કચ્છખબરડૉટકોમ, ભુજઃ પોતાના જ ઘરમાંથી ૯૫ લાખ રોકડાં મળી ૧ કરોડથી વધુની માલમતાની કથિત ચોરી કરીને મિત્ર વીર ભાવસાર સાથે ગોવા ફરવા નીકળેલાં ભુજના ૧૯ વર્ષના લબરમૂછિયા ઈશાન સિંઘના ચકચારી પ્રકરણમાં ગત રાત્રે અણધાર્યો વળાંક આવ્યો છે. અમદાવાદ એરપોર્ટ પરથી કોલકતાની ફ્લાઈટ પકડે તે પહેલાં બૉર્ડિંગ ગેટથી પકડીને પરત ભુજ લવાયેલા ઈશાને આખા દિવસની પૂછપરછના અંતે જે ઘટસ્ફોટ કર્યો તે જાણીને સહુ કોઈ ચોંકી ઉઠ્યાં હતા. હકીકત કંઈક બીજી જ નીકળી
ઈશાન ઘરમાં હાથફેરો કરીને મિત્ર જોડે મોજ મજા કરવા નીકળ્યો હોવાનું મનાતું હતું પરંતુ હકીકતે તેને સોસાયટીમાં જ રહેતા રાહુલ ભગવાનજી સોલંકી નામના મિત્રએ બ્લેકમેઈલ કરેલો. રાહુલે તેના ઘરમાંથી બળજબરીપૂર્વક ચોરી કરેલી અને ઈશાનને ગોવા ફરવા માટે ધકેલી દીધો હતો.
જાણો, કોણ છે ઈશાન અને કેવી રીતે પડ્યો એકલો
ભુજની જૂની રાવલવાડીમાં આઈસ ફેક્ટરીની પાછળ આવેલા સિધ્ધાર્થ પાર્કમાં રહેતો ઈશાન ધોરણ બારમાં એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરે છે. તેના પિતા માધવેન્દ્રસિંઘ રાજપૂત લશ્કરી દળોના બાંધકામ કોન્ટ્રાક્ટર તરીકેની પેઢી ધરાવતા હતા. ગત જાન્યુઆરી માસમાં તેમનું હાર્ટ એટેકથી નિધન થયેલું. ઈશાનની મોટી બહેન કાનપુરમાં એમડી (પેથોલોજી)નો અભ્યાસ કરે છે. પિતાના નિધન બાદ બધો કારોબાર ઈશાનની માતા ટ્વિન્કલસિંઘ સંભાળી રહ્યાં છે. ૧૬મી જૂલાઈના રોજ ટ્વિન્કલસિંઘ જરૂરી કામસર લખનૌ ગયેલાં. ઈશાન ઘરે એકલો હતો.
પાડોશી રાહુલ સોલંકી ઈશાનને ડરાવતો હતો
સિધ્ધાર્થ પાર્કમાં જ રહેતો રાહુલ ભગવાનજી સોલંકી ઈશાનનો ખાસ મિત્ર હતો. બે માસ અગાઉ ઈશાને રાહુલ જોડે ઈંગ્લિશ દારૂ પીને સિગારેટ પીધેલી.
રાહુલે ઈશાનનો દારુ-સિગારેટ પીતો વીડિયો તેના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધેલો અને ઈશાનને ઘરમાંથી ચોરી કરીને ૧૫ લાખ લઈ આવી તેને આપવાનું કહી જો નાણાં ના આપે તો આ વીડિયો તેની માતાને બતાડી દેવાનું કહીને ડરાવતો, બ્લેકમેઈલ કરતો હતો.
રાહુલ તેને કહેલું કે ‘તને ખબર જ છે કે તારી મા કેવી છે, આ વીડિયો જોશે તો તને જાનથી મારી નાખશે’
શનિવારે રાત્રે તિજોરીમાંથી બળજબરી ચોરી કરેલી
ઈશાનની માતા લખનૌ ગઈ હોવાનું જાણતાં રાહુલે ૧૮મી જૂલાઈની રાત્રે ઈશાનના ઘરે આવી, તિજોરીમાંથી તેને ચોરી કરવા દેવા દબાણ કરેલું. ચાવી ઈશાનની માતા પાસે હોઈ રાહુલે કાતરથી તિજોરીનું લૉક ખોલવા પ્રયાસ કરેલો પરંતુ લૉક ખૂલ્યું નહોતું. ડરી ગયેલો રાહુલ રડવા માંડતા તે જતો રહેલો. બીજા દિવસે એટલે કે ૧૯મી જૂલાઈની રાત્રે ઈશાન તેના ઘરમાં મિત્ર વીર ભાવસાર, સચિન પ્રસાદ જોડે આઈપેડ પર ગેમ રમતો હતો ત્યારે રાહુલ ફરી આવેલો અને તિજોરી ખોલી ચોરી કરવા દેવા માટે દબાણ કરેલું. ગભરાયેલા ઈશાને આ અંગે વીર અને સચિનને વાત કરીને વિનંતી કરેલી કે રાહુલ ઘરની તિજોરી તોડે તો તમે કોઈને કહેતાં નહીં. રાહુલને મદદ કરવામાં ઈશાન સાથે તેના બે મિત્રો પણ જોડાયાં હતા.
ડુપ્લિકેટ ચાવી બનાવવા સરદારને બોલાવ્યો
તિજોરીનું લૉક ના ખૂલતાં રાહુલે ઈશાનને ધમકાવી વીર જોડે ગણેશનગરમાં રહેતા ચાવી બનાવી આપતા સરદારજીને લઈ આવવા જણાવેલું. ઈશાન મોડી રાત્રે સરદાર ઉદલસિંઘને મળેલો. રાત્રે ૧૨ વાગ્યે તે સરદારજીને લઈ ઘેર આવ્યો ત્યારે ત્યાં હાજર રાહુલે પોતે ઈશાનનો મામા હોવાનું કહીને ઈશાન નલિયા એરફોર્સનો અધિકારી હોવાનું જણાવી, કાલે ઈમરજન્સીમાં નલિયા એરફોર્સ જવાનું છે, કેટલાંક અગત્યના ડૉક્યુમેન્ટસ તિજોરીમાં રાખેલાં છે પરંતુ ચાવી મળતી નથી તેવી ખોટી વાતો કરીને તિજોરીની ડુપ્લિકેટ ચાવી બનાવી લેવડાવી હતી. સરદારના ગયા બાદ રાહુલ તિજોરીમાં રહેલી રોકડ રકમ અને ઘરેણાં ચોરી લઈને પોતાના ઘેર જતો રહ્યો હતો.
ચોરી બાદ ઈશાનને મિત્ર જોડે ભુજ બહાર ભગાડ્યો
ઈશાનના ઘરમાં ચોરી કર્યાં બાદ રાહુલે નવો પ્લાન બનાવ્યો હતો. સવારે આઠ વાગ્યે તેણે ઈશાનને મળી જણાવેલું કે ‘ઘરમાં ચોરી વિશે તારી માતાને ખબર પડશે તો તું જવાબ નહીં આપી શકે. તેથી એક કામ કરો, તું અને તારા બેઉ મિત્રો વીર અને સચિન ત્રણે જણાં ગોવા ફરવા નીકળી જાવ. તમારા મોબાઈલ મને આપી દો, હું તમને નવા મોબાઈલની વ્યવસ્થા કરી આપું છું. ભુજથી નીકળો પછી મારા સિવાય બીજો કોઈનો કોન્ટેક્ટ કરતાં નહીં. તારી મા આવશે તો હું તેને સમજાવી મામલો ઠંડો પડ્યા બાદ તમને પાછાં ભુજ બોલાવી લઈશ’
ગોવાનું પેકેજ ટૂર બૂક કરી ૭૦ હજાર આપેલા
રાહુલની સૂચના મુજબ ઈશાન અને વીર ગોવા જવા તૈયાર થઈ ગયાં હતા. પરંતુ, સચિને ઈન્કાર કરેલો. બેઉના મોબાઈલ ફોન રાહુલે લઈ લીધેલા અને તેમને બે નવા આઈફોન આપેલાં. બેઉને રોકડાં ૭૦ હજાર વાપરવા આપીને રાહુલે તેના મિત્ર રવિ ઊર્ફે રાહુલ મોહનભાઈ મહેશ્વરી (રહે. માનકૂવા)ની મદદથી બેઉને ગોવાની પેકેજ ટૂર બૂક કરાવી દઈ ઈનોવા કારમાં બેઉને અમદાવાદ રવાના કરી દીધા હતા.
જો કે, ગોવાની ફ્લાઈટ ચૂકી જતાં રાહુલના કહ્યા મુજબ ઈશાને કોલકતાની ફ્લાઈટ બૂક કરાવેલી. રાહુલના કહેવાથી નવા પાંચ સીમકાર્ડ ખરીદેલાં. રાહુલ સતત તેમના સંપર્કમાં રહેતો હતો.
ઈશાને બહેનને આપેલો સંદેશ જાણી મા ભડકેલી
ગોવા જવા નીકળ્યાં બાદ ઈશાને નવા નંબર પરથી કાનપુરમાં ભણતી તેની મોટી બહેનને ફોન કરીને જણાવેલું કે ‘હું ગોવા જવા નીકળી ગયો છું. પાછળ આવતાં નહીં, નહિતર ખોટું પગલું ભરી લઈશ’
બહેને માતાને આ અંગે વાત કરતાં માતા ટ્વિન્કલસિંઘ ભડકી હતી. તે તુરંત જ ફ્લાઈટથી ભુજ દોડી આવી હતી.
રાહુલ જ ઈશાનની માને એરપોર્ટ અને પો.સ્ટે. લઈ આવેલો
ટ્વિન્કલસિંઘે રાહુલ સોલંકીને ફોન કરીને પોતાને સાંજે પાંચ વાગ્યે ભુજ એરપોર્ટ પર કાર લઈને તેડવા આવવા જણાવેલું. રાહુલ સચિનને લઈને થાર કારમાં ટ્વિન્કલસિંઘને એરપોર્ટ પર તેડવા પણ ગયેલો. ઘરે ગયાં બાદ ઘરની તીજોરી ખુલ્લી હોવાનું અને ચોરી થઈ હોવાનું જણાતાં ટ્વિન્કલસિંઘ તે જ થારમાં બેસીને રાહુલ જોડે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે દોડી આવેલ. ટ્વિંકલસિંઘને કલ્પના સુધ્ધાં નહોતી કે જે રાહુલ પર તેણે ભરોસો કર્યો છે તેણે જ ચોરી કરી છે અને દીકરાને બહાર જવા મજબૂર કર્યો છે.
પોલીસે રોકડ રકમ, દાગીના રીકવર કર્યાં
ઈશાને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ ઘરમાંથી અંદાજે ૯૫ લાખ રોકડાં અને દરદાગીના મળીને એક કરોડથી વધુ મતાની ચોરી કરી હોવાનું જણાવી તે મતા ભુજમાં મિત્રને રાખવા આપી હોવાનું જણાવેલું. પરંતુ, ઈશાનની માતાએ ઘરમાંથી ૮ લાખ રોકડાં અને સોનાના ઘરેણાં, બિસ્કીટ મળીને ૩૨.૩૦ લાખની માલમતાની ચોરી થઈ હોવાનું જણાવેલું.
બંનેને પોલીસે પકડ્યાં તે અગાઉ રાહુલ સોલંકીએ ઈશાનને ફોન પર જણાવેલું કે ‘મને ભુજ એ ડિવિઝન પોલીસ લઈ જાય છે, મારા નંબર પરથી ફોન આવે અને પોલીસ પૂછે તો પણ તમારું સાચું લોકેશન જણાવતાં નહીં’
ગઈકાલે બપોરથી પોલીસે ચારે જણની અલગ અલગ અને એકસાથે બેસાડીને ગહન પૂછપરછ કર્યાં બાદ બનાવ સ્પષ્ટ થયો હતો. મોડી રાતે રાહુલ સોલંકી અને રવિ ઊર્ફે રાહુલ મહેશ્વરી સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. રાહુલ મહેશ્વરી ઈસુઝુ કંપનીના શૉરુમમાં નોકરી કરે છે, પોલીસે તેની ઑફિસમાંથી ચોરીના રૂપિયા અને ઘરેણાં રીકવર કર્યાં છે. બેઉ એક દિવસના રિમાન્ડ પર છે. પીઆઈ અલ્પેશ પટેલ પૂછપરછ કરી રહ્યાં છે.
Share it on
|