|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ૭ વર્ષ અગાઉ મુંદરાના મોખા ટોલનાકા પાસેથી ૩ કિલો ૬૫૦ ગ્રામ ગાંજા સાથે ઝડપાયેલાં બે આરોપીને ભુજની વિશેષ NDPS કૉર્ટે ૪ વર્ષના સખ્ત કારાવાસ સાથે ૫૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ૨૪-૦૯-૨૦૧૮ના રોજ મોહમ્મદ હાજી મોહમ્મદ હુસેન સૈયદ (૩૨, રહે. દેવળિયા નાકા, અંજાર) અને મહેન્દ્રસિંહ ભુપાલસિંહ પરમાર (૩૫, રહે. વિજયનગર, અંજાર) એક્ટિવાની ડેકીમાં ગાંજો લઈને અંજારથી મુંદરા તરફ જઈ રહ્યા હતા. બાતમીના આધારે SOGની ટીમે મોખા ટોલનાકા પાસે GEB સ્ટેશન સામે વૉચ ગોઠવી બેઉને ઝડપી પાડેલાં. એક્ટિવાની ડેકીમાંથી ૨૧ હજાર ૩૦૦ રૂપિયાની કિંમતનો ૩ કિલો ૬૫૦ ગ્રામ ગાંજો મળી આવેલો. બેઉની અંગઝડતીમાંથી પોલીસે બે ફોન અને ૫ હજાર રોકડ મળી કુલ ૬૩ હજાર ૮૦૦ રુપિયાનો મુદ્દામાલ કબજે કરેલો.
આ ગુનામાં ૭ સાક્ષીઓ અને ૨૨ દસ્તાવેજી આધારો, બંને પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ NDPS કૉર્ટના વિશેષ જજ વિરાટ એ બુધ્ધે બેઉને NDPS એક્ટની કલમ ૨૦ બી હેઠળ દોષી ઠેરવી ૪ વર્ષની સખત કેદ સાથે ૫૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
આ કેસમાં ફરિયાદ પક્ષે અધિક જિલ્લા સરકારી વકીલ સુરેશ એ. મહેશ્વરીએ સાક્ષીઓ તપાસીને દલીલો કરી હતી.
Share it on
|