|
કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારના વરસામેડીમાં આવેલી સર્વે નંબર ૬૪૨ની કિંમતી જમીન મૃત માલિકના નામનું બનાવટી પાવરનામું બનાવી બારોબાર વેચી મારવાના કૌભાંડમાં અંજાર પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આ ગુનામાં કાવતરું રચી અન્ય આરોપીઓ સાથે સંકલન સાધનારા મુંબઈના મુલુંડના ૪૯ વર્ષિય પ્રકાશ પ્રેમજીભાઈ દૈયાને અંજાર પોલીસ મુંબઈથી પકડી લાવી છે. આ કાવતરામાં પ્રકાશે મુંબઈના અન્ય આરોપીઓ વચ્ચે સંકલનની ભૂમિકા ભજવી હોવાનું બહાર આવ્યું છે. બે માસ અગાઉ ૨૬ ઑગસ્ટના રોજ સાત લોકોની ગેંગ વિરુધ્ધ અંજાર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
આરોપીઓએ વર્ષો અગાઉ મૃત્યુ પામેલાં શામજીભાઈ શિવજીભાઈ ચાચાણીને ચોપડા પર જીવિત દર્શાવીને તેમનું ફેક પાવરનામું તૈયાર કરેલું.
પાવરદાર મહેશ શંકર ચંદ્રાએ પાવરનામાના આધારે આ જમીન ધાણેટીના પચાણ સુરા રબારી નામના શખ્સને વેચી હોવાના દસ્તાવેજ બનાવાયાં હતા.
દિનમામદ ગુનાનો મુખ્ય સૂત્રધાર
આ ગુનામાં હિંદુમાંથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરનારા અંજારનો દિનમામદ કાસમ રાયમા ઊર્ફે પંકજ હિતેનભાઈ વાણિયા મુખ્ય સૂત્રધાર હોવાનું સપાટી પર આવ્યું હતું. પોલીસે ધાણેટીના ભુવા પચાણ રબારીને પણ અંદર કર્યો હતો. તો, શામજીભાઈ બનીને પાવર ઑફ એટર્ની લખી આપનાર મુંબઈના ૬૯ વર્ષિય શંકર કેશવજી ચંદ્રા, તેના દીકરા મહેશની અને બોગસ દસ્તાવેજમાં સાક્ષી તરીકે સહી કરનાર સુલતાન ખલીફાની પણ પોલીસે ધરપકડ કરેલી.
સમગ્ર કૌભાંડમાં અંજાર પોલીસ સ્ટેશનમાં જે-તે સમયે ફરજ બજાવનારા એક પોલીસ સબ ઈન્સ્પેક્ટરે પડદા પાછળ ભજવેલી ભૂમિકા પણ બહાર આવી હતી.
જો કે, આ પીએસઆઈ હજુ સુધી આરોપી તરીકે ચોપડે ચઢ્યો નથી. એ જ રીતે, આ ગુનામાં સાક્ષી તરીકે સહી કરનારા અઝીઝ સૈયદ અને રાજુ અમરશી બારોટ નામના બે પ્યાદા પણ હજુ પોલીસને હાથ લાગ્યાં નથી. પીઆઈ એ.આર. ગોહિલ અને તેમની ટીમ નાસતાં ફરતાં આરોપીઓને પકડવા માટે સતત પ્રયત્નશીલ છે.
Share it on
|