|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છમાં માર્ગ અકસ્માતનો સિલસિલો યથાવત્ રહ્યો છે. અંજારના ખેડોઈ અને રાપરના ફતેહગઢ નજીક અજાણ્યા વાહનોની ટક્કરે બે યુવકના મોત નીપજાવીને વાહનચાલકો વાહન સમેત નાસી છૂટ્યાં છે. પધ્ધર પાસે કારની ટક્કરે યુવકનું મોત નીપજ્યું છે. ભુજ તાલુકાના જવાહરનગર ગામ નજીક પગપાળા જઈ રહેલા ચાર યુવકોને સ્કોર્પિયો કારે પાછળથી ટક્કર મારતાં ગંભીર ઈજાથી એક યુવકનું મોત નીપજ્યું છે. ગઈકાલે સાંજે સાડા સાતના અરસામાં દુર્ઘટના ઘટી હતી. મરણ જનાર શંકર થાવરભાઈ રબારી (રહે. કરમટા, અબડાસા) અને તેના તેના ત્રણ મિત્રો શંકર બીજલભાઈ રબારી, રામાભાઈ વંકાભાઈ રબારી, મંગલ ગાભાભાઈ રબારી (રહે. ત્રણે હરુડી, લખપત) હરૂડી ગામથી મોમાઈ માતાના દર્શન અર્થે મોરાગઢ (મોમાઈમોરા, રાપર) પગપાળા જતા હતા. દુર્ઘટનામાં અન્ય ત્રણેને હળવી મધ્યમ ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે પધ્ધર પોલીસે GJ-12 FF-0512 નંબરની સ્કોર્પિયો કારના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લઘુશંકા કરવા ઊભાં રહ્યાં ને મોત આંબી ગયું
રાપરથી મૌવાણા ગામ તરફ જતા ફતેહગઢથી શિવગઢ વચ્ચેના માર્ગ પર અજાણી કારની ઠોકરે મૌવાણા ગામના ૨૭ વર્ષિય જેઠાભાઈ મોતીભાઈ કોલી નામના યુવકનું સ્થળ પર કરુણ મોત નીપજ્યું છે. દુર્ઘટના ગઈકાલે સાંજે સાડા આઠના અરસામાં સર્જાઈ હતી. મરણ જનાર જેઠાભાઈ અને તે જેનું ખેતર ભાગવે વાવતો હતો તે ખેતર માલિક કિશોરસિંહ વાઘેલા બેઉ રાપરથી મોટર સાયકલ પર મૌવાણા જવા નીકળેલાં.
રસ્તામાં બાઈક થોભાવીને બેઉ જણ રોડની સાઈડમાં લઘુશંકા કરતા હતા ત્યારે મૌવાણા બાજુથી પૂરપાટ આવતી અજાણી કારે જેઠાને ટક્કર મારતા, માથા મોઢામાં ગંભીર ઈજાઓથી સ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું.
અકસ્માત સર્જનારો ચાલક કાર લઈને નાસી છૂટ્યો હતો. પોલીસે હિટ એન્ડ રનની કલમો તળે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ખેડોઈ પાસે અજ્ઞાત વાહને બાઈકચાલકને કચડ્યો
અંજારના ખેડોઈ પુલ નજીક સર્વિસ રોડ પર મોટર સાયકલ પર જઈ રહેલા યુવકને પાછળથી અજાણ્યો વાહનચાલક ટક્કર મારી, મૃત્યુ નીપજાવી વાહન સમેત નાસી છૂટ્યો છે. ગઈકાલે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં દુર્ઘટના સર્જાઈ હતી જેમાં મૃતકનું મોઢું માથું છુંદાઈ ગયા હતા. મરણ જનાર કપ્તાનસિંહ મહાવીરસિંહ જાટ મૂળ યુપીના મથુરાનો વતની હતો અને વર્ષોથી આદિપુરમાં સ્થાયી થયેલો. બાઈક પર માન કંપનીમાં નોકરી જતો હતો ત્યારે કાળ આંબી ગયો હતો. મૃતકના ભાણિયાએ આપેલી ફરિયાદના આધારે અંજાર પોલીસે હિટ એન્ડ રનની કલમો તળે અજ્ઞાત વાહનચાલક વિરુધ્ધ ગુનો નોંધ્યો છે.
Share it on
|