કચ્છખબરડૉટકોમ, ભુજ (ઉમેશ પરમાર) ઈન્ટરનેટ વિશ્વમાં AI (આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સ)એ રીતસરની યુગ પરિવર્તનકારી ક્રાંતિ કરી છે. માનવ સભ્યતાની સુખ-સુવિધા વધારવા સાથે શિક્ષણ, આરોગ્ય સહિતના મોટાભાગના ક્ષેત્રોમાં AIનો વિનિયોગ થઈ રહ્યો છે. ત્યારે, અમેરિકા રહેતો ૧૭ વર્ષનો એક છોકરો આરોગ્ય સેવાઓથી વંચિત કચ્છના અંતરિયાળ વિસ્તારોના લોકોને ઝામરના અંધાપાથી સમયસર ઉગારી લેવા AIના એક નવતર ટૂલ્સ સાથે માંડવીના ભોજાય આવી રહ્યો છે. આ છોકરો છે ક્રિશ નચનાની. ભારતીય મૂળના સિંધી પરિવારના પુત્ર ક્રિશે ઝામર (ગ્લોકોમા)થી પીડાતી દાદીને જોઈને ઝામર વિશે સંશોધન શરૂ કરેલું.
ઝામર એ સાયલન્ટ કિલર છે
આંખમાં કાયમી ધોરણે અંધાપો લાવતો ઝામર એ સાયલન્ટ કિલર છે. તેનું સમયસર નિદાન જરૂરી છે. નેત્રરોગ નિષ્ણાત વગર રોગનું નિદાન શક્ય નથી. ક્રિશે જોયું જાણ્યું કે આફ્રિકાના અનેક દેશોમાં લાખો લોકો પૂરતી આરોગ્ય સેવાઓના અભાવે ઝામરના લીધે અંધાપો ભોગવી રહ્યાં છે. ભારત જેવા વિકસીત દેશમાં પણ ઠેર ઠેર આરોગ્ય સેવાઓનો અભાવ ક્રિશને આંખે ઉડીને વળગ્યો.
કેલિફોર્નિયામાં ભણતાં ભણતાં AI ટૂલ ડેવલોપ કર્યું
કેલિફોર્નિયાની યુનિવર્સિટીના ઈન્ટર્ન ક્રિશે તેણે વિખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટી સાથે સંકળાયેલાં નેત્રરોગ નિષ્ણાત ડૉ. મેઘન શૅનની લેબોરેટરીમાં ઝામરનું સરળતાથી નિદાન કરી આપતી AI એપ ડેવલોપ કરી છે. અમેરિકાથી કચ્છખબર સાથે સંવાદ સાધતા ક્રિશે જણાવ્યું કે આ AI એપ એકદમ સુગમ અને સરળ છે. કોઈપણ સામાન્ય એન્ડ્રોઈડ ફોન પર તે ઓપરેટ કરી શકાય છે.
દર્દીની આંખના પડદા (રેટિના)નો ફોટો (ફંડસ ઈમેજ) એપમાં પોસ્ટ કરો અને એક મિનિટમાં જ ઝામરનું નિદાન થઈ જાય છે.
પછાત અને અર્ધવિકસીત દેશોમાં કે જ્યાં ઈન્ટરનેટનો વ્યાપ ખૂબ મર્યાદિત છે ત્યાં ઈન્ટરનેટ વગર આ એપ ઓફ્ફલાઈન પણ કાર્ય કરી શકે છે. કોઈપણ આરોગ્ય સ્વયંસેવક યા કાર્યકરને આ એપ માટે પંદર મિનિટની બેઝિક જાણકારી આપ્યા બાદ તે સરળતાથી એપ ઓપરેટ કરી શકે છે. દર્દીની આંખની કીકીને ટીપાં નાખી વિસ્ફારિત (ડાયલેટેશન) કર્યા બાદ, 20-ડી લેન્સથી ફંડસ ઈમેજ લઈ અપલોડ કરો એટલે એક તરત નિદાન.
કાલે ભોજાય સર્વોદય ટ્રસ્ટમાં કરશે નિદાન
ક્રિશ કહે છે કે આ AI એપ હજુ પ્રાયોગિક ધોરણે છે, પણ પરિણામ ઉત્સાહવર્ધક છે. આવતીકાલે રવિવારે સવારે નવથી બપોરે એક વાગ્યા દરમિયાન ભોજાય સર્વોદય ટ્રસ્ટ ખાતે ક્રિશ પોતે આ AI એપથી ઝામરનું નિદાન કરીને નેત્ર રોગ નિષ્ણાત સાથે સલાહ પરામર્શ કર્યાં બાદ દર્દીઓને તેનો રિપોર્ટ આપશે.
ગરીબ દર્દીઓને અંધાપાથી બચાવવાનો હેતુ
સૌથી મોટી વાત એ છે કે આ એપ નિઃશુલ્ક છે. તેની વેબસાઈટ www.glaucoscan.ai પર ક્લિક કરી તેનો ઉપયોગ કરી શકો છો. એપ કોઈ ઈમેજ સ્ટોર કરતી નથી, દર્દીની અંગત માહિતી માગતી નથી એટલે પર્સનલ ડેટા બ્રીચનો મુદ્દો જ ઉપસ્થિત થતો નથી. આગામી દિવસોમાં તે મોતિયો તથા ડાયાબિટીક રેટિનોપથી, એજ રીલેટેડ મેક્યુલર ડીજનરેશન જેવા આંખના પડદાના અન્ય જટિલ રોગોનું નિદાન પણ AI એપથી સરળતાથી ઉપલબ્ધ થાય તે દિશામાં કાર્યરત છે. ક્રિશ કહે છે કે ગરીબો અને આરોગ્ય સેવાના અભાવવાળા વિસ્તારોમાં રહેતાં દર્દીઓને સમયસર અંધત્વથી બચાવવાનો જ મારો ઉદ્દેશ છે.
Share it on
|