|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ નજીક માનકૂવા ગામે વાડીમાં ગાંજાનું વાવેતર કરનાર ૫૬ વર્ષિય નારણ કાનજી ભુડીયાને ભુજની વિશેષ NDPS કૉર્ટે ૪ વર્ષની સખ્ત કેદની સજા સાથે ૫૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ૩જી મે ૨૦૨૧ની મધરાતે પોણા બે વાગ્યે બાતમીના આધારે માનકૂવા પોલીસે વિચેશ્વર વાડી વિસ્તારમાં આવેલા ખેતરમાં રેઈડ કરેલી. આરોપી નારણ ભુડીયા (રહે. ઓમનગર, માનકૂવા જૂનાવાસ)એ એરંડા અને શેરડીના પાકના ઓઠાં તળે ગાંજાના વાવેલાં ૩૩ છોડ પોલીસે કબજે કરેલાં. જપ્ત કરાયેલાં છોડનું વજન ૪ કિલોગ્રામ ૨૬૧ ગ્રામ અને તેનું મૂલ્ય ૪૨ હજાર ૬૧૦ રૂપિયા નિયત થયું હતું. આ કેસમાં આજે ખાસ NDPS કૉર્ટના જજ વી.એ.બુધ્ધે NDPS એક્ટની કલમ ૮ (સી) અને ૨૦ (બી) હેઠળ નારણ ભુડીયાને દોષી ઠેરવી ૪ વર્ષના કારાવાસ સાથે ૫૦ હજારનો દંડ ફટકાર્યો છે. આ કેસમાં ફરિયાદ પક્ષે મદદનીશ સરકારી વકીલ સુરેશ એ. મહેશ્વરીએ દલીલો કરી હતી.
Share it on
|