કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજમાં લોકોને મીડિયામાં બદનામ કરવાની લુખ્ખી દમદાટી આપીને હપ્તા ઉઘરાવતાં તથા વસૂલતાં બે તોડબાજ પત્રકારો સામે ચાર જેટલી ફરિયાદો દાખલ થતાં સમાજનો પ્રબુધ્ધ વર્ગ ચોંકી ઉઠ્યો છે. કચ્છખબર ભૂતકાળમાં પણ આવા તોડબાજ પત્રકારોના કારનામા અવારનવાર બેખૌફ રીતે ઉજાગર કરતું રહ્યું છે. જો કે, હકીકત એ છે કે મીડિયાના નામે હપ્તા ઉઘરાવતી ફરતી કહેવાતા પત્રકારોની આખી ગેંગ કાર્યરત છે. ઓળખો, ગેંગમાં સામેલ બોગસ પત્રકારોને
આ પત્રકાર ગેંગમાં સાતથી આઠ જણાં સામેલ છે. ગેંગમાં આરટીઓના નુરિયા, કચ્છઉધઈના મનિયા, ભૂતકાળમાં લાઈનના ઘોડાઓને ચારો નીરતાં નીરતાં પત્રકાર બની બેઠેલા વરવા, તોડપાણીની ફરિયાદના પગલે બે મહિના અગાઉ પૂર્વે પ્રાદેશિક ચેનલમાંથી કાઢી મૂકાયેલા મેન્દ્રા, કચ્છ બહાર નાસી ગયેલા કજરા, ગંઢેચા વગેરેનો સમાવેશ થાય છે.
હરામની કમાણીમાંથી લૅવિશ લાઈફસ્ટાઈલ
તોડપાણી કરીને લાખ્ખો રૂપિયા ઉઘરાવી ખાતી આ ગેંગની લાઈફ સ્ટાઈલ એકદમ લૅવિશ છે. કાલ સુધી જે સાયકલના પંચર રીપેર કરી ખાતો હતો તે મોટી ચાર પૈડાંવાળી ગાડીનો માલિક બની ગયો છે. ગેંગના લગભગ તમામ લોકો પાસે મોંઘીદાટ ગાડીઓ છે.
એક જણો તો બ્રાન્ડેડ ડિઝાઈનર ગારમેન્ટ ખરીદવા ખાસ ભુજથી ફ્લાઈટ મારફતે મુંબઈ જઈને બૉલિવુડ સ્ટાર્સ જ્યાંથી ડિઝાઈનર ગારમેન્ટ ખરીદે છે ત્યાંથી લુગડાં ખરીદે છે.
પગમાં વીસ પચ્ચીસ હજારના જૂતાં, લેટેસ્ટ મોડેલના આઈ ફોન, મોંઘીદાટ વૈભવી કાર, ફટફટિયાં વગેરે મફતની હરામની કમાણીમાંથી ખરીદાયેલા છે. મરજી પડે ત્યારે કાશ્મિર, ઉત્તરાખંડથી લઈ દુબઈની સૈર કરી આવવાની.
પોલીસ ખરેખર આ ગેંગની આવકનો સ્ત્રોત તપાસે તે પણ જરુરી છે.
બે ત્રણ જણાં તો બેથી પાંચેક કરોડના આસામી છે, છેલ્લાં સાત આઠ વર્ષમાં તેણે ભુજ અને આસપાસમાં અનેક જમીનો પણ ખરીદેલી છે.
ગેંગની મોડસ ઓપરેન્ડી લાયઝન ઑફિસર જેવી છે
આ ગેંગ ભુજમાં વિવિધ સરકારી કચેરીઓ, પોલીસ ખાતાના અધિકારીઓની ચેમ્બરોમાં પડી પાથરી રહે છે. અધિકારીઓના બર્થ ડે હોય તો ફૂલોનો બૂકે લઈને કે કેક લઈને પહોંચી જાય છે. તેમની નાની નાની કામગીરીને પોઝિટીવલી રીતે સોશિયલ મીડિયામાં હાઈલાઈટ કરવાનું કહીને ટ્વિટર અને વોટસએપ ગૃપોમાં પોસ્ટ કરવાનું કામ કરે છે.
ટ્વિટર પર અધિકારીને સંલગ્ન વિભાગના સચિવો, સીએમ, પીએમ, એચએમ વગેરેને ટેગ કરીને અધિકારીઓની વાહ વાહ કરે છે.
અધિકારીઓ સાથેના આવા સીધા સંપર્કોનો દુરુપયોગ પછી ફિલ્ડમાં તોડબાજી કરવામાં અને દરોડા પડાવવામાં, કર્મચારીઓ પાસેથી પૈસા વસૂલીને બદલી કરાવવા વગેરે જેવા ગોરખધંધામાં થાય છે. ભૂતકાળમાં આ ગેંગની ભેખડે ભરાઈને પૂર્વ કચ્છના એક પોલીસ અધિકારીએ એક રાજકીય પાર્ટી વિશે વિવાદાસ્પદ ઉચ્ચારણો કરતાં પોલીસ ખાતાંની ભારે બદનામી થયેલી.
રાત પડે ને ગેંગનો દિવસ ઉગે છે!
રાત પડે ને આ ગેંગનો દિવસ ઉગે છે! ગેંગ જુદાં જુદાં વાહનોમાં ચોક્કસ વિસ્તારોને ટાર્ગેટ કરતી નીકળી પડે છે. જે મળે અને જ્યાં મળે તેને અટકાવીને તોડ જ કરવાનો. તોડ ના થાય તો સરકારી અધિકારીઓ સાથેના સંપર્કોનો ઉપયોગ કરી દરોડા પડાવવા પ્રયાસ કરવાનો.
આ ધંધાર્થીઓ કાયમ ગેંગના હિટ લિસ્ટમાં
પોલીસ કે સરકારી તંત્રોની આંખમાં ધૂળ નાખીને ખોટા ધંધા કરતાં લોકો આ ગેંગના હિટ લિસ્ટમાં જ કાયમ હોય છે. દેશી વિદેશી દારુ વેચતાં નાનાં મોટાં બૂટલેગરો, ગેરકાયદે ખનિજ ખનન કરતી ફેક્ટરીઓ, ઓવરલોડ વાહનોના માલિકો, કુટણખાનું ચલાવતાં ભુજ ગાંધીધામના સ્પાવાળા, ચોરીનો માલ રાખતાં ભંગારવાડાવાળા, આંકડા રમાડતાં નાનાં મોટાં બુકીથી લઈ ક્રિકેટ મેચો પર લાખ્ખોનો સટ્ટો રમાડતાં મોટાં બુકીઓ વગેરે લોકો પાસેથી આ ગેંગ નિયમિત રીતે પાંચસો અને પાંચ હજારથી લઈ લાખ રૂપિયા સુધીનો હપ્તો ઉઘરાવી ખાય છે. કોઈ હપ્તો ના આપે તો સરકારી તંત્રની રેઈડની બીક બતાડવાની. સરકારી તંત્ર કામગીરી ના કરે તો ચોપાનિયાં અને ફરફરિયામાં સમાચારો છાપી અધિકારીઓની કનડગત કરવાની.
દિવાળી ટાણે તો ગેંગ રીતસર આતંક મચાવે છે
આ ગેંગના સકંજામાંથી ખાણી-પીણીના નાનાં ધંધાર્થીઓથી લઈ રેસ્ટોરન્ટ, ઢાબા, મીઠાઈની દુકાનો, બેકરીઓવાળાં કોઈ બચ્યાં નથી. તેમાંય દિવાળી ટાણે તો આ ગેંગનો આતંક અત્યંત વધી જાય છે. જાહેરાત આપો યા દિવાળીનું મોઢું મીઠું કરાવોના બહાને આ ગેંગ નાનાં મોટા વેપારીઓ, ધંધાર્થીઓ જ નહીં બડી બડી કંપનીઓમાં જઈને ત્રાગાં કરે છે.
જમીનનો ડખો હોય કે જનસુનાવણી, ગેંગ કાયમ હાજર
કોઈ ઔદ્યોગિક એકમની પર્યાવરણીય જન સુનાવણી હોય કે છાપાઓમાં જમીન વિવાદને લગતી લિગલ નોટિસ, કાયમ તોડ કરવાની તાકમાં રહેતી આ ગેંગ તીડની જેમ ત્રાટકે છે. પત્રકારના નામે વારાફરતી ફોન પર ફોન કરીને લોકોને પરેશાન કરે છે.
મનિયાએ પત્રકાર ગેંગ વિશે એક લીટી ના લખી
બ્લેકમેઈલીંગ કરવા માટે રોજ કોઈકને ટાર્ગેટ કરતા મનિયા કે ચોટલીએ તેમના ફરફરિયામાં આજ દિન સુધી તોડબાજ પત્રકાર ગેંગ વિશે એક શબ્દ લખ્યો નથી! આ ગેંગે ભૂતકાળમાં બદનામ કરવા કયા કયા મીડિયાનો ઉપયોગ કરેલો છે તે દિશામાં પોલીસ ઊંડી તપાસ કરે તો હજુ ઘણાં કાંડ અને સાગરીતોની સંડોવણી સ્પષ્ટ થાય તેમ છે.
ગેંગે ભુજમાં એક ડૉક્ટરને હની ટ્રેપ કરેલો છે
આ ગેંગે ભુજના એક ડૉક્ટરને હની ટ્રેપ કરેલો અને વીડિયો ઉતારીને ખંડણી પણ વસૂલેલી છે. પોલીસે આ ડૉક્ટરને અનેક વિનવણી કરી પરંતુ બદનામીની બીકે તે ફરિયાદ નોંધાવતા અચકાય છે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. આ ડૉક્ટરને બદનામ કરવા માટે મનિયાએ પોતાના ફરફરિયામાં ‘ભુજના એક ડૉક્ટરનું ઈલુ ઈલુ’ મથાળા હેઠળ સમાચાર પ્રગટ કરી તોડ કરવા પ્રયાસ કરેલો.
પૂર્વ કચ્છના એક ધાર્મિક આગેવાન હડફેટે ચઢેલાં
એ જ રીતે, વાગડ બાજુના એક ધાર્મિક આગેવાનના પરિવારના અંગત બનાવમાં પણ સમાચાર ના છાપવા માટે ભુજના તોડબાજે લાખો રુપિયા માગેલાં. એલસીબી પીઆઈ એચ.આર. જેઠીએ ઉપરોક્ત બંને બનાવને સમર્થન આપી જણાવ્યું કે આવી ઘણી બાબતે અમારી પાસે રજૂઆતો આવેલી છે અને જરુરી પૂરાવા એકઠાં કર્યા બાદ ફરિયાદો દાખલ કરવા તજવીજ ચાલી રહી છે.
સરકારી તંત્રોનો દુરુપયોગ અને કાવાદાવા
નિરોણામાં દાખલ થયેલી ફરિયાદ જોતાં સ્પષ્ટ થાય છે કે તોડબાજ બેલડીએ ખનિજ ખાતાનો ઉપયોગ કર્યો હતો. પોલીસે આ મામલે પણ ઊંડી તપાસ કરવી જરૂરી છે. ભૂતકાળમાં શેખપીર પાસે તંત્રએ બાયો ડિઝલ ભરેલું ટેન્કર ઝડપેલું તેમાં પણ આ તોડબાજ ગેંગ સામેલ હતી. આ ગેંગે મહિને એક લાખ રૂપિયાનો હપ્તો માગેલો.
એ જ રીતે, ભૂતકાળમાં પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આ ગેંગે પોલીસ સ્ટાફ સાથે મળીને ખનિજ પરિવહન કરતા ટ્રક ચાલકો, માલિકોનો મોટાપાયે તોડ કરેલો છે.
આ ગેંગ દ્વારા આરટીઓના નામે શેખપીર પાસે થતી તોડબાજી કડકાઈથી ડામી દેનારા ગામિત નામના તત્કાલિન આરટીઓ ઑફિસર સામે રીતસર યુધ્ધ છેડી, સાચી ખોટી અરજીઓ કરાવીને તેને બદનામ કરવા ભૂતકાળમાં પ્રયાસ કરાયો હતો.
Share it on
|