાત્રાઓ કરેલી, પૂર્વ ઉડ્ડયનમંત્રી રાજીવ પ્રતાપ રૂડીની ઉપસ્થિતિમાં પ્રતીકાત્મક નામ અપાયેલું તે આંદોલન અને મુદ્દો સુવાંગ ભૂલી જ જવાયાં.

સમુદ્રી જળસીમા ડ્રગ્ઝ માફિયાઓનો ગેટવે બની

સીર ક્રીકના મુદ્દે યુપીએ સરકાર વખતે રીસર્વે થયેલો પણ પછી શું થયું તેની કોઈ તમા જ નથી રખાઈ. કચ્છની અડોઅડ આવેલા સિંધ સુધી વિવિધ પ્રોજેક્ટોમાં ચીન ઘૂસી ગયું છે. ૧૯૮૦ના દાયકામાં જેમ કચ્છમાં સોના-ચાંદી અને ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓની દાણચોરીનું દૂષણ બેફામ બનેલું તેમ છેલ્લાં એક દાયકા દરમિયાન કચ્છની જળસીમા ડ્રગ્ઝની હેરાફેરીનો સોફ્ટ પેસેજ બની ગઈ છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા જે રીતે કરોડો રૂપિયાનું ડ્રગ્ઝ જપ્ત કરાય છે તે જોઈ દેશમાં પગ કરી જતાં માદક દ્રવ્યોના મૂલ્ય અને માત્રા વિશે તો કલ્પના જ કરવી રહી! દર વર્ષે એપ્રિલ મે માસમાં કચ્છના સાગરકાંઠેથી બિનવારસી હાલતમાં કરોડો રૂપિયાના ચરસ, કોકેઈનનો જથ્થો ઝડપાય છે પણ આ જથ્થો શા માટે મળે છે તે મામલે એકપણ સુરક્ષા કે ગુપ્તચર એજન્સી આજ દિવસ સુધી સંતોષકારક ખુલાસો કરી શકી નથી.

કસ્ટમની શિથિલતા, ભ્રષ્ટાચારથી વધતી દાણચોરી

કંડલા અને મુંદરા પોર્ટથી પણ કરોડો રૂપિયાનું ડ્રગ્ઝ સપ્લાય કરવાના નિષ્ફળ પ્રયાસો બહાર આવેલાં છે. કસ્ટમ તંત્રમાં વ્યાપ્ત ભયંકર ભ્રષ્ટાચારના કારણે આ પ્રકારની બદી પર કાબૂ આવ્યો નથી. કરોડોની સોપારીની દાણચોરીના કિસ્સામાં જે પ્રકારે પોલીસ તપાસમાં તથ્યો બહાર આવેલાં છે તે કસ્ટમ તંત્રની શિથિલતા ઉજાગર કરે છે.

જાહેર જીવનમાં નૈતિક્તાના મૂલ્યોનું સતત ધોવાણ

રાજકારણમાં ચારિત્ર્યના મૂલ્યનું સતત ધોવાણ થતું રહ્યું છે. બહુચર્ચિત નલિયાકાંડ હોય કે ચાલું ટ્રેને પૂર્વ ધારાસભ્યની થયેલી હત્યા યા નેતાજીની રસીલી વાતોની ઑડિયો ક્લિપ, જનતા હજુ ભૂલી નથી. પાર્ટી સંગઠનના એક યુવા નેતાનું રાજકારણ રાતોરાત કેમ પૂરું થઈ ગયેલું તેની પણ સૌને ખબર છે. આ બધા કાંડોમાં કયા પક્ષના નેતાઓ સંડોવાયેલાં હતા તે મુદ્દે સ્પષ્ટતા કરવાની કશી જરૂર નથી. આજે પણ અમુક નેતા અને તમુક નેતાની રંગીન સીડી માર્કેટમાં ફરતી હોવાની ગરમગારમ ગોસિપ થયાં કરે છે.

શહેરોમાં પાયાની સુવિધાના પ્રશ્નો યથાવત્

પોર્ટસીટી ગાંધીધામમાં કોંગ્રેસની યુપીએ સરકારે લીઝ હોલ્ડ જમીનો ફ્રીહોલ્ડ કરવાનો ક્રાંતિકારી નિર્ણય તો કર્યો પણ સીટી સર્વેની કચેરી પૂર્ણપણે કાર્યરત ના થતાં તથા નાની મોટી વહીવટી આંટીઘુંટીઓના કારણે સો-બસો ચોરસ વાર કે તેથી વધુ મોટા પ્લોટ મિલકતોના માલિકી, હસ્તાંતરણના પ્રશ્નોનો ઉકેલ ઝડપથી આવ્યો નથી. એક દાયકામાં માંડ દસથી પંદર ટકા લેન્ડ ફ્રીહોલ્ડ થઈ છે. ભુજ, અંજાર, ગાંધીધામ વગેરે જેવા શહેરોમાં સફાઈ, પેયજલની આપૂર્તિ, આંતરિક બસ સેવા સહિતની સુવિધાઓ સતત ખોડંગાયેલી જોવા મળે છે. ટૂંકમાં વિકાસના દાવા ભલે થતાં હોય પણ આમજનતાની હાલતમાં કોઈ ગુણાત્મક પરિવર્તન આવ્યું નથી, જનતા તો ઠેરની ઠેર રહી ગઈ છે.

Share it on
   

Recent News  
રાજકોટના TRP ગેમ ઝોનમાં ભીષણ આગ ભભૂકી ઉઠતાં ૨૪ બાળકો જીવતાં ભડથું
 
કાનમેર મર્ડર વીથ ફાયરીંગના ગુનામાં નાસતો ફરતો વલીમામદ ગગડા ઝડપાયો
 
લોકો હનીટ્રેપની ફરિયાદ નોંધાવતાં હજારવાર વિચારશે! માધાપરના તે યુવક પર રેપની FIR