|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કિશોરીની છેડતી કરીને મારામારી કરવાના ગુનામાં ભુજની વિશેષ પોક્સો કૉર્ટે માંડવીના મોટી રાયણ ગામના પિતા પુત્રને એક વર્ષની સખ્ત કેદ સાથે ૪૩ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આજથી એક વર્ષ અગાઉ બનાવ બન્યો હતો. ગુનાનો ભોગ બનનાર ૧૫.૬ વર્ષની કિશોરી માંડવીની હોસ્ટેલમાં રહી ભણતી હતી. બીજા દિવસે રવિવારની રજા હોઈ આગલા દિવસે શનિવાર ૨૧-૧૨-૨૦૨૪ના રોજ કિશોરીના દાદા તેને ઘરે તેડી લાવવા માટે હોસ્ટેલ ગયેલાં. દાદા પૌત્રી બેઉ એક્ટિવા પર ઘર તરફ જતા હતા ત્યારે રસ્તામાં વેગનઆર કારથી જઈ રહેલા આદિલ ગુલામ હજામ (ખલીફા)એ કારથી એક્ટિવાનો પીછો કરી, ગાડી નજીક લાવી, મોટેથી હોર્ન વગાડી, આંખો અને હાથ વડે કિશોરીને બીભત્સ ઈશારા કરેલાં. આદિલની હરકતો જોઈને દાદાએ એક્ટિવા ઊભી રાખીને આદિલને ઠપકો આપેલો.
આદિલે લાજવાના બદલે ગાજીને દાદી પૌત્રી જોડે સામી બોલાચાલી કરી ધાક-ધમકી આપેલી.
ઘરે આવ્યા બાદ બનાવ અંગે દીકરીએ માતાને વાત કરતા માતા દીકરીને લઈ આદિલના પિતા ગુલામ પાસે રજૂઆત કરવા ગયેલી.
પિતાએ પુત્રનો પક્ષ લઈ મારામારી કરેલી
ગુલામે પુત્રનો પક્ષ લઈ મા દીકરી જોડે ઉશ્કેરાઈને ઝઘડો કરેલો. ગુલામે બેઉને ગાળો ભાંડેલી અને કિશોરીના જાકીટનો ગળાનો ભાગ પકડીને ધક્કાધક્કી કરેલી. દીકરીને છોડાવવા માટે મા વચ્ચે પડતાં ગુલામે માતાને થપ્પડ મારી ધક્કો મારેલો. બનાવ અંગે દીકરીના પિતાએ કોડાય પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૭૮, ૧૧૫, ૩૫૨ અને ૫૪ તથા પોક્સો એક્ટની કલમ ૧૧ અને ૧૨ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
કૉર્ટે એક વર્ષની સખ્ત કેદ ફટકારી
આ કેસમાં ૫ દસ્તાવેજી પુરાવા અને ૧૧ સાક્ષી તપાસીને પોક્સો કૉર્ટના ખાસ જજ જે.એ. ઠક્કરે પિતા પુત્રને દોષી ઠેરવી કલમ ૭૮ હેઠળ ૧ વર્ષની સખ્ત કેદ સાથે દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કલમ ૧૧૫ હેઠળ ત્રણ માસની સાદી કેદ અને પાંચસો રૂપિયા દંડ, કલમ ૩૫૨ હેઠળ છ માસની સાદી કેદ અને એક હજાર દંડ તથા પોક્સો એક્ટની કલમ ૧૨ હેઠળ ૧ વર્ષની સખ્ત કેદ સાથે દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
બેઉ આરોપીને કરવામાં આવેલા દંડની કુલ ૪૩ હજાર રૂપિયાની રકમ ગુનાનો ભોગ બનનાર કિશોરીને વળતર પેટે ચૂકવી આપવા ઉપરાંત ડિસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઑથોરીટીને પચાસ હજાર રૂપિયાનું વળતર ચૂકવવા ભલામણ કરી છે.
આ કેસમાં સરકાર તરફે જિલ્લાના મુખ્ય સરકારી વકીલ એચ.બી. જાડેજાએ હાજર રહી સાક્ષીઓ તપાસીને દલીલો કરી હતી.
Share it on
|