કચ્છખબરડૉટકોમ, ભુજ (ઉમેશ પરમાર) ઘણાં હિંદુ ધર્મશાસ્ત્રોમાં જણાવ્યા મુજબ આપણી ધરતી શેષનાગના માથાં પર ટકેલી છે. આ શેષનાગ એટલે વાસુકિ. રેશનલિસ્ટ્સ કે ઈન્ટેલેક્ચ્યુઅલ્સની નજરે વાસુકિ નાગની વાતો કેવળ ‘મિથ’ છે પરંતુ ઓડિશાની રૂરકી IITના બે નિષ્ણાત સંશોધક (paleontologist)એ કચ્છના પાન્ધ્રોમાં લિગ્નાઈટ ખાણમાંથી વાસુકિના અવશેષો મળ્યાં હોવાનું જાહેર કરતું એક સંશોધન સાયન્સ જર્નલ ‘સાયન્ટીફિક રીપોર્ટસ’માં પ્રગટ કરતાં સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચાયું છે.
આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રગટ થયું સંશોધન
કાળની ગર્તામાં નામશેષ થઈ ગયેલી સજીવસૃષ્ટિના અશ્મિઓ (Fossils)ને ખોદકામ કરીને શોધી, તેનું વૈજ્ઞાનિક ઢબે પરીક્ષણ કરી લાખો કરોડો વર્ષ પૂર્વે કેવા પ્રકારની સજીવસૃષ્ટિ વિકસેલી હશે તેનો અભ્યાસ અનુમાન કરતાં પેલિઓન્ટોલોજીસ્ટ ડૉ. દેવજીત દત્તા અને તેમના સાથી સુનિલ બાજપાઈએ સંયુક્ત રીતે લખેલાં આ ખાસ અહેવાલમાં તેમની શોધ અંગે વાત કરતાં જણાવ્યું છે કે પાનધ્રો લિગ્નાઈટ ખાણમાંથી તેમને વાસુકિ નાગના ૨૭ કંકાલ અવશેષના અશ્મિ (Fossils Vertebrae) મળેલાં. તેનો વૈજ્ઞાનિક અભ્યાસ કરતાં તેઓ એ તારણ પર આવ્યાં છે કે આ અવશેષો અંદાજે ૪૭ મિલિયન (એક મિલિયન બરાબર દસ લાખ) વર્ષ અગાઉ પૃથ્વી પર વિચરતાં મહાકાય વાસુકિ સર્પના જ છે.
અતિ વિશાળકાય હતો નાગરાજા વાસુકિ
અવશેષોના આધારે દત્તાએ અનુમાન વ્યક્ત કર્યું છે કે તે સર્પ અંદાજે ૧૫ મીટર અથવા ૪૯ ફૂટ લાંબો હશે અને તેનું વજન અંદાજે ૧ હજાર કિલો એટલે એક ટન જેટલું હશે. નજીકમાં સમુદ્રકાંઠો હોઈ કાદવ કળણયુક્ત જમીનમાં તે વિચરતો રહેતો હશે. અતિ વિશાળકાય હોઈ તે ધીમે ધીમે વિચરતો હશે. વાસુકિ બિનઝેરી સર્પ હશે અને આજના અજગર કે એનાકોન્ડા જેવા સાપની જેમ તે મારણ ફરતે વીંટળાઈને તેનો શિકાર કરતો હશે. તે યુગમાં પૃથ્વી પરનું તાપમાન આજના તાપમાન કરતાં અનેકગણું વધારે હશે. સર્પના કંકાલ અવશેષ અડધા મળ્યાં છે તેથી તેની લંબાઈ અને વજનનો તેમણે અંદાજ બાંધ્યો છે.
૨૦૦૯માં ઉત્તર કોલંબિયાની કોલસા ખાણમાં આ જ રીતે વાસુકિના પૂર્વજ એવા વિશાળ સર્પ ટાઈટનોબોઆના અવશેષો મળ્યાં હતાં. જે ૧૩ મીટર લાંબો અને ૫૮થી ૬૦ મિલિયન વર્ષ અગાઉ પૃથ્વી પર જોવા મળતો હતો.
પાન્ધ્રો ખાણમાંથી મળેલાં અવશેષો (અશ્મિ) અને કોલંબિયામાં મળેલાં અશ્મિઓની તુલના કરતાં ડૉ. સુનિલ બાજપાઈ જણાવે છે કે બેમાંથી કયો સર્પ અતિ વિશાળકાય હશે તેનું હાલ અનુમાન કરવું અઘરું છે. જે કંકાલ અશ્મિ મળ્યાં છે તેમાંથી સૌથી મોટું અશ્મિ ૧૭ ઈંચ જેટલું પહોળું છે. જો કે, વાસુકિના મસ્તકના અશ્મિ મળ્યાં નથી.
ડાયનાસોર ખતમ થયાં બાદ વાસુકિનું અસ્તિત્વ
નિષ્ણાતોની નજરે ૬૬ મિલિયન વર્ષ અગાઉ જ્યારે પૃથ્વી પર વિચરતાં વિશાળકાય ડાયનાસોરનું અસ્તિત્વ ખતમ થઈ ગયું હતું અથવા થવાના આરે હતું ત્યારે શરૂ થયેલાં Cenozoic યુગમાં વાસુકિ જેવા સર્પ વિહરતાં હતાં. પાન્ધ્રો ખાણમાંથી મળેલાં અશ્મિના આધારે બેઉ તજજ્ઞો એ અનુમાન વ્યક્ત કરે છે કે ૫૦ મિલિયન વર્ષ અગાઉ જ્યારે ભારતીય ઉપખંડની જમીનની પ્લેટ યુરોપની યુરેશિયા પ્લેટ સાથે ટકરાઈ ત્યારબાદના યુગમાં આ સર્પનું અસ્તિત્વ જોવા મળે છે. વાસુકિનું અસ્તિત્વ ભારતથી લઈ દક્ષિણ યુરેશિયા અને ઉત્તર આફ્રિકા સુધી વિસ્તરેલું હશે. મોટાભાગે તેનો ખોરાક મગરમચ્છો, માછલીઓ અને પ્રાચીન વ્હેલ માછલીઓ (Kutchicetus and Andrewsiphiu) હશે. ૧૨ હજાર વર્ષ પૂર્વે આ મહાસર્પ પ્રજાતિનો પૃથ્વી પરથી વિનાશ થયો હશે.
વાસુકિ એટલે પૃથ્વીના તમામ સર્પોનો રાજા
ગુજરાતી શબ્દકોષ ભગવદ્ ગોમંડલમાં જણાવ્યા મુજબ ‘વાસુકિ એટલે પૃથ્વી પરના તમામ સર્પોનો રાજા; કશ્યપ અને કદ્રુનો પુત્ર. કદ્રુએ હજાર નાગને જન્મ આપ્યા હતા. આ સર્વ સર્પોનો અધિપતિ વાસુકિ હતો. તેની સ્ત્રીનું નામ શતશીર્ષાં હતું. દેવો અને દૈત્યોએ સમુદ્રમંથન કાળે તેનું નેતરું (દોરડું) બનાવ્યું હતું. વાસુકિ પાતાળમાં રાજ કરે છે. સુરેન્દ્રનગરના થાનમાં વાસુકિ સર્પદેવનું તળાવકાંઠે એક પ્રાચિન મંદિર આવેલું છે. કહેવાય છે કે કોઈ અંધારી રાત્રે જાણે સર્ચલાઈટ હોય તેવો પ્રકાશ ફેલાવતાં દાદા ફરવા નીકળે છે ને આંટો મારી ચાલ્યા જાય છે. તેમનું જાડું વૃધ્ધ શરીર, સફેદ મૂછો અને સૂપડાં જેવી ફેણ છે’ અન્ય એક ગુજરાતી શબ્દકોષ ‘સાર્થ’માં વાસુકિનો અર્થ ‘નાગોનો રાજા’ લખાયો છે.
Share it on
|