|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છના સેંકડો લોકો સહિત ગુજરાત અને દેશભરમાં હજારો લોકોને ઊંચા વ્યાજ અથવા નાણાં ડબલ કરવાની લાલચમાં લપેટીને કરોડો રૂપિયા હજમ કરી જનારી અમદાવાદની યુનિક કંપનીના સંચાલક પિતા પુત્રની ભુજ પોલીસે ધરપકડ કરી છે. ભુજ એ ડિવિઝન પીઆઈ એ.એમ. પટેલે ૩૧-૦૭-૨૦૨૫ના રોજ નોંધાયેલી ૧.૪૧ કરોડના ફ્રોડની ફરિયાદ અન્વયે કંપનીના ચેરમેન રાજકુમાર કૈલાસ રાય અને એમડી રાહુલ રાજકુમાર રાયની અમદાવાદથી ધરપકડ કરી છે. અગાઉ બે જણ ઝડપાયેલાં, હાલ પાલારાની હવા ખાય છે
આ ગુનામાં અગાઉ પોલીસે કંપનીના એમડી અને રાજકુમારના બીજા પુત્ર ઉત્કર્ષ રાય તથા કંપનીના જનરલ મેનેજર હસમુખ લાલજીભાઈ ડોડિયાની ધરપકડ કરી હતી. પંદરેક દિવસ અગાઉ જ ભુજ સેશન્સ કૉર્ટે ઉત્કર્ષ રાય અને હસમુખ ડોડિયાની ભુજ એ ડિવિઝન તથા ગાંધીધામ બી ડિવિઝનમાં નોંધાયેલી ફરિયાદો સંદર્ભે નિયમિત જામીન અરજીઓ રીજેક્ટ કરી હતી.
અંજાર, ગાંધીધામ, ભરુચના ગુનામાં નાસતાં ફરતાં હતા
આરોપીઓ સામે ગુજરાત પ્રોટેક્શન ઈન્ટરેસ્ટ ઑફ ડિપોઝીટર્સ એક્ટ અને ઠગાઈ છેતરપિંડી સહિતની વિવિધ કલમો તળે ગુજરાતના વિવિધ પોલીસ મથકમાં ગુના નોંધાયેલાં છે. ભુજ એ ડિવિઝન પોલીસે જણાવ્યું કે રાજકુમાર રાય અને રાહુલ રાય બેઉ અંજાર, ગાંધીધામ બી ડિવિઝન, ભરુચ પોલીસ મથકે વર્તમાન વર્ષે આ સરખી કલમો તળે ગુના નોંધાયેલાં છે જેમાં બેઉ નાસતાં ફરે છે. તમામ આરોપીઓ સામે અગાઉ જામ ખંભાળીયા અને રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકે પણ ગુના દાખલ થયેલાં છે.
ટોળકીએ આ રીતે હજારો લોકોને બાટલીમાં ઉતારેલાં
આરોપીઓએ યુનિક મર્કેન્ટાઈલ ઈન્ડિયા લિમિટેડ અને યુનિક મલ્ટીસ્ટેટ મલ્ટી પર્પઝ કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડના રોકાણકારોને પાકતી મુદ્દતે ઊંચા વ્યાજની ઑફર કરેલી. એજન્ટો અને ઈન્વેસ્ટરોને વિદેશ ટૂરની પણ લાલચ આપેલી. જો કે, પાકતી મુદ્દતે રોકાણકારોને રૂપિયા પરત મળ્યાં નહોતા. છેલ્લાં ત્રણ ચાર વર્ષથી સેંકડો રોકાણકારો અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી કંપનીની ઑફિસમાં ધક્કા ખાતાં હતા.
કંપનીના સંચાલકો ટૂંક સમયમાં રૂપિયા પરત મળી જવાના વાયદા કરતા હતા પરંતુ આજ દિન સુધી કોઈ રોકાણકારને કાણી પાઈ પરત મળી નથી.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આ કંપની સામે અગાઉ જામનગર, મહેસાણા, અમદાવાદ, હૈદ્રાબાદ સહિતના સ્થળોએ છેતરપિંડીની ફરિયાદો નોંધાયેલી છે. અમારી કંપની ૧૧ હોટેલ ધરાવે છે અને વિવિધ વિસ્તારોમાં પ્લોટીંગની સ્કિમ ધરાવે છે તેમ જણાવી કંપની રોકાણકારોને બાટલીમાં ઉતારતી હતી. કોરોનાના લીધે નાણાંભીડ હોવાનું બહાનું આગળ ધરીને કંપની રોકાણકારોને રૂપિયા આપવામાં હાથ અધ્ધર કરી વાયદાબાજી કરતી રહી છે.
Share it on
|