કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છના લખપત નજીક મોટાં રણની ૫૦ હજાર એકર જમીન મીઠું પકવવા તેમજ મીઠાં આધારીત બ્રોમિન જેવા કેમિકલ્સના ઉત્પાદન માટે લીઝ પર ફાળવવાની અરજી પર મચેલી ધમાલ પર આખરે હાલતુરંત પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. લોકસભા ચૂંટણી પૂર્વે ગમે તે ભોગે આ લીઝ ફાળવવા માટે એડીચોટીનું જોર લગાવાયું હતું. કચ્છની એક રાજકીય બેલડીએ લીઝ મંજૂર કરાવી કરોડોનું ફંડ પડાવવાની ગોઠવણ કરી હોવાની જોરશોરથી ચર્ચાઓ ઉઠી હતી. અચાનક જ ૨૦૦૯થી ધૂળ ખાઈ રહેલી અરજીને એકાએક પાંખ આવી હતી અને સ્થાનિક સ્તરેથી ફટાફટ ક્લિયરન્સ આપી દેવાતાં ગાંધીનગર સુધી પહોંચી ગઈ હતી.
મહેસુલ વિભાગે ફાઈલને પરત મોકલી આપી
લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ થયાનાં બે દિવસ અગાઉ અડધી-પડધી અને સાચી-ખોટી સરકારી પૂર્તતા સાથેની રજૂ થયેલી ફાઈલ પર મહેસુલ વિભાગે અણિયાળા પ્રશ્નો તથા દરખાસ્ત મંજૂર કરવા સામે અન્ય લોકોએ કરેલી વાંધા અરજીઓને ધ્યાને લઈ લીઝ મંજૂર કરવાના બદલે વધુ કેટલાંક મૂળભૂત સવાલો ઉઠાવી કલેક્ટરને તે અંગે જવાબો આપવાની સૂચના સાથે ફાઈલ પરત મોકલી દીધી હતી. જેથી હાલપૂરતું આ ફાઈલની ઉડાન પર રોક આવી ગઈ છે.
કલેક્ટરને આ મહત્વના મુદ્દે ખુલાસો કરવા કહ્યું
મહેસુલ વિભાગે અરજી સાથે રજૂ થયેલું પંચરોજકામ ત્રણ વર્ષથી વધુ સમય જૂનું હોઈ અદ્યતન સ્થિતિ ચકાસી શકાય તેમ ના હોવાનું જણાવી તાજું પંચરોજકામ કરાવવા સૂચના આપી હતી. કંપનીએ ૨૦૦૯માં ખાવડા વિસ્તારમાં લીઝની માંગણી કરેલી છતાં તાબાના અધિકારીઓએ હકીકતો છૂપાવી તેને લખપતમાં ગણી માપણી કરેલી. એ જ રીતે, માંગણીની જમીન પર કૉર્ટ કેસ ચાલતો હોવા છતાં તેને ધ્યાને લેવાયો નહોતો અને વાંધા અરજીઓને પણ નજરઅંદાજ કરાઈ હતી. આ બાબતે થયેલી વાંધા અરજીઓ અંગે હકીકતલક્ષી અહેવાલ અને તે અંગે મહેસુલ વિભાગે કલેક્ટરનો અભિપ્રાય માંગી ફાઈલ પરત મોકલી આપી છે. લીઝના અરજદારે પોતાને અન્ય કોઈ જગ્યાએ જમીન ફાળવાયેલી ના હોવાની સ્પષ્ટતા કરેલી પરંતુ આ સ્પષ્ટતાને કલેક્ટરે અનુમોદન આપ્યું ના હોઈ મહેસુલ વિભાગે કલેક્ટરને પણ આ બાબતે સ્પષ્ટ અનુમોદન આપવા સૂચના આપી છે.
બે મીઠાં કેમિકલ કંપનીએ ૧૩૦ કરોડ નથી ભર્યાં
રાપરના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ મેઘજીભાઈ શાહે કેગના રીપોર્ટનો હવાલો આપીને આરોપ કર્યો છે કે કચ્છના રણમાં મીઠું અને મીઠાં આધારીત કેમિકલ્સ બનાવતી બે કંપનીએ જમીનની લીઝ પેટે રાજ્ય સરકારને ચૂકવવાના થતાં ૧૩૦ કરોડ રૂપિયા ભરપાઈ કર્યાં નથી. આર્ચિયન કેમિકલ ઈન્ડસ્ટ્રીઝે ૫૦ લાખ ચોરસ મીટર જમીન પર પ્રતિ ચોરસ મીટર જંત્રીના ૧૫૫ રૂપિયા લેખે અંદાજે ૭૭ કરોડ ૫૦ લાખ ભરવાના થાય છે. એ જ રીતે, એગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝને પ્રતિ ચોરસ મીટરદીઠ જંત્રીના ૬૫ રૂપિયા લેખે ૮૦ હજાર ચોરસ મીટર લીઝ પર અંદાજે ૫૨ કરોડ રૂપિયા ભરવાના થાય છે. બંને કંપનીના કુલ ૧૩૦ કરોડ ૧૧ લાખ રૂપિયાની વસૂલાત ૧૫ ટકાના વાર્ષિક ભાડાથી જમીન ફાળવણીના ભોગવટા મુજબ થવી જોઈએ. સામાન્યતઃ લીઝની રકમ વર્ષના પ્રારંભે વસૂલ કરવાની હોય છે પરંતુ વસૂલાત શા માટે નથી થઈ તે સૌથી મોટો સવાલ છે.
ભરુચમાં સોલ્ટ લીઝના કારણે માછીમારો ભડક્યાં
ભરૂચના હાંસોટ તાલુકાના કતપોર ગામ નજીક ગાંધીધામની એશિયન સોલ્ટ કંપનીને મીઠાં માટે ૧૯ ચોરસ કિલોમીટર એટલે કે ૪ હજાર ૫૭૨ હેક્ટર જમીન લીઝ પર ફાળવવા હિલચાલ થતાં સ્થાનિક માછીમારોએ તેનો ઉગ્ર વિરોધ કર્યો છે. આ જમીન નર્મદાના મુખપ્રદેશમાં આવેલી છે અને માછીમારી માટે શ્રેષ્ઠ મનાય છે.
ભાડભૂતના સરપંચ સુનીલ માછીએ આરોપ કર્યો કે ચૂંટણી ફંડ મેળવવા માટે સરકારે આ જમીનની લીઝ આપવા હિલચાલ શરૂ કરી છે પરંતુ અમે તેનો ઉગ્ર વિરોધ કરીએ છીએ.
૨૦૧૮માં પણ નકશાઓમાં ગોઠવણ કરીને આ જમીન ગાંધીધામની શ્રીરામ બ્રાઈન કેમ કંપનીને લીઝ પર ફાળવાયેલી પરંતુ માછીમારોના ઉગ્ર વિરોધના કારણે સરકારે લીઝ મંજૂર કરવાનું પડતું મૂકેલું. હવે ગાંધીધામના જ ઉદ્યોગપતિઓએ એશિયન સોલ્ટ કંપનીના નામે ફરી આ જમીન મેળવવા હિલચાલ શરૂ કરી છે. સુનીલ માછીએ જણાવ્યું કે અગાઉ આ જમીન ભાડભૂત બેરેજ યોજનાના કારણે બેરોજગાર બનેલાં માછીમારોના પુનર્વસન માટે ફાળવવા અમે દરખાસ્ત કરેલી પરંતુ તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. સોલ્ટ લીઝ માટે જમીન ફાળવવાથી પર્યાવરણનો પણ સોથ વળી જવાની ભીતિ છે. માધ્યમોના અહેવાલો મુજબ એશિયન સોલ્ટ કંપનીના ભાગીદારો બાબુ હુંબલ અને ધવલ આચાર્ય માછીમારોના વિરોધ અને વિવાદ મુદ્દે ખુલાસો કરવાના બદલે એકમેકને થપ્પો આપતાં રહ્યાં હતાં.
નેતાઓના દબાણથી ખોટું કરતાં અધિકારીઓ વિચારે
કચ્છમાં વર્ષોથી અનેક નાનાં મીઠાં એકમોની લીઝ રીન્યૂ થતી નથી અને મોટાં એકમોને લાખો એકર જમીન ફાળવાઈ ગઈ હોવાની તથા લીઝ રીન્યૂઅલ માટે કચ્છ ભાજપના નેતાઓએ ત્રણસો કરોડ રૂપિયાની ખંડણી માંગી હોવાનો આરોપ કરનાર કોંગ્રેસના સિનિયર નેતા વી.કે. હુંબલે સરકારી અધિકારીઓને રાજકીય નેતાઓના દબાણમાં આવીને કોઈપણ ખોટું ગેરકાયદે કામ ના કરવા સલાહ અને તાકીદ કરી છે. કારણ કે, અધિકારીએ કરેલા ગેરકાયદે કામ આજીવન રેકર્ડમાં રહે છે. આ રેકર્ડ ભવિષ્યમાં અધિકારીઓ માટે જ મુસીબત બની રહે છે. કલેક્ટર પ્રદીપ શર્મા અને તેમની સાથેના નાનાં મોટાં ઘણાં અધિકારી અને કર્મચારીઓ સામે ભાજપ સરકાર બદલાની ભાવનાથી કેસ ઊભાં કરી રહી છે તેનાથી વહીવટી તંત્રના અધિકારીઓમાં ફફડાટ ફેલાયેલો છે.
Share it on
|